Get The App

કરિશ્મા કોટકનું પુનરાગમન: બોબી દેઓલ સાથે જોડી બનાવવાનો આનંદ

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
કરિશ્મા કોટકનું પુનરાગમન: બોબી દેઓલ સાથે જોડી બનાવવાનો આનંદ 1 - image

- 'બોબી વ્યાપક સફળતા પછીય ખૂબ નમ્ર અને વિનયશીલ રહી શક્યો છે. એની સાથે કામ કરવું મારા માટે શિસ્તભર્યો અને સરસ અનુભવ પૂરવાર થયો.'

એક વર્ષથી વધુ સમય ફિલ્મોથી દૂર રહેનારી અભિનેત્રી અને ટીવી-પ્રેઝન્ટર કરિશ્મા કોટક હવે ફરી સિલ્વર સ્ક્રીન પર આવી રહી છે અને એ થ્રિલરમાં તેની સાથે બોબી દેઓલ અને રાહુલ બોસ પણ છે. પોતાની આગામી ફિલ્મ અંગે જણાવતાં ૪૩ વર્ષની આ કલાકાર કહે છે, 'આને તમે  હિન્દીમાં શેરલોક હોમ્સ કહી શકો. તેનું શીર્ષક 'સચલોક' છે અને મને આ ફિલ્મમાં બોબી દેઓલ સાથે કામ કરવાની ગજબની ઉત્તેજના છે. આનાથી વધુ મને શું જોઈએ?'

કરિશ્માએ બોબી દેઓલ સાથેની પ્રથમ મુલાકાતને યાદ કરતાં જણાવ્યું હતું કે 'હું તેને બાળપણથી ખૂબ જ ચાહું છું. હું તો તેને તેની ફિલ્મો થકી જ ઓળખતી થઈ હતી. હવે જ્યારે હું તેની સાથે કામ કરી રહી છું ત્યારે તે એક અલગ સ્તર છે. એ એક અદ્ભુત અભિનેતા છે.'

બોબી દેઓલની પ્રશંસા કરતાં કરિશ્માએ જણાવ્યું હતું કે 'તાજેતરની તેની વ્યાપક સફળતા છતાં એ તો ખૂબ જ નમ્ર અને વિનયશીલ છે. જ્યારે અમે શુટિંગ કરી રહ્યા હતા ત્યાર બાદ તો ઘણા પ્રોજેક્ટ થયા જે તાજેતરમાં રિલીઝ થયા. તેણે સારી એવી સફળતા પણ મેળવી છે. તેની સાથે કામ કરવું ખૂબ જ શિસ્તભર્યો અને સરસ અનુભવ છે.'

તાજેતરનાં વર્ષોમાં કરિશ્મા રમતગમતના એન્કરિંગમાં વ્યસ્ત રહી છે, જેમાં આઇપીએલ સહિત ઘણી લીગ મેચો-૧૨ લીગનો પણ સમાવેશ થાય છે. આ સાથે જ કરિશ્મા જણાવે છે કે ખેલકૂદ ઉદ્યોગમાં મહિલાઓની વધતી સ્વીકૃતિ જોઈને તે ખૂબ જ ખુશ છે. જે રીતે હું વિશ્વભરમાં ઈવેન્ટ્સનું આયોજન કરી રહી છું તે મને ગર્વ આપે છે. ખેલકૂદનાં તમામ ક્ષેત્રોમાં મહિલાઓને ખૂબ સારી રીતે સ્વીકારવામાં આવી રહી છે.

કરિશ્મા ભવિષ્ય માટે ઘણી જ આશા રાખે છે, ખાસ કરીને તાજેતરના મહિલા વર્લ્ડ કપ જીત પછી તો ખાસ! ખેલકૂદમાં મહિલાઓ માટે હવે જે બાબત લાભકારક છે- ફાયદાકારક છે તે એ છે કે તેમના માટે ઘણી તક ઊભી થઈ રહી છે, મોટી જીત પછી રમતવીર મહિલાઓ અને કોઈપણ ક્ષેત્રમાં સામેલ યુવતીઓ માટે પરિસ્થિતિ ઘણી સારી બનશે, એમ કરિશ્માં ઉમેરે છે.

આ સાથે જ તે સ્વીકારે છે કે પગાર-મહેનતાણામાં સ્પષ્ટ તફાવત છે. જો તમારા પુરુષ સમકક્ષને માનો કે ૧૦૦ રુપિયા મળે છે તો, ઉદાહરણ તરીકે, સ્ત્રી એન્કર તરીકે તમને ૬૦ મળી શકે છે. જોકે તેને આશા છે કે પરિવર્તન ટૂંક સમયમાં આવશે. આપણે બધા લિંગ-જાતિને ધ્યાનમાં લીધા વિના ૧૨-૧૪ કલાક કલાક કામ કરીએ છીએ.'