- મારો દેખાવ મારા માટે માઇનસ પોઇન્ટ પુરવાર થયો છે. મને સામાન્ય પ્રકારની ભૂમિકાઓ ભજવવામાં રસ પડતો નથીઃ કરણવીર શર્મા
ફિલ્મી દુનિયામાં સફળ થવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. કરણવીર શર્માને ટીવી અને ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યાને એક દાયકાથી વધારે સમય વીતી ગયો છે પણ તેનો સંઘર્ષ અટક્યો નથી. કરણવીર કહે છે, મને સામાન્ય પ્રકારની ભૂમિકાઓ ભજવવામાં કોઇ રસ પડતો નથી. એક એક્ટર તરીકે મને પડકારજનક ભૂમિકાઓ ભજવવામાં રસ પડે છે.
કરણવીરે તાજેતરમાં ટ્રાયલ ટુમાં મુંજાલની આવી ભૂમિકા ભજવી છે. કરણ કહે છે, મને આ વર્ષે પણ બીગ બોસ ૧૯માં સ્પર્ધક તરીકે બોલાવવામાં આવ્યો હતો પણ મેં ટ્રાયલ ટુ માટે ફોક્સ કરવા માટે તેમને ના પાડી દીધી હતી. હું આજે ટ્રાયલમાં મારું કામ વખણાયું છે. કોઇપણ પ્રકારના પીઠબળ વિના ફિલ્મ ઉદ્યોગમાં એક દાયકા કરતાં વધારે સમય ટકી રહેવું આસાન નથી. મારું કોઇ પ્રદાન હોય તો તેના માટે હું મારા શિક્ષકોનો આભારી છું. મને અભિનયના પાઠ અનુપમ ખેરે ભણાવ્યા છે. તમારું કામ સારું હોય તો જ તમારો ગજ વાગે. મારા માટે હજી મજલ હજી ઘણી લાંબી છે.
ટ્રાયલમાં કાજોલ જેવી સ્ટાર સાથે કામ કરવાનો અનુભવ શેર કરતાં કરણવીરે જણાવ્યું હતું કે મને શરૂમાં ડર લાગતો હતો કે આવી મોટી હિરોઇન સામે હું તો સાવ મામૂલી એક્ટર ગણાઇશ. પણ ફિલ્મ સ્ટાર તરીકે તમને કશાનો ડર ન હોય તો તમારું વર્તન સાહજિક હોય છે. કાજોલ તેની સાથે કામ કરનારા કળાકારોને તેના સ્ટારડમનો ભાર લાગવા દેતી નથી. કાજોલ દરેક જણ સાથે શાલીનતાથી પેશ આવે છે.
કરણ પોતાની વાત કરતાં કહે છે, હું આમ તો પુરેપુરો મુંબઇગરો છું. પણ લોકો હું દિલ્હીથી આવ્યો હોઉં તેમ માની લે છે. તેનું કારણ એ છે કે હું પંજાબી છું અને મારો દેખાવ ગોરો છે. મારો દેખાવ સરેરાશ યુવાનો કરતાં સારો છે. જેના કારણે મને છકી ગયેલાં ધનિક યુવાનની ભૂમિકાઓ વધારે મળે છે. બોલિવૂડમાં મારો સૌથી મોટો ગેરલાભ પણ મારો દેખાવ જ બની રહ્યો છે. દેખાવે હું ટિપિકલ બોલિવૂડનો હીરો છું. પણ મને એક્ટિંગમાં રસ છે. મને વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવવામાં રસ પડે છે. ૨૦૧૬માં અઝહર ફિલ્મમાં ક્રિકેટરની ભૂમિકા ભજવવા માટે મેં પંદરથી સત્તર કિલો વજન વધાર્યું હતું. મને સામાન્ય પ્રકારની ભૂમિકાઓ ભજવવામાં કોઇ રસ પડતો નથી. એક એકટર તરીકે મને સારી ભૂમિકાઓ કરવામાં રસ પડે છે.
કરણવીર પોતાની કથની આગળ ચલાવે છે, બને છે એવું કે લોકો એમ માને છે કે ટેલિવિઝન પર કામ કરતાં એકટર્સ પાસે સમય હોતો નથી. એકવાર તમે ટેલિવિઝન પર સિરિયલ્સ કરો એટલે લોકો એમ માની લે છે કે તમે બહું વ્યસ્ત હશો. બીજી પણ એવી ખોટી માન્યતા લોકોના મનમાં ઘર ઘાલી ગઇ છે કે જે એક્ટર ટેલિવિઝન કરતો હોય તેને ફિલ્મની ઓફર ન અપાય. જો કે, હવેઆ માન્યતા તુટવા માંડી છે. કેમ કે આજે સારા પ્રતિભાશાળી એક્ટર્સની અછત છે. જો નવોદિતોને કામ કરવાની તક જ ન મળે તો તેઓ કેવી રીતે તેમની પ્રતિભા દર્શાવી શકે? પોતાને આ ટ્રાયલ ટુ કેવા સંજોગોમાં મળી હતી તે અંગે કરણવીરે જણાવ્યું હતું કે હું ફરી કામ શરૂ કરવા માટે મરણિયો બની ગયો હતો. મેં મારી જાતને જણાવ્યું હતું કે ઓડિશનમાં કોઇ ગોટાળો ન થવો જોઇએ. બસ, પછી તો કામ મળી ગયું. મજાની વાત તો એ છે કે મને લાંબા સમયે આવી રસપ્રદ પટકથા વાંચવાની તક મળી. આજે પરિણામ બધાંની સામે છે.


