- OTT ઓનલાઈન ઝિંદાબાદ - સંજય વિ. શાહ
- આપણી આસપાસ દક્ષિણ કોરિયામાં પણ સેટેલાઇટ ટીવી, પછી ઇન્ટરનેટ વગેરે ક્રાંતિ થઈ. ઓટીટીએ પણ એ રીતે પા પા પગલી ભરી પણ આજે કોરિયન ડ્રામા સામે આપણી સિરીઝ કોઈ વિસાતમાં હોય એવું લાગતું નથી.
- સ્ક્વિડ ગેમ
- વ્હોટ ઇઝ લવ
- ટુ નાઇટ્સ એન્ડ વન ડે
એવાતમાં શંકા હોઈ શકે નહીં કે આપણાં ઓટીટી પ્લેટફોર્મ્સ તેજ રફ્તારથી આગળ વધી રહ્યાં છે. બોલિવુડના સુપરસ્ટાર્સથી માંડીને ગઈકાલ સુધી ઘેર બેસેલા, નવરાધૂપ થઈ ગયેલા કલાકાર-કસબીઓને ઓટીટીએ લાઇમલાઇટમાં લાવીને મૂકી દીધા છે. આવક રળતા પણ કરી દીધા છે. છતાં, ગુણવત્તાની, વૈવિધ્યની વાત આવે ત્યાં ઓટીટી શોઝે અને સ્ટ્રેઇટ ટુ ઓટીટી ફિલ્મોએ પણ ઘણું સુધરવાનું બાકી છે. કારણ? ઓટીટીએ પણ બોલિવુડની ઘણી બેઢંગી રીતોને અપનાવી છે. જોકે થાય પણ શું? બેઉ જગ્યાએ કામ કરતાં માથાં મોટાંભાગે એક ખરાંને. આપણી ઓટીટી ઇન્ડસ્ટ્રીએ થોડું કોરિયન ઇન્ડસ્ટ્રી પાસેથી શીખવાની જરૂર છે. વચમાં એક વીડિયો વાઇરલ થયો. એમાં એક કોરિયન શોના શૂટિંગની ઝલક હતી. શૂટિંગમાં સ્ટાર્સ હતા, ટોચના ટેકનિશિયન્સ હતા પણ દેખાડો નહોતો. આઉટડોર શૂટિંગ છતાં કલાકારો માટે વેનિટી વેન્સ (શૂટિંગ વચ્ચેના ફાજલ સમયમાં કલાકારો જેમાં ટેસથી આરામ ફરમાવે એ માટેની પોશ, મોંઘીદાટ વન) નહોતી કે નહોતી કોઈને સ્પેશિયલ ટ્રીટમેન્ટ.
સાથે, કોરિયન ડ્રામાઝ સ્ક્રિપ્ટથી માંડીને પ્રોડક્શન વેલ્યુઝ અને પોસ્ટ પ્રોડક્શન, એટલે શૂટિંગમાં ભેગાં થયેલાં દ્રશ્યોના કાચા માલને એડિટિંગ, કલર કરેક્શન, સ્પેશિયલ ઇફેક્ટ્સ વગેરેથી ફાંકડું બનાવવાની બાબતે બહુ ચોકસાઈ ધરાવે છે. એવું શું કરે છે આ કોરિયન્સ જે આપણા સર્જકો નથી કરી શકતા?
ફોર્મ્યુલા. કોરિયન ફોર્મ્યુલા ચુસ્ત બજેટની આસપાસ ફરે છે. એક એક રૂપરડી (સાઉથ કોરિયન વોન) વાપરતી વખતે ઓટીટી માંધાતાઓ, નિર્માતાઓ બહુ કાળજી રાખે છે. દાખલો જોઈએ છે? 'સ્ક્વિડ ગેમ' લઈ લો. રૂપિયાના સંદર્ભમાં એ શો બન્યો રૂ. ૧૭૫ કરોડમાં. એણે નેટફ્લિક્સને વળતર આપ્યું કેટલું? આશરે રૂ. ૭,૫૦૦ કરોડ! દુનિયાના ૧૪.૨ કરોડ દર્શકોનાં દિલ પણ એ શો જીત્યો. એની તુલા સંજય લીલા ભણસાલીના ફર્સ્ટ ઓટીટી શો 'હીરામંડી' સાથે કરીએ તો એની પાછળ વપરાયા રૂ. ૨૦૦ કરોડ. કોઈ તોલ છે બેઉનો?
સવાલ એ કે કોરિયન નિર્માતાઓ ઓછા ખર્ચમાં આપણા શોઝ કરતાં ક્યાંય વધારે પ્રભાવશાળી, ખર્ચાળ અને દમદાર લાગતા શોઝ બનાવે છે કઈ રીતે?
પહેલો જવાબ છે ભપકો નહીં, નિર્માણને ઉત્કૃષ્ટ કરતા નિયમોનું ત્યાં સખતાઈથી પાલન થાય છે. બીજો જવાબ છે ત્યાં શું અને કેવું બનશે એ સ્ટાર (દિગ્દર્શકો અને કલાકારો) નહીં પણ વિષય માટે શું અનિવાર્ય છે એના આધારે નક્કી થાય છે. તમામ ગણતરીઓના શ્રીગણેશ થાય છે સ્ક્રિપ્ટથી.
આગળ વાત કરતાં પહેલાં એ સમજી લઈએ કે હજી પંદર-વીસ વરસ પહેલાં કોરિયન મનોરંજન ઉદ્યોગ અત્યારે ગાજે છે એમ ગાજતો નહોતો. ઇન ફેક્ટ, એનું નામ સુધ્ધાં આપણે સાંભળ્યું નહોતું. તો એની પછી ગજબનું શું થયું? એને હલ્યુ વવ કહે છે. એ વવમાં કોરિયન ડ્રામા ચીનમાં અતિશય લોકપ્રિય થયા. દાયકો ૧૯૯૦નો હતો. એ વવમાં ત્યાંનાં પાપ સોન્ગ્સ, ત્યાંની ફિલ્મો અને શોઝે ચીનમાં સપાટો બોલાવ્યો. એ જોઈને ચીનના પત્રકારોએ ૧૯૯૯ની સાલમાં આ ટર્મ પ્રથમવાર વાપરી - હલ્યુ વવ. નોંધનીય છે કે ૧૯૯૦ના દાયકાની શરૂઆત સુધી કોરિયન પ્રજા પર વિદેશપ્રવાસને લગતા કડક નિયંત્રણો હતાં. એ દૂર થયાં અને કોરિયન નવી પેઢી એકાએક ખુલી, વિસ્તરી અને વિશ્વના બહેતર સંપર્કમાં આવી. વિદેશ જનારા કોરિયન યુવાનો પશ્ચિમથી, ચીન જેવા દેશોથી પોતાના દેશ માટે નવો દ્રષ્ટિકોણ અને મિજાજ લાવ્યા. એનો ઉપયોગ બિઝનેસથી લઈને એન્ટરટેઇનમેન્ટ એમ દરેક મોરચે થવા માંડયો. ૧૯૯૭માં ચીનમાં કોરિયન શો, 'વ્હોટ ઇઝ લવ' ટેલિકાસ્ટ થયો. ચીનમાં ત્યાર સુધીમાં ઇમ્પોર્ટ થયેલા તમામ વિદેશી શોઝને પછાડીને એ શો ત્યાં નંબર ટુ વિડિયો કન્ટેન્ટ બની ગયો. એ સફળતાએ ચીનને, ચીની પત્રકારોને આભા કરી દીધા. એમાંથી જન્મી અને ઉપયોગમાં આવી ટર્મ, હલ્યુ વવ. ૧૯૯૯માં કોરિયન ફિલ્મ 'સ્વિરી'એ જબ્બર સફળતા મેળવી. દરમિયાન, દક્ષિણ કોરિયા આથક પડકારોનો સામનો કરી રહ્યું હતું. તેથી દેશના તત્કાલીન પ્રમુખ કિમ દાએ જંગે ઠરાવ્યું કે હાલો, આપણા કલ્ચરનું નિકાસ શરૂ કરીએ. કલ્ચરનો એક હિસ્સો ફિલ્મો, શોઝ (બીજો કોરિયન બ્યુટી પ્રોડક્ટ્સ અને એ સિવાય બીજું ઘણું) વગેરે. એ આઇડિયા ધાર્યા કરતાં વધુ સફળ રહ્યો. દરમિયાન, ત્યાં સૈન્યસત્તા હતી એનો અંત આવ્યો. એ સાથે અંત આવ્યો મનોરંજન ઉદ્યોગ પરની સેન્સરશિપ અને તવાઈ પર.
હલ્યુના હમણાં સુધી ત્રણ તબક્કા થયા છે. એકની વાત કરી. બીજો ૨૦૦૦-૨૦૧૦ વચ્ચેનો હતો. હમણાં ત્રીજો ચાલી રહ્યો છે. ત્રીજામાં દક્ષિણ કોરિયાએ 'પેરાસાઇટ' ફિલ્મ, 'સ્ક્વિડ ગેમ' શો સહિત અનેક સર્જનોથી વૈશ્વિક સ્તરે મનોરંજન ઉદ્યોગમાં પોતાની જગ્યા બનાવી છે. ત્રીજા તબક્કામાં કોરિયન સર્જનોની લોકપ્રિયતા સ્વદેશ કે ચીન પૂરતી મર્યાદિત નહીં રહેતા જાપાન અને પછી સર્વત્ર પ્રસરી ગઈ છે.
ફરી ફોર્મ્યુલા પર આવીએ. દક્ષિણ કોરિયાના એક અગ્રણી નિર્માતા-દિગ્દર્શક, ના યેઓન્ગ-સોક છે. 'ટુ નાઇટ્સ એન્ડ વન ડે', 'ન્યુ જર્ની ટુ ધ વેસ્ટ', 'ગ્રાન્ડપાઝ ઓવર ફ્લાવર્સ', 'થ્રી મીલ્સ એ ડે' સહિતનાં એમનાં સર્જન ગાજેલાં છે. એમના મતે કોરિયન નિર્માણમાં પાયાનું કામ સ્કિપ્ટ પર થતું સખત, ચિક્કાર અને બારીકીભર્યું કામ છે. એમાં મહિનાઓ જાય એ ત્યાં સામાન્ય અને વરસો વીતે એ સ્વીકાર્ય બાબત ગણાય છે. ત્યાં માત્ર સ્ટાર્સના નામે નહીં, લેખકોના નામે પણ દર્શકો ખેંચાઈ આવે છે. કોરિયન ડ્રામામાં 'રાઇટર-ડ્રિવન મોડેલ' પ્રસ્થાપિત છે. કિમ યુન-સૂક, પાર્ક જી-ઉન, કિમ ઇઉન-હી જેવા લેખકો ત્યાં સ્ટાર્સ છે. પ્રેક્ષકોમાં એમનાં નામ એટલા જ વિશ્વસનીય છે જેટલા જાણીતા અભિનેતાઓના.
બીજું કે ત્યાં ટેલિવિઝને પણ આડકતરી રીતે શિસ્ત, સંયમ અને ગુણવત્તાનું માળખું ઓટીટી માટે ઊભું કર્યું હતું. ત્યાંની બ્રોડકાસ્ટિંગ સિસ્ટમમાં એવું રહ્યું છે કે મોટાભાગની સિરીઝ ૧૨થી ૧૬ એપિસોડમાં પૂરી થઈ જ જાય. એને લીધે સર્જનાત્મક શિસ્ત, વિષયને નહીં તાણવાની સહજ માનસિકતા ત્યાં વિકસિત થઈ. ઓટીટી આવ્યું કે એ માનસિકતાનો સીધો લાભ નવાં પ્લેટફોર્મ્સ સુધી પહોંચ્યો.
આપણે ત્યાં એના કરતાં તાલ સાવ વગેળો છે. આપણે ત્યાં સ્ક્રિપ્ટ લખાઈ ઉતાવળે જાય. સંશોધન (ઝાઝું કરીને) ખાડામાં જાય (કારણ, ક્રિએટિવ લિબર્ટીઝ આપણે ત્યાં સૌને ભાવતી વાનગી છે) અને શૂટિંગ વખતે પણ સ્ક્રિપ્ટમાં સતત, લગાતાર ફેરફાર (દિગ્દર્શકની, કલાકારોની, ક્યારેક ટેકનિશિયન્સની મુનસફી પ્રમાણે પણ થાય તો એ બિલકુલ માફ અને, 'ઉસસે ક્યા ફર્ક પડતા હૈ?' એવી ક્ષુલ્લક વાત ગણાય છે. ટૂંકમાં, સ્ક્રિપ્ટ માટે કહી શકાય, 'હૂ કેર્સ?' એનું વરવું પરિણામ પહેલાં શોનું બજેટ, એના મેકિંગનું શિડયુલ ભોગવે છે. પછી દર્શકો પણ સહન કરે છે. કારણ દર્શકોના માથે ઝીંકી દેવાય છે અધકચરો શો. વધુ વાત આવતા અઠવાડિયે.


