હેરી પોટર પુસ્તકોનાં લેખિકા જે.કે.રોલિંગની ટ્રાન્સજેન્ડર વિશેની ટિપ્પણીઓથી ફરી વિવાદ જાગ્યો છે. હેરી પોટરની એક ઓડિયા ેબુકમાં અવાજ આપનાર કલાકાર કીરા નાઈટલીએ અજાણતા જ આ વિવાદના કેન્દ્રમાં મૂકાઈ ગઈ છે. ચાહકોએ જ્યારે રોલંગ અને તેને સંબંધિત પ્રોજેક્ટોનો બહિષ્કાર કરવાની અપીલ કરી ત્યારે નાઈટલીએ આશ્ચર્યચકિત થઈને તેણે કહ્યું કે મને રોલિંગના ટ્રાન્સજેન્ડર વિશેના વિચારો વિશે કશી જ ખબર નથી. આપણે તમામ ભિન્ન મંતવ્યો ધરાવીએ છીએ, પણ આપણે સૌએ પારસ્પરિક આદર ધરાવવો જોઈએ. કીરાનો સૌમ્ય અને સમાધાનકારી અને મુત્સદ્દી ટોન તીવ્ર ઓનલાઈન વિવાદથી તદ્દન વિપરીત છે.
યુકેની સુપ્રીમ કોર્ટે તાજેતરમાં મહિલાની વ્યાખ્યા ચોક્કસ બાયોલોજીકલ શબ્દોમાં કરતાં ભારે તણાવ સર્જાયો હતો. ઘણાએ તેને ટ્રાન્સજેન્ડરના અધિકારો માટે એક ડગલું પાછળ ગયા હોવાનું ગણાવ્યું હતું. જે.કે. રોલિંગે અપેક્ષા અનુસાર કોર્ટનું સમર્થન કર્યું. જાહેર વ્યક્તિઓ, ખાસ કરીને મનોરંજન ઉદ્યોગ વિરોધ બાબતે વાચાળ રહ્યો. નિકોલ કઘલેન નામની એક્ટ્રેસે સોશિયલ મીડિયામાં તેણે લખ્યું કે તમારો હેરી પોટર તમારી પાસે રાખો. અમે દૂરથી પણ તેને જોવાના નથી. ત્યાર પછી તેણે એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં ટ્રાન્જેન્ડર સમુદાય સામે વધતી હિંસા સામે તેણે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
જે.કે. રોલિંગને પોતાના અભિગમ બદલ કોઈ અફસોસ નથી. અભિનેત્રી એમા વોટ્સને સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે ંરોલિંગ ટ્રાન્સજેન્ડરોના વાસ્તવિક સંઘર્ષો વિશે કશું જાણતી જ નથી. હવે આ વિવાદ જ્યારે ઊંડો બનતો જાય છે ત્યારે હેરી પોટર વિરાસત સામે એક અગ્નિપરીક્ષા આવીને ઊભી છે જે પુસ્તકો અને ફિલ્મોથી પર છે. જે એક સમયે મિત્રતા, બહાદુરી અને સ્વીકૃતિની વૈશ્વિક વાર્તા હતી તેમાં હવે જેન્ડર, ઓળખ અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય બાબતે સમાજના તીવ્ર મતભેદના પ્રતિબિંબ પડી રહ્યા છે. આ તમામ ઉહાપોહ વચ્ચે કીરા નાઈટલીએ કહ્યું છે કે આક્રોશ નહિ પણ સહાનુભૂતિ જ ખરો જાદુ છે.


