કરીના કપૂર ખાનના ખૂની ભેદભરમ! .


- બોલિવુડના હિટ ગુજરાતી ફિલ્મમેકર હંસલ મહેતા સાથે કરીના કઈ ફિલ્મ કરી રહી છે? 

હિ ન્દી ફિલ્મ જગતમાં કરીના કપૂર ખાન એક બહુમુખી પ્રતિભા તરીકે સર્વસ્વીકૃત અભિનેત્રી છે. જોકે આમાં કંઈ નવાઈ પામવા જેવું થોડું જ છે. કપૂર ખાનદાનનું ફરજંદ વર્સેટાઇલ અને ટેલેન્ટેડ ન હોય તો બીજું કોણ હોવાનું! 

કરીના હવે 'શાહીદ' અને 'અલીગઢ' જેવી પ્રયોગશીલ ફિલ્મો તેમજ 'સ્કેમ' જેવા સુપરડુપર વેબ શોના સર્જક હંસલ મહેતાની નવી ફિલ્મ 'બકીંગહામ મર્ડર્સ'માં  જેઝ નામની જાસૂસના વિશિષ્ટ પાત્રમાં આવી રહી છે. કરીના અને હંસલ મહેતા પહેલી વખત સાથે કામ કરી રહ્યાં છે.  

હંસલ મહેતા કહે છે, 'આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરમાં લંડન શહેરમાં શરૂ થઇ ગયું છે. બહુ થોડા દિવસોમાં અમે આ ફિલ્મનું કામકાજ પૂરું કરી નાખવાના છીએ. આ ફિલ્મમાં બ્રિટીશ કલાકારો પણ છે.'

હંસલ મહેતા બમ્બૈયા ગુજરાતી છે. તેઓ કહે છે, 'મારી 'બકીંગહામ મર્ડર્સ'માં રહસ્યના તાણાવાણા ગૂંથાયેલા છે. કરીનાનું પાત્ર બ્રિટનના બકીગહામશાયરમાં રહે છે. બોમ્બ વિસ્ફોટની એક ભયાનક ઘટનામાં એના આઠ વરસના બાળકનું મૃત્યુ થાય છે. એ આઘાતથી મૂઢ થઈ જાય છે. દુ:ખમાંથી બહાર આવવા અને કોઇ નવી પ્રવૃત્તિ કરવા એ નવા સ્થળે રહેવા જાય છે. અહીં 

એને મહિલા જાસૂસની નવી અને પડકારરૂપ કામગીરી મળે છે. એને દસ વરસના એક બાળકની હત્યા કેસનું રહસ્ય ઉકેલવાની  જવાબદારી સોંપવામાં આવે છે. એ કુશળતાથી આ મર્ડર કેસનું કોકડું ઉકેલતી જાય છે. જેમ જેમ એ આગળ વધે છે તેમ તેમ એને  ભેદભરમના નવા નવા સંકેત મળે છે. જાણે શહેરની દરેક વ્યક્તિ આ મર્ડર કેસમાં સંકળાયેલી હોય એવી શંકાઓ પેદા થયા કરે છે. સત્ય અને અસત્ય વિશે એનો દષ્ટિકોણ બદલાતો જાય છે. બાળકની હત્યા કેસનો ખરો ભેદ ઉકેલવા એ આકાશ-પાતાળ એક કરી નાખે છે.'

આ કથાનક સાંભળીને વિદ્યા બાલનની 'કહાની' સિરીઝ યાદ આવી જાય, નહીં? એમ તો કરીનાની જ 'ઐતરાઝ' ફિલ્મનું સ્મરણ પણ સાથે સાથે થઈ જાય છે. 'ઐતરાઝ'માં કરીનાએ બાહોશ વકીલનું પાત્ર ભજવ્યું હતું. પોતાના પતિ પર થયેલા બળાત્કારના ગંભીર આક્ષેપ-આરોપનો બળકટ સામનો કરવા માટે એ જુદી જુદી ઘટનાઓની કડીઓ ભેગી કરે છે ને આખરે કેસ જીતી જાય છે. આ ભૂમિકા માટે કરીનાની ખાસ્સી પ્રસંશા થઇ હતી. (વધારે તારીફ જોકે એની કો-સ્ટાર પ્રિયંકા ચોપડાની થઈ હતી.)

એવું નથી કે કરીના કપૂરને ફક્ત કરણ જોહરા અને આદિત્ય ચોપડા જેવા ટોચના ફિલ્મમેકરો સાથે જ કામ કરવામાં રસ છે. ભૂતકાળમાં પણ કરીનાએ મેઇનસ્ટ્રીમ ન કહી શકાય તેવા ડિરેક્ટરો સાથે કામ કર્યું જ છે. ઉદાહરણ તરીકે, એની 'ચમેલી' ફિલ્મ, કે જેમાં તેણે સડકછાપ વેશ્યાની બોલ્ડ ભુમિકા કરી હતી, એના ડિરેક્ટર હતા, અનંત બાલાણી અને સુધીર મિશ્રા. 'ઓમકારા'ના ડિરેક્ટર વિશાલ ભારદ્વાજ હતા. એ જ રીતે સુપરનેચરલ ફિલ્મ 'તલાશ' રીમા કાગતીએ ડિરેક્ટ કરી હતી. 

ટોચની કમર્શિયલ એક્ટ્રેસ કે ઇવન એક્ટર જ્યારે ઓફબીટ ફિલ્મમેકર સાથે કામ કરે ત્યારે પરિણામ ઇન્ટરેસ્ટિંગ આવતું હોય છે. હંસલ મહેતા ઉપરાંત સુજાય ઘોષની (તેઓ પણ પ્રમાણમાં 'ઓફબીટ' ડિરેક્ટર છે) એક આગામી થ્રિલરમાં પણ કરીના કપૂરે કામ કર્યું છે.   

કરીના કપૂર ખાન બોલિવુડની રોમેન્ટિક, રૂપકડી, ફેશનેબલ અને એવરગ્રીન એક્ટ્રેસ ગણાય છે. બે દીકરાની માતા બન્યાં પછી પણ એનો ચાર્મ અકબંધ છે. ડિરેક્ટર દમદાર છે એટલે કરીનાની આ આગામી સસ્પેન્સ થ્રિલર જમાવટ કરશે એવી આશા બંધાય છે.

City News

Sports

RECENT NEWS