- 'બ્રાઉન' નામના વેબ શોમાં કરિશ્મા કપૂરે પહેલી જ વખત પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી છે. આ વેબ સિરીઝ માટે ચાર વર્ષ પહેલાં એણે વારંવાર ના કહી હતી, પણ આખરે વાર્તા સાંભળતાં એનો વિચાર બદલાયો.
ભારતમાં ફિલ્મ અને ટેલિવિઝનના ક્ષેત્રે મહત્વના ફેરફાર થઇ રહ્યા છે. ખાસ કરીને ટીવી વેબ સિરિઝની શરૂઆતથી ઘણા જૂના અને લગભગ ભૂલાઇ ગયેલાં કલાકારોને નવી તક મળી રહી છે. સાથોસાથ અમુક વેબ સિરિઝ તો બેહદ લોકપ્રિય પણ થઇ છે.
હવે આવી જ એક ટીવી વેબ સિરિઝ બ્રાઉન ૨૦૨૬ની પાંચમી જૂને રજૂ થઇ છે. બ્રાઉન વેબ સિરિઝમાં નેવુંના દાયકાની રૂપકડી અને લોકપ્રિય અભિનેત્રી કરિશ્મા કપૂર નવી જ ભૂમિકામાં રજૂ થઇ છે. ફોડ પાડીને કહીએ તો બ્રાઉન વેબ સિરિઝમાં કરિશ્મા કપૂર તેની કારકિર્દીમાં પહેલી જ વખત રીટા બ્રાઉન નામની પોલીસ ઓફિસરની વિશિષ્ટ ભૂમિકા ભજવી રહી છે.
દિગ્દર્શક અભિનય દેવની વેબ સિરિઝ બ્રાઉન એક ક્રાઇમ થ્રિલર છે. કથા એવી છે કે કોલકાતામાં હત્યાની એક પછી એક ઘટના બને છે. આખા શહેરમાં ભય અને ચિંતા ફેલાઇ જાય છે. રીટા બ્રાઉન આ હત્યાની ઘટનાઓની તપાસ કરે છે. જોકે પોલીસ ઓફિસર રીટા બ્રાઉન પોતે કોઇ અકળ કારણોસર ઘેરી હતાશાનો સામનો કરે છે. પરિણામે રીટા બ્રાઉનને શરાબની કુટેવ પણ પડે છે.
હિન્દી ફિલ્મ જગતના મહાન શોમેન રાજ કપૂરના અભિનેતા પુત્ર રણધીર કપૂર અને બબીતાની દીકરી કરિશ્મા કહે છે, હું મારી અભિનય કારકિર્દીમાં પહેલી જ વખત મહિલા પોલીસ ઓફિસરનું પાત્ર ભજવી રહી છું. મેં ઘણી રોમેન્ટિક અને પારિવારિક ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી છે. ખરું કહું તો મને 'બ્રાઉન'ની આ ભૂમિકાની ઓફર ચારેક વર્ષ પહેલાં થઇ હતી. હું એક ટીવી જાહેરખબરનું શૂટિંગ કરી રહી હતી તે દરમિયાન 'બ્રાઉન'ના દિગ્દર્શક અભિનય દેવે મારો સંપર્ક કર્યો હતો. મેં ત્યારે અભિનય દેવને મોટી ના કહી દીધી હતી. મેં તેમને એમ પણ કહ્યું હતું કે હું આવાં પાત્રો નથી ભજવતી કે હું કોઇની સાથે સ્પર્ધામાં પણ નથી. બસ, હું તો મારા પોતાના વર્તુળમાં રહીને કામ કરવાનું વધુ પસંદ કરું છું વગેરે વગેરે.
'બ્રાઉન વેબ સિરિઝની ટીમે થોડા સમય બાદ મારો ફરીથી સંપર્ક કર્યો હતો. તેઓએ મને નમ્રતાથી કહ્યું હતું કે બ્રાઉનની કથા બહુ વિશિષ્ટ છે. કોલકાતામાં ફક્ત ૫૦ દિવસનું શૂટિંગ છે. જોકે મેં બીજી વખત પણ ના કહીને કહ્યું હતું કે, કોલકાતામાં સતત ૫૦ દિવસ વળી કોણ શૂટિંગ કરે? આઉટ ઓફ ક્વેશ્ચન!
પ્રેમ કૈદી(૧૯૯૧) ફિલ્મથી બોલીવુડમાં પા પા પગલી ભરીને જીગર, અનારી, રાજાબાબુ, કુલી નં.૧, હીરો નં. ૧, રાજા હિન્દુસ્તાની, દિલ તો પાગલ હૈ, ફીઝા વગેરે જેવી સુપરહીટ અને મજેદાર ફિલ્મોમાં જુદાં જુદાં પાત્રો ભજવનારી કરિશ્મા કપૂર કહે છે, એક દિવસ અચાનક જ એક લેડીએ મારો સંપર્ક કર્યો હતો. તે યુવતીએ મારી સાથે બ્રાઉન વેબ સિરિઝ વિશે થોડીક વાત કરવા વિનંતી કરી હતી. જોકે તે તબક્કે હું એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતી. આમ છતાં તે યુવતીએ મને બે દિવસ બાદ મળવા ફરીથી વિનંતી કરી હતી. મેં છેવટે હા કહી હતી.
હું બે દિવસ બાદ તે યુવતીને રૂબરૂ મળી. તેણે મને બ્રાઉન વેબ સિરિઝની કથા બહુ ટૂંકાણમાં પણ રસપ્રદ રીતે સંભળાવી હતી. ખરું કહું તો હું સ્ટોરી સાંભળીને રાજી રાજી થઇ ગઇ. મેં અગાઉ આવી વેધક સ્ટોરી સાંભળી જ નથી. બસ, મેં એ જ વખતે બ્રાઉન વેબ સિરિઝમાં લેડી પોલીસ ઓફિસર રીટા બ્રાઉનનું પાત્ર ભજવવા હા કહી દીધી. '
રીટા બ્રાઉન નામની લેડી પોલીસ ઓફિસર કોલકાતામાં થયેલી હત્યાની ઘટનાઓની તપાસ કરે છે. જોકે બને છે એવું કે રીટા બ્રાઉન પોતે હતાશ થઇ જાય છે. શરાબી બની જાય છે. ખૂન કેસની તપાસ દરમિયાન ચિત્રવિચિત્ર કહી શકાય તેવી ઘટનાઓ પણ બને છે. મારા માટે તો રીટા બ્રાઉનનું પાત્ર જબરું પડકારરૂપ બની ગયું છે. કરિશ્મા કહે છે, 'મેં મારી ૩૫ વર્ષની અભિનયની કારકિર્દીમાં આવી કથા નથી સાંભળી કે નથી આવી ભૂમિકા ભજવી. મારા સમયગાળા દરમિયાન મસાલા , રોમેન્ટિક, ડાન્સ - સોંગ્ઝ વગેરે પ્રકારની ફિલ્મોનો જમાનો હતો. હા, મને રાજા હિન્દુસ્તાની (૧૯૯૬) ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે.
રાજા હિન્દુસ્તાની ફિલ્મ તે સમયની બહુ જ જુદા પ્રવાહની ફિલ્મ ગણાઇ હતી. મારો તે પહેલો ફિલ્મફેર એવોર્ડ છે. મને ત્યારબાદ દિલ તો પાગલ હૈ(૧૯૯૭) માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. બસ, હું માનું છું કે મારે એક અભિનેત્રી તરીકે વિવિધ પ્રકારની અને પડકારરૂપ ભૂમિકા માટે હંમેશાં તૈયાર રહેવું જોઇએ.'
તમે આ વેબ સિરીઝ જોઈ? કેવી લાગી, કહો તો!


