Get The App

કિયારા અડવાણી : મા બન્યા પછી હું જરાય ધીમી પડવાની નથી...

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
કિયારા અડવાણી : મા બન્યા પછી હું જરાય ધીમી પડવાની નથી... 1 - image

- 'એક તરફ કામ પ્રત્યેનો મારો જોશ વધ્યો છે, તો બીજી તરફ હું ખૂબ હેલ્થ કોન્શિયસ પણ બની છું. હું સારીનરવી રહું તે અગત્યનું છે, કેમ કે મારે મારી દીકરીને પણ સાજીનરવી રાખવાની છે.'

જુલાઈ ૨૦૨૫માં પુત્રી સરાયાને જન્મ આપીને કિયારા અડવાણી અને તેના પતિ એક્ટર સિદ્ધાર્થ મલહોત્રા જીવનના એક મહત્વના તબક્કામાં પ્રવેશ્યાં.  પુત્રીનો જન્મ કપલ માટે એક સીમાચિહ્ન સમાન તો છે જ, પણ માતૃત્વને કારણે કિયારાના પોતાના જીવન અને કામ પ્રત્યેના અભિગમમાં પણ મોટું પરિવર્તન આવ્યું છે. કિયારાએ  તાજેતરના મીડિયા ઇન્ટરવ્યુઝમાં માતૃત્વની ફરજોએ કેવી રીતેે તેની પ્રાથમિકતાઓને નવો આકાર આપ્યો, ખુદનો શરીર સાથેના સંબંધમાં કેવો ફેરફાર થયો તેમજ સિનેમા પ્રત્યેના અભિગમમાં કેવું પરિવર્તન આવ્યું અને સમગ્રપણે આ તબક્કો તેના જીવનનો અત્યાર સુધીની સફરનો સૌથી મહત્ત્વનો સમયગાળો શી રીતે બન્યો તેના વિશે નિખાલસતાથી વાતો કરી છે. 

ઓગસ્ટ ૨૦૨૫માં 'વોર ટુ' રિલીઝ થઈ ત્યારે દર્શકો આ એક્શન-થ્રિલર તેમજ સ્ક્રીન પર હૃતિક રોશન અને જુનિયર એનટીઆરની જોડીથી ઉત્સાહિત થયા હતા. આ એક્શન અને ડ્રામા વચ્ચેય કિયારા અડવાણીના બિકિની દ્રશ્યે ખૂબ ચર્ચા જગાવી હતી. આ લૂકને કિયારાની સ્ક્રીન ઇમેજમાં એક નવા પરિવર્તન તરીકે તેમજ કિયારાના કોન્ફિડન્સના પ્રતીક તરીકે જોવામાં આવ્યું. કિયારા માટે આ દ્રશ્યની સ્મૃતિ સ્પેશિયલ છે, કારણ કે આ સીનનું શૂટિંગ એ પ્રેગનન્ટ બની તે પહેલાં થયું હતું અને ફિલ્મ રિલીઝ થઈ એ મા બની તે પછી. 

કિયારાએ એક મુલાકાતમાં કહે છે, 'બિકિની દ્રશ્યની તૈયારી માટે મારે ભારે શિસ્ત કેળવવી પડી હતી. મહિલા કલાકારો પાસે આ લૂક માટે એકદમ પરફેક્ટ બોડીની અપેક્ષા રાખવામાં આવે છે. આવું ફિગર બનાવવું ખૂબ અઘરું છે. વળી, તમારે કેમેેરા સામે બિલકુલ કોન્શિયસ થવાનું નથી. તમારે બિકિનીમાં સહજ દેખાવાનું છે. આ બધું જરાય સહેલું હોતું નથી. પ્રસૂતિ પછી હું આ જ અભિગમ ફરી અપનાવવા માગું છું. મને હતું કે હું એકવાર બિકિની બોડી બનાવી ચૂકી છું, હવે ફરીથી આસાનીથી બનાવી શકીશ. જોકે આ ધારણા વાસ્તવિકતાથી તદ્દન જુદી છે તે મને હવે સમજાઈ રહ્યું છે.'

કિયારા કહે છે કે 'વોર ટુ' દરમ્યાન તેમજ બાળકીના જન્મ પછી પોતાના શરીરમાં થઈ રહેલા ફેરફારો અને વિરોધાભાસોને સમજવા મુશ્કેલ હતા. અનેક હિરોઈનોની જેમ એને પણ અગાઉ જેવું જ ફિગર બનાવવાના પ્રેશરનો અનુભવ થયો. જોકે આજે કિયારા માને છે કે, 'બાળકના જન્મ પછી તાત્કાલિક ચોક્કસ ફિગર બનાવવાનું પ્રેશર લેવાની કશી જરૂર હોતી નથી. તેના સ્થાને હું હવે મારા હાલના ફિગર પ્રત્યે વધુ આદર અને કૃતજ્ઞાભાવ રાખતી થઈ ગઈ છું. હું અરીસામાં ખુદને નિહાળું છું ત્યારે મને થાય છે કે વાહ, મારા આ શરીરે એક માનવજીવની રચના કરી! હવે કોઈ પણ પ્રકારની સરખામણી વ્યર્થ છે. હવે મારું ફિગર ભલે ગમે તેવું હોય, હું કાયમ મારા શરીરની ક્ષમતાનું સન્માન કરીશ.' 

કિયારામાં આવેલો આ ભાવનાત્મક બદલાવ તેની વ્યાવસાયિક ફિલોસોફીમાં પણ પ્રવેશી ગયો છે. કિયારાએ તાજેતરમાં બોલિવુડમાં ચાલી રહેલી આઠ કલાકની શિફ્ટ વિશેની ચર્ચામાં ઝંપલાવ્યું છે. કહેવાય છે કે રોજ નિયત કરેલા કલાકો માટે જ કામ કરવાના આગ્રહને કારણે દીપિકા પાદુકોણેને અમુક ફિલ્મોમાંથી પડતી મુકાઈ છે. પણ આ વિવાદ પ્રત્યે કિયારાનું વલણ સાફ અને સ્પષ્ટ છે. એ કહે છે, 'વધુ પડતું કામ કરવાથી ઉદ્યોગમાં કોઈને પણ લાભ નથી થવાનો. અતિશય કામ કરવાથી માત્ર જે-તે વ્યક્તિને વધુ નુકસાન જ થાય છે અને તેની સર્જનાત્મકતા પર માઠી અસર પડે છે.'

કિયારા પોતાના જીવનના ત્રણ સિદ્ધાંતો - સન્માન, સંતુલન અને આદર - તેનો ઉલ્લેખ કરીને ફિલ્મોના સેટ પર બેલેન્સ બનાવી રાખવાની આગ્રહપૂર્વક ભલામણ કરે છે. 

કિયારાનું અંગત જીવન એક આધુનિક પરીકથા સમાન છે. તેના અને સિદ્ધાર્થ મલહોત્રાના લગ્ન ફેબુ્રઆરી ૨૦૨૩માં જેસલમેરના સુંદર અને ભવ્ય એવા સૂર્યગઢ મહેલમાં થયાં હતાં. તેમણે પ્રેગનન્સીની જાહેરાત ફેબુ્રઆરી ૨૦૨૫માં સાદી પણ લાગણીસભર સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારાકરી હતી. એણે ટચકડાં મોજાંનો ફોટો મૂક્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું: અમારા જીવનની શ્રેષ્ઠ ભેટ, ટૂંક સમયમાં આવી રહી છે. ૧૫ જુલાઈ, ૨૦૨૫માં બાળકીનો જન્મ થતાં તેણે આ ખુશાલી ચાહકો સાથે શેર કરતા લખ્યું હતું: અમારાં હૃદય ખુશીથી છલકાઈ રહ્યાં છે અને અમારી દુનિયામાં કાયમી પરિવર્તન 

આવ્યું છે. વ્યાવસાયિક રીતે કિયારા  હવે યશ અને નયનતારા સાથે પેન ઇન્ડિયન ફિલ્મ 'ટોક્સિક: એ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ'માં દેખાવાની છે. માર્ચ ૨૦૨૬માં રજૂ થનારી આ ફિલ્મ માતા બન્યા પછીની કિયારાની પહેલી રિલીઝ બની રહેશે. એ કહે છે, 'મારી ફિલ્મોગ્રાફીમાં મેં આવો રોલ અગાઉ ક્યારેય કર્યો નથી. આ રોલ માટે તીવ્ર શારીરિક, માનસિક અને ઇમોશનલ કમિટમેન્ટની જરૂર હતી. સાચું કહું, મારી કરીઅરનો આ અત્યાર સુધીનો સૌથી પડકારજનક રોલ છે.'

માતૃત્વએ કિયારાની પસંદગીઓને પણ બદલી નાખી છે. એ કહે છે, 'હવે શૈલીના આધારે નહિ પણ વાર્તામાં કેન્દ્રવર્તી હોય તેવી જ ભૂમિકા પસંદ કરવી છે. હાલ હું એક બાયોપિક સહિત અનેક પટકથાઓ વાંચી રહી છું. એક તરફ કામ પ્રત્યેનો મારો જોશ વધ્યો છે, તો બીજી તરફ હું ખૂબ હેલ્થ કોન્શિયસ પણ બની છું. હું સારીનરવી રહું તે અગત્યનું છે, કેમ કે મારે મારી દીકરીને પણ સાજીનરવી રાખવાની છે.' 

સો વાતની એક વાત. માતૃત્વએ કિયારાને ધીમી નથી પાડી, પણ એને કારણે એનામાં નવી સાર્થકતાનો ભાવ જાગ્યો છે અને એનું આત્મસન્માનની ભાવના વધ્યું છે. સરસ!