Get The App

કંવલજિતની કબૂલાત : દર્શકોની ટીકા મારા માટે પ્રશંસાનાં પુષ્પ છે

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
કંવલજિતની કબૂલાત : દર્શકોની ટીકા મારા માટે પ્રશંસાનાં પુષ્પ છે 1 - image


ભારતીય ફિલ્મોમાં, ભલે તે હિન્દી  હોય કે દક્ષિણ ભારતની,  તેની કથા-પટકથામાં, ગીત-સંગીતમાં, સંવાદોમાં, અભિનયમાં એક કે બીજી રીતે સામાજિક પરંપરાના, રીત -રીવાજોનાં, પ્રથાનાં દર્શન થાય છે. 

થોડા સમય પહેલાં રજૂ થયેલી મિસિસ ફિલ્મ( કલાકારો : સાન્યા મલ્હોત્રા, નિશાંત દહિયા, કંવલજિત સિંહ)માં પણ બરાબર આવો જ  સામાજિક -- રૂઢીગત માહોલ છે. મિસિસ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રાએ રિચા  શર્મા નામની યુવતીનું પાત્ર ભજવ્યું છે. ભણેલી અને ખોબલો ભરીને મહત્વાકાંક્ષા સાથે રિચા   દીવાકર  કુમાર (નિશાંત દહિયા) નામના યુવક સાથે લગ્ન કરીને સાસરે જાય છે. સંયુક્ત પરિવારમાં  પતિ દીવાકર સહિત સાસુ   મીના કુમાર(અપર્ણા ઘોષાલ) અને સસરા  અશ્વિન કુમાર(કંવલજિત સિંહ)  છે. પતિ દીવાકર ડોક્ટર હોવાથી ઘણો વ્યસ્ત રહે છે.

રિચાનો મોટાભાગનો સમય સાસુ સાથે ઘરના રસોડામાં અને અન્ય કાર્યમાં પસાર થાય છે. સસરા  જૂનવાણી અને પુરુષ પ્રધાન પરંપરામાં માનતા હોવાથી નાની અને કુમળી વયની રિચાને ઘણું ઘણું સહન કરવું પડે છે. 

મિસિસ ફિલ્મમાં ઘરની વહુએ સામાજિક રૂઢીચુસ્તતા, પુરુષ પ્રધાન પરંપરા વગેરેને કારણે કેવા કેવા શારીરિક -માનસિક  સંઘર્ષમાંથી પસાર થવું પડે છે  તેનું લાગણીસભર પ્રતિબિંબ છે. ખાસ કરીને સસરાનાં વિચિત્ર અને અણગમતાં વાણી-વર્તનનો પડઘો પડે છે.

મિસિસ  ફિલ્મ રજૂ થયા બાદ દર્શકોમાં રિચા શર્માની ભૂમિકા માટે ભારોભાર સહાનુભૂતિ વ્યક્ત  થાય તે સ્વાભાવિક છે. સાથોસાથ પેલાં  જૂનવાણી અને પુરુષ પ્રધાન  પરંપરામાં માનતા અક્કડ સ્વભાવના સસરા અશ્વિન કુમાર  માટે મનભરીને રોષ - આક્રોશ, ટીકા-ટીપ્પણી  પણ ફેલાય તે પણ સહજ છે. બરાબર આવા જ પ્રતિભાવ સાન્યા મલ્હોત્રાને અને કંવલજિત સિંહને પણ મળ્યા છે.  

ઉત્તર પ્રદેશના   સહારનપુરમાં સીખ પરિવારમાં જન્મેલા કંવલજિત સિંહ કહે છે, મેં   મિસિસ   ફિલ્મમાં અશ્વિન કુમાર નામના જૂનવાણી વિચાર અને પુરુષ પ્રધાન પરંપરામાં માનતા  સસરાનું પાત્ર ભજવ્યું છે.  મારા આશ્ચર્ય વચ્ચે મારી સામે   અસંખ્ય દર્શકોના અને   ખાસ કરીને   મહિલાઓના  રોષનું  અને ટીકાનું જબરું આક્રમણ થયું છે. સોશિયલ મિડિયામાં તો હું બહુ મોટો ખલનાયક બની ગયો છું. મેં  ભૂતકાળમાં પણ ફિલ્મોમાં અને ટેલિવિઝન સિરિયલોમાં  નેગેટિવ(નકારાત્મક પાત્ર) ભજવ્યાં છે ત્યારે હું જબરો  ટીકાપાત્ર બન્યો છું.   હું તો  જોકે  દર્શકોની ટીકા અને રોષને પુષ્પહાર અને પ્રશંસા ગણીને તેનો સહર્ષ સ્વીકાર કરું છું. દર્શકોના આવા આકરા પ્રતિભાવનો મન -હૃદયપૂર્વકથી આદર કરું છું. મારા  જૂનવાણી   વિચારો ધરાવતા સસરાના પાત્રના અભિનયની જબરી અસરનું પરિણામે છે. મેં  પુરુષ પ્રધાન પરંપરામાં માનતા   સસરાની ભૂમિકાને બરાબર ન્યાય આપ્યો છે તે સાબિત થયું છે. 

મસુરીની સેન્ટ જ્યોર્જ કોલેજમાં ભણેલો અને ત્યારબાદ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયા(એફ.ટી.આઇ.આઇ. : પુણે)માં અભિનયની તાલીમ પામેલો કંવલજિત સિંહ બહુ નમ્રતાથી અને પારદર્શકતાથી કહે છે, મિસિસ ફિલ્મમાં આપણા પુરુષ પ્રધાન અને સામાજિક રૂઢીચુસ્ત પરંપરામાં  માનતા પરિવારનું અણગમતું પણ સાચુકલું ચિત્ર છે. 

મિસિસ  ફિલ્મમાં તો અમારા કુટુંબના આવા જૂનવાણી અને અક્કડ વાતાવરણને કારણે માનસિક રીતે ભારોભાર  ત્રાહિમામ પોકારી ગયેલી વહુ રિચા ઘર છોડીને ભાગી જાય છે. 

અતિ વિચિત્ર બાબત તો એ છે કે વહુએ  ઘરનો ત્યાગ કર્યો હોવા છતાં પેલો સસરો તો પોતાનાં વાણી-વર્તનને બરાબર સાચાં --યોગ્ય જ સમજે છે. હું સાચો છું એમ માને છે.

હું તો સ્પષ્ટપણે માનું છું કે આપણા સમાજમાંનાં આવાં પુરુષ પ્રધાન અને  રૂઢીચુસ્ત પરંપરામાં માનતા પુરુષોને આ પ્રકારનાં લક્ષણો કદાચ વારસામાં મળ્યાં હોવાં જોઇએ. આપણી  દીકરી લગ્ન  કરીને તેના સાસરે જાય તો તેનાં સુખ --સાહ્યબીનો ,સલામતીનો  પૂરતો  ખ્યાલ રાખીએ છીએ. આ જ રીતે  તમારા ઘરની વહુ  પણ  છેવટે તો બીજાં માતાપિતાની વહાલી દીકરી છે. તો પછી સાસુ,સસરા  તેની સાથે ભલા કઇ રીતે ભેદભાવ રાખી શકે કે તેની સાથે દુર્વ્યવહાર કરી શકે ?  

ખરું કહું તો મિસિસ  ફિલ્મનો પ્રિમિયર શો હતો ત્યારે મેં સાન્યા મલ્હોત્રાની ખરા હૃદયથી માફી માગીને કહ્યું હતું, મેં તો મારી વહુ સાથે બહુ અપમાનજનક વ્યવહાર કર્યો છે. બેટા , માફ કરજે. જોકે મારું  આવું  માફીનામું સાંભળીને તો સાન્યા ખડખડાટ હસી હતી. 

શંકર હુસેન(૧૯૭૭) ફિલ્મથી બોલીવુડમાં પા પા પગલી ભરીને સત્તે પે સત્તા, જીવનધારા, અશાંતિ,   સિપાઇયાં,   ફરિશ્તા,   એક મિસાલ, માચીસ, કુછ મીઠા હો જાયે, મન્નત, રાઝી વગેરે ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવનારો   કંવલ જિત સિંહ એક પ્રસંગ કહે છે, મારો જન્મ સીખ પરિવારમાં થયો છે.અમે  ઉંમરમાં અમારાથી નાની વ્યક્તિઓને પ્રેમથી : બેટા જી :  કહીએ છીએ. હવે મિસિસ ફિલ્મ રજૂ  થયા બાદ એક મહિલાએ જબરા રોષમાં મને કહ્યું હતું, કંવલ જિત,  હું બેટા જી શબ્દે ભારોભાર નફરત કરું છું. જરા  વિચારો, ફિલ્મોની  અસર  દર્શકોનાં માનસ પર કેવી -કેટલી તીવ્ર થાય છે.હું તો જોકે તે મહિલાના આ શબ્દોેને પ્રશંસાનાં પુષ્પો તરીકે જ સ્વીકારું છું. 

હું મારા અંગત જીવનમાં પણ ઘણો પારદર્શક  છું. મારી ધર્મપત્ની અનુરાધા પટેલ પોતે બોલીવુડની બહુ અચ્છી અભિનેત્રી છે. મેં ક્યારેય પણ મીનીને તેની અભિનય કારકિર્દી છોડી દેવા કહ્યું નથી. કહું પણ નહીં. મેં જ આ જ સંસ્કારો મારા બંને દીકરા સિદ્ધાર્થને અને આદિત્યને આપ્યા છે.  

Tags :