- 'ફિલ્મ કલાકારો એક કોચલામાં જીવતા હોય છે. તેમને સામાન્ય લોકોને સ્પર્શતી સમસ્યાઓ સાથે કંઈ લેવાદેવા નથી.'
હિ આખાબોલી અભિનેત્રી કંગના રણૌતે રાજકીય ક્ષેત્રે ડગ તો માંડી દીધાં છે, પણ લાગે છે કે તેને હજી સુધી રાજકારણ રમત આવડી નથી. તે હજી રાજકીય આટાપાટા સમજવા-શીખવાના પ્રયાસો કરી રહી છે. અલબત્ત, , સામાન્ય લોકો હકીકતમાં કેવું જીવન જીવે છે, તેમની રોજિંદી સમસ્યાઓ કઈ કઈ અને કેવી કેવી છે એ વાત કંગનાને સમજાવા લાગી છે. સ્વાભાવિક રીતે જ તે મનોરંજન જગત અને રાજકારણ વચ્ચે તુલના કરી બેસે છે.
તાજેતરમાં દેશની રાજધાની ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલી કંગનાએ પોતાનો સાંસદ તરીકેનો અનુભવ વર્ણવવા સાથે અભિનય ક્ષેત્રની વાતો પણ માંડી હતી. કંગનાએ કહ્યું હતું કે, 'જ્યારે તમે સંસદસભ્ય બન્યા હો ત્યારે લોકોની સમસ્યાઓ સમજવા તમારી ભીતર ઊંડી તત્પરતા હોવી જોઈએ. સંસદમાં એવા-એવા વિષયો પર ચર્ચાઓ થતી હોય છે જેના વિશે તમે ક્યારેય વિચાર કર્યો ન હોય. પરંતુ જ્યારે તમે તમારા મતદાન ક્ષેત્રની વિવિધ સમસ્યાઓ વિશે વાત કરતા હો, ચાહે તે વીજળીની વાત હોય, રેલવેની હોય કે પાણીની - આ મુશ્કેલીઓ સમગ્ર દેશને સ્પર્શે છે. તાજેતરની જ વાત કરીએ તો દેશના કેટલા બધા ભાગોમાં લીલા દુકાળની સ્થિતિ સર્જાઈ હતી. આમ, સંસદમાં તમને સમગ્ર દેશની નાની-મોટી આપદાઓ વિશે જાણવા-સમજવા મળે.'
કંગના કબૂલે છે કે પડદા પર કલાકારો જે દર્દ, કરુણા, દુઃખ વ્યક્ત કરે છે તેને તો બઢાવી ચઢાવીને રજૂ કરવામાં આવ્યું હોય છે. તેમાં ભરપૂર નાટકીયતા હોય છે. વાસ્તવિક જીવનનાં દુઃખ દર્દ કરુણા તેના કરતાં અનેકગણાં વધુ હોય છે. કલાકારો પોતાના કિરદાર અદા કરે છે ત્યારે તેમને પોતાના પર્ફોર્મન્સ સિવાય અન્ય કોઈ ચિંતા નથી હોતી. તેઓ પોતાનાં પાત્રોને કળા તરીકે રજૂ કરે છે, પરંતુ રાજકીય નેતા તરીકે તમે જમીની હકીકત સાથે પ્રત્યક્ષ થાઓ છો. લોકોના સંતાનો પૂરમાં વહી ગયાં, બસ ખાઈમાં પડી ગઈ કે તેમાં આગ લાગી ગઈ જેવી કરૂણાંતિકાઓ સામે એક કલાકાર 'કળા'ની કશી વિસાત નથી. વાસ્તવિક જીવનની દુર્ઘટનાઓમાં કોઈ નાટકીયતા નથી હોતી, બલ્કે લોકોના કાળજાં કકળતાં હોય છે.
કંગનાએ એ વાતની નોંધ પણ લીધી છે કે, 'ફિલ્મ કલાકારો એક કોચલામાં જીવતા હોય છે. તેમને સામાન્ય લોકોને સ્પર્શતી સમસ્યાઓ સાથે કંઈ લાગતુંવળગતું નથી હોતું. તેમના માટે એ કોચલું જ સમગ્ર વિશ્વ સમાન હોય છે. તેમને એમ લાગતું હોય છે કે તેમની આસપાસ જે થઈ રહ્યું છે તે જ સમગ્ર દેશનો માહોલ છે. તેમની વાસ્તવિકતા, દેશ અને દુનિયાની અસલયિત કરતાં ક્યાંય જુદી હોય છે. એક રાજકીય નેતા તરીકે જુઓ તો વળી તદ્ન વેગળી દુનિયા જોવા મળે. અહીં તમને જીવનની હાડમારીઓ કોને કહેવાય તેની સમજ પડે છે.'
સંસદમાં પહોંચી ગઈ હોવા છતાં કંગના રાજકારણની 'ખેલાડી' હજુ સુધી બની શકી નથી. એ કહે છે, 'રાજકારણમાં વાત કરવાની રીત, સિનેમા જગત કરતાં તદ્ન અલગ પ્રકારની હોય છે. ફિલ્મોમાં તમારી ફિલ્મ બની ગઈ, તમારા ભાગે આવેલો ભાગ ભજવાઈ ગયો એટલે વાત પૂરી થઈ ગઈ. પરંતુ રાજકીય ક્ષેત્રે તમને રાજકારણ રમતાં આવડવું જોઈએ. વિડંબણા એ છે કે મને રાજકારણ રમવાનું નથી ફાવતું. અભિનયમાં તમે તમારી ભીતરથી ઘણું ઉમેરી શકો, જ્યારે રાજકારણમાં તમે આવું ન કરી શકો. અહીં તમને પ્રચાર-પ્રસાર અને વાતચીત કરવાની કળામાં પારંગત થવું પડે. તમને ભાષણો આપતાં આવડવું જોઈએ. અલબત્ત, તમારે જનસામાન્યને સમજવાં પડે. હજી સુધી તો મને રાજકારણ રમવાનું બહુ અઘરું લાગી રહ્યું છે. હા, જ્યારે હંુ તેમાં પારંગત થઈ જઈશ પછી વાર્તા બદલાઈ જશે.'


