કિયારા અડવાણી : મીનાકુમારીની ભૂમિકામાં? કેટલું સાચું, કેટલું ખોટું?
- બાયોપિકમાં જે વ્યક્તિ કેન્દ્રીય ભૂમિકા ભજવવાની હોય તેનું સિલેક્શન પહેલાં કરવાનું હોય કે પૂરક પાત્રનું? લાગે છે કે સિદ્ધાર્થ પી. મલ્હોત્રા હાલ મગનું નામ મરી પાડવા તૈયાર નથી
અવિસ્મરણીય અભિનેત્રી મીનાકુમારીના જીવન પર આધારિત એક ફિલ્મ દિગ્દર્શક સિદ્ધાર્થ પી. મલ્હોત્રા બનાવવામાં છે અને તેમાં મીનાકુમારીની ભૂમિકા માટે કિયારા અડવાણીની પસંદગી થઈ ચૂકી છે એવા મતલબના ઘણા અહેવાલો છેલ્લા કેટલાક દિવસથી અખબારોમાં ચમકી રહ્યા છે. આ અંગે સ્પષ્ટતા કરવા મીડિયાએ સિદ્ધાર્થ પી. મલ્હોત્રાનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મીનાકુમારીના પ્રિયજન અને ફિલ્મમેકર એવા કમાલ અમરોહીની ભૂમિકા કોને આપવી એ નિર્ણય હું પહેલાં લઈશ અને એ પછી મીનાકુમારી કોને બનાવવી તેનો નિર્ણય લેવામાં આવશે.
બાકી ખબર તો એવી આવી હતી કે સિદ્ધાર્થ પી. મલ્હોત્રા કિયારામાં હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી મીનાકુમારીને નિહાળી રહ્યા છે. કિયારાને સ્ક્રિપ્ટનું નરેશન આપી દેવામાં આવ્યું છે તેવી વાતો પણ સંભળાઈ. સુમાહિતગાર સૂત્રો કહે છે કે કિયારા, જે હાલ ગર્ભવતી છે, એ તો આ ઓફર મળવાથી રાજી રાજી થઈ ગઈ છે. ટૂંક સમયમાં એ આ પ્રોજેક્ટ માટે ઓફિશિયલી લીલી ઝંડી બતાવી દે એવુંય બને.
'આ બધી અટકળો છે, બીજું કશું નહીં,' સિદ્ધાર્થ કહે છે, 'હાલ હું ન્યુ યોર્કમાં છું. જુલાઈના અંત સુધીમાં હું પાછો આવીશ અને તે પછી જ આ દિશામાં હિલચાલ શરુ કરીશ. સૌથી પહેલાં તો મારે કમાલ અમરોહી કોને બનાવવો એ નક્કી કરવાનું છે. એક વાર હીરો ફાયનલાઇઝ થાય તે પછી જ હું એક્ટ્રેસની વરણી કરીશ.'
આ વાત જ જરા વિચિત્ર નથી શું? જે વ્યક્તિ બાયોપિકમાં કેન્દ્રીય ભૂમિકા ભજવવાની હોય તેનું સિલેક્શન પહેલાં કરવાનું હોય કે પૂરક પાત્રનું? લાગે છે કે સિદ્ધાર્થ પી. મલ્હોત્રા હાલ મગનું નામ મરી પાડવા તૈયાર નથી એટલે જ આવી બધી વાતો કરી રહ્યા છે.
'હિચકી' અને 'મહારાજ' જેવી ફિલ્મ માટે જાણીતા એવા આ દિગ્દર્શક, અલબત્ત, સ્વીકારે છે કે આ બાયોપિકના કલાકારોની પસંદગી બાબતે ઘણી અફવાઓ ફેલાઈ છે. અવારનવાર કોઈ ચોક્કસ અભિનેત્રીનો સંપર્ક કરવામાં આવી રહ્યો હોવાની વાતો સામે આવે છે.
'મને નથી લાગતું કે સપ્ટેમ્બર પહેલાં અમે કમાલ અમરોહી અને મીનાકુમારીની ભૂમિકા માટે કોઈ કલાકારની પસંદગી કરી શકીએ,' તેઓ કહે છે. શું આ ફિલ્મ અંગે કિયારા અડવાણી સાથે અગાઉ ક્યારેય વાતચીત થઈ હતી? સિદ્ધાર્થ પી. મલ્હોત્રા કહે છે,'હા. હાલ કિયારા પ્રેગનન્ટ છે. અત્યારે એનું સઘળું ધ્યાન પોતાના આવનારા બાળક પર અને ખુદના સ્વાસ્થ્ય પર હોવાનું. આવી સ્થિતિમાં એની સાથે ફિલ્મની ચર્ચા કરવી ઠીક નથી. બાકી, આ બાયોપિક બનાવવાના અધિકારો સત્તાવાર રીતે અમે મેળવી લીધા છે.'
ફિલ્મનો વિષય અદભુત છે. કાસ્ટિંગ પણ એટલું જ અદભુત હશે તો અડધો જંગ તો ત્યાં જ જીતાઈ ગયો સમજવો.