Get The App

કાર્તિક આર્યનને ફ્લોપ ફિલ્મ ફળી

Updated: Oct 30th, 2025

GS TEAM

Google News
Google News
કાર્તિક આર્યનને ફ્લોપ ફિલ્મ ફળી 1 - image

- 'જ્યારે પણ તમે નાસીપાસ થઈ જાઓ ત્યારે એક વાત યાદ રાખજો કે આપણા સૌમાં એક ચેમ્પિયન હાજરાહજુર છે. ચેમ્પિયન ગિરતા હૈ, પર રુકતા નહીં...' 

કોઈ ફિલ્મ બોક્સ-ઓફિસ પર ભલે નિષ્ફળ જાય પરંતુ   એક સારો એક્ટર  પોતાના પરફોર્મન્સના જોરે પોતાની ભૂમિકાને યાદગાર  બનાવી શકે છે. પ્રોડયુસર  સાજિદ નડિયાદવાલા અને ડિરેક્ટર  કબીર ખાનની મૂવી 'ચંદુ ચેમ્પિયન' સાથે   આવું જ બન્યું છે.  

ભારતના પહેલા પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ મુરલીકાંત પેટકરની  રિયલ  લાઈફ સ્ટોરી  પર આધારિત  ફિલ્મના  લીડ રોલમાં કાર્તિક  આર્યને જીવ રેડી દીધો હતો. કાર્તિકને  તાજેતરમાં તે મહેનત અને લગનનો શિરપાવ મળ્યો છે. લેટેસ્ટ ફિલ્મફેર એવોર્ડ સમારંભમાં 'ચંદુ ચેમ્પિયન'ના પાવરફુલ  પરર્ફોર્મન્સ બદલ  કાર્તિકને બેસ્ટ એક્ટરના ખિતાબથી નવાજવામાં આવ્યો. આ પહેલા  ફિલ્મફેર  એવોર્ડ છે.

મુરલીકાન્ત પેટકર  એક એવા એથ્લીટ  અને વૉર  હીરો છે જેમણે દેશનું  નામ રોશન કરવા પહાડ જેવી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો.  આવા વૉર હીરોના પાત્રને પડદા પર  સાકાર કરવા કાર્તિક  આર્યને મહિનાઓ સુધી ફિઝિકલ ટ્રેનિંગ લઈ પોતાના દેખાવને સદંતર  બદલી નાખ્યો હતો. એ ઉપરાંત  એણે રોલમાં  ઈમોશનલ ડેપ્થમાં  લાવવામાં પણ કોઈ કસર બાકી નહોતી રાખી. પરિણામે  'ચંદુ ચેમ્પિયન' કાર્તિકની  કરીઅરનો બેસ્ટરોલ બની રહ્યો. 

બેસ્ટ એક્ટરનો એવોર્ડ સ્વીકારતા આર્યને કહ્યું, 'આ ફિલ્મે મને માત્ર એક  એક્ટર તરીકે જ નહિ, વ્યક્તિ તરીકે પણ બદલી નાખ્યો.  તમારું ધૈર્ય અને  ખંત સારું  પરિણામ લાવે છે.  એવું હું દ્રઢપણે  માનતો થયો છું. શો બિઝનેસની આ જ ખૂબી છે.  ભલે ધીમે પણ ચોક્કસપણે  તમારો ટાઈમ આવે જ છે.  નાનો હતો ત્યારે  ફિલ્મફેર એવોર્ડ્સની  ટ્રોફી ટીવી પર જોતો. એક્ટર બન્યા બાદ પહેલો વિચાર એવો આવ્યો કે હું બેસ્ટ  એક્ટરન એવોર્ડ ક્યારે જીતીશ? આખરે મારું આ સપનું સાકાર થયું ખરું. મારા ડિરેક્ટર અને આખી ટીમના સાથ અને સહકારને  કારણે  મારી જર્ની સ્પેશિયલ  બની રહી.  આજે હું સપના  જોનાર દરેક વ્યક્તિને મારા અનુભવ પરથી  એક વાત કહીશ  કે જ્યારે પણ  તમને રેસમાંથી  નીકળી જવાનો, પ્રયાસ  પડતા મુકવાનો વિચાર આવે ત્યારે  યાદ રાખજો કે આપણા સૌમાં એક ચેમ્પિયન  હાજરાહજુર છે. ચેમ્પિયન ગિરતા હૈ પર રુકતા નહીં.'

બિલકુલ!