- 'હું ઓછામાં ઓછા ખર્ચમાં સિનેમા બનાવવામાં માનું છું. ફિલ્મ સર્જન દરમિયાન કશાયનો વેડફાટ ન થાય એ બાબતે હું સાવધાન રહું છું. નવા કલાકારો મારી આ વાત સરળતાથી સ્વીકારી લે છે.'
ફિલ્મ સર્જક કિરણ રાવે આંગળીના વેઢે ગણી શકાય એટલી જ ફિલ્મો બનાવી છે. આમ છતાં તેના સિનેમા દર્શકોના દિલમાં ખાસ સ્થાન રાખે છે. વળી કિરણ રાવ એકદમ મર્યાદિત ખર્ચમાં ફિલ્મ બનાવવામાં માને છે. આ કારણે જ તે નવોદિતોને લઈને પોતાની ફિલ્મો બનાવે છે.
કિરણ રાવ કહે છે કે ફિલ્મો બનાવવાનો વધતો જતો ખર્ચ હિન્દી ફિલ્મોદ્યોગમાં સૌથી મોટી ચર્ચાનો વિષય છે. ખાસ કરીને સ્ટાર્સની ટીમ પાછળ થતો ખર્ચ. આ કારણે જ તે નવા કલાકારોને લઈને ફિલ્મો બનાવવાનું પસંદ કરે છે.
જોકે તે કબૂલે છે કે વર્ષ ૨૦૧૦માં તેણે બનાવેલી 'ધોબીઘાટ' કરતાં ૨૦૨૩ની સાલમાં બનાવેલી 'સાપતા લેડિઝ'નું બજેટ વધારે હતું. તે કહે છે કે મારી ફિલ્મો બનાવવાની રીત એકદમ વેગળી છે. હું ઓછામાં ઓછા ખર્ચમાં સિનેમા બનાવવામાં માનું છું. ફિલ્મ સર્જન દરમિયાન કાંઈપણ વેડફાય નહીં એ બાબતે હું સાવધાન રહું છું. અને નવા કલાકારો મારી આ વાત સરળતાથી સ્વીકારી લે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૫૧ વર્ષીય કિરણ રાવે નિતાશી ગોયલ, પ્રતિભા રાંટા અને સ્પર્શ શ્રીવાસ્તવ જેવા નવોદિતોને લોંચ કર્યાં છે. તેણે તેના પૂર્વપતિ આમિર ખાનના પુત્ર જૂનૈદના ડેબ્યુની પણ કાળજી લીધી હતી. તે કહે છે કે જ્યારે કોઈ નેપોકિડ ફિલ્મોદ્યોગમાં આવે ત્યારે તેમના માટે એમ જ વિચારવામાં આવે છે કે સ્ટાર કલાકારોના સંતાનોના બહુ આસાનીથી કામ મળી જાય છે. તેમને આઉટસાઈડર્સની જેમ ફિલ્મ મેળવવામાં સંઘર્ષ નથી કરવો પડતો. જ્યારે હકીકતમાં મેં તેમને સખત પરિશ્રમ કરતાં જોયાં છે. તેમની કારકિર્દીની યાત્રા બહારથી આવતાં કલાકારો કરતાં વધુ કપરી હોય છે, અને તેનું સૌથી મોટું કારણ એ છે કે તેમના માટે પહેલેથી જ ઘણું ધારી લેવામાં આવે છે. પરંતુ વિડંબણા એ છે કે જ્યારે તેઓ દર્શકોની પૂર્વધારણાઓ પર ખરાં ન ઉતરે તો તેમના મન પરથી ઉતરી જાય છે. વળી આજની તારીખમાં લોકોને સ્ટાર કલાકારો તેમ જ તેમના સંતાનો વિશે જાણવાની ઉત્સુકતા હોય છે, પરંતુ તેમને સ્ટાર બનાવવા એ બહુ મોટી જવાબદારીનું કામ છે.
કિરણ રાવ એમ પણ કહે છે કે હવે સ્ટાર્સની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. જરૂરી નથી કે એ ફિલ્મોદ્યોગમાંથી જ આવતાં હોય. તેઓ રીલના માધ્યમથી, સીરિઝના માધ્યમથી, ફિલ્મોમાંથી કે દિગ્દર્શનના માધ્યમથી પણ આવી શકે. આ બધા ક્ષેત્રના ખ્યાતનામ લોકોને નેટિઝનો બહુ બારીકાઈપૂર્વક નિહાળતાં હોય છે. નવી પેઢીએ સ્ટારડમની વ્યાખ્યા બદલી નાખી છે.


