For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કલ્યાણજી-આણંદજી મહેમાન તરીકે સ્ટેજ પ્રોગ્રામમાં ગયા અને બે હોનહાર ગાયિકા લઇ આવ્યા!

Updated: Sep 22nd, 2022


- અલકા યાજ્ઞિક

- સાધના સરગમ

- બંને ભાઇઓ પેલી ગુજરાતી છોકરીનાં માતાપિતાને મળ્યાં અને સમજાવ્યું કે તમારી દીકરીના કંઠમાં કામિયાબ પ્લેબેક સિંગર થવાની ક્ષમતા છે. તમે એને લઇને મુંબઇ આવો. અમે તમારી દીકરીને ટ્રેનિંગ આપશું. આવી સરસ ઓફર કયાં માતાપિતા જતી કરે?

પ્ર કાશ મહેરાની 'ઝંઝીર' ફ્લ્મિથી અમિતાભ બચ્ચનના એંગ્રી યંગ મેન યુગનો આરંભ થયો ત્યારની વાત છે. કોલકાતામાં એક સ્ટેજ પ્રોગ્રામમાં સંગીતકાર કલ્યાણજી-આણંદજી ચીફ ગેસ્ટ તરીકે ગયેલા. સેલેબ્રિટીને મળવા સતત કોઇ ને કોઇ આવ્યા કરે. અચાનક કલ્યાણજીભાઇના કાન સરવા થયા. સ્ટેજ પર એક ગુજરાતી છોકરી લતાનું કોઇ હિટ ગીત રજૂ કરી રહી હતી. બંને ભાઇઓએ એકબીજાની સામે સૂચક નજરે જોયું.

કાર્યક્રમ પૂરો થયો ત્યારે આ બંને ભાઇઓ પેલી ગુજરાતી છોકરીનાં માતાપિતાને મળ્યાં અને સમજાવ્યું કે તમારી દીકરીના કંઠમાં કામિયાબ પ્લેબેક સિંગર થવાની ક્ષમતા છે. તમે એને લઇને મુંબઇ આવો. અમે તમારી દીકરીને ટ્રેનિંગ આપશું. આવી સરસ ઓફર કયા માતાપિતા જતી કરે?

આ પરિવાર કોલકાતા છોડીને મુંબઇ આવ્યો. કલ્યાણજી-આણંદજીએ આપેલું વચન પાળ્યું. છોકરીને પોતાની પુત્રીની જેમ રાખીને તૈયાર કરી. છોકરી તૈયાર થઇ. ૧૯૮૧માં કલ્યાણજી-આણંદજીએ એની પાસે એક ગીત ગવડાવ્યું. રાતોરાત આ છોકરી દેશ-પરદેશમાં જાણીતી થઇ ગઇ. એ ગીત એટલે ફિલ્મ 'લાવારિસ'નું 'મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ...' આ ગીતનો જાદુ અખંડ હતો ત્યાં લક્ષ્મીકાંત-પ્યારેલાલે મરાઠી લોકસંગીત પર આધારિત એક ગીત ગવડાવ્યું - 'એક દો તીન...' ('તેજાબ'). પછી તો ફિલ્મી સ્ટાઇલમાં કહીએ તો અલકા કી ગાડી ચલ પડી. 

ફિલ્મ સંગીતના ઇતિહાસકારો અમિતાભ બચ્ચનના આગમન સાથે મેલોડી અલોપ થઇ ગઇ એમ કહે છે. આમ છતાં રસપ્રદ વાત એ છે કે અલકા યાજ્ઞિાકે ૧૯૮૦થી ૨૦૦૦નાં વીસ વર્ષમાં વિવિધ ભાષામાં વીસ હજારથી વધુ ગીતો ગાયાં.

લગભગ કોલકાતા જેવો જ એક પ્રસંગ મુંબઇમાં પણ બન્યો. આપણે અગાઉ વાત કરેલી કે કલ્યાણજીભાઇ મદન મોહન અને જયદેવની જેમ શાીય સંગીતના દરેક કાર્યક્રમમાં બને ત્યાં સુધી હાજર રહેતા. મેવાતી ઘરાનાના ધુરંધર ગાયક પંડિત જસરાજજીનો એવો એક કાર્યક્રમ હતો. જસરાજજી સાથે એેમની બે શિષ્યા સ્ટેજ પર ગુરુની પાછળ તાનપુરો લઇને સંગત કરતી હતી. એમાંની એક છોકરીનો કંઠ સાંભળીને આ બંને ભાઇઓ ખૂબ પ્રભાવિત થયા. 

જસરાજજીનો કાર્યક્રમ પૂરો થયો ત્યારે બેમાંની એક છોકરીને કલ્યાણજી-આણંદજીએ પોતાના મ્યુઝિક રૂમ પર આવવાનું આમંત્રણ આપ્યું. આ છોકરી આવી. સંગીતકારોએ એને સરળ શબ્દોમાં કહ્યું કે પ્લેબેક સિંગર બનવું છે. આ પણ એ જ સમયગાળો હતો જ્યારે એંગ્રી યંગ મેન અને એક્શન ફિલ્મોની બોલબાલા હતી... પરંતુ આ છોકરી પણ અલકાની જેમ નસીબદાર નીકળી અને એણે ગાયેલાં ગીતો હિટ થયાં.

આ બીજી યુવતી એટલે સાધના ઘાણેકર ઉર્ફે સાધના સરગમ. મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના દાભોલ નામના નાનકડા ગામની સાધનાએ સુભાષ ઘાઇની ફિલ્મ 'વિધાતા' (સંગીત કલ્યાણજી-આણંદજી)માં 'સાત સહેલિયાં ખડી ખડી' ગીતથી કારકિર્દી શરૂ કરી અને રાતોરાત હિટ ગાયિકા થઇ ગઇ. એણે ગુજરાતી, મરાઠી અને હિન્દી સહિત વિવિધ ભાષામાં 

સેંકડો હિટ ગીતો ગાયાં. અલકા અને સાધના બંનેએ નેશનલ એવોર્ડ સહિત સંખ્યાબંધ ઇનામ અકરામ મેળવ્યાં છે. 

અલકા અને સાધના બંને વચ્ચે એક કોમન કડી રહી છે. આ બંને ગાયિકાની માતાએ શાીય સંગીતની સઘન તાલીમ લીધી હતી. પોતાની પુત્રીને પણ શાીય તાલીમ અપાવી હતી. અલકાએ તો એક કરતાં વધુ વખત ટીવી ચેનલ પરથી કહ્યું છે કે વ્યાવસાયિક ગાયન ક્ષેત્રે સફળ થવું હોય તો શાીય સંગીતની તાલીમ અનિવાર્ય છે.

આજે ફિલ્મ સંગીતમાં મેલોડી હજુ બેકસીટ પર છે. સંગીતકાર નૌશાદની જેમ કલ્યાણજીભાઇ ખૂબ આશાવાદી હતા. એ કહેતાં કે હિસ્ટ્રી રિપિટ્સ ઇટસેલ્ફ. મધુર સંગીતનો યુગ જરૂર પાછો આવશે 

અલકા અત્યારે એક ટીવી ચેનલ પર સંગીતના કાર્યક્રમોમાં જજ તરીકે સેવા આપે છે. સાધના અત્યારે સાઉથની ફિલ્મોમાં ટોચની ગાયિકા તરીકે છવાઇ ગઇ છે. નવી નવી પ્રતિભાને પારખીને એમને સફળ કારકિર્દી બનાવવામાં અઢળક સહાય કરવામાં આ બંને કચ્છી બંધુઓ સતત પુરુષાર્થ કરતા રહ્યા. એમને કામિયાબી પણ મળતી રહી. (ક્રમશઃ)  

Gujarat