- 'ચિંતાને કારણે જો હું રાત્રે ઊંઘી ન શકું તો મંત્રો સાંભળું, કાગળ-પેન લઈને લખવા બેસી જાઉં. મારા મનમાં જે કંઈ ચાલતું હોય તે કાગળ પર ઉતારતી જાઉં ને હળવી થતી જાઉં...'
ફિલ્મોદ્યોગમાં લાંબા વર્ષો સુધી કાર્યરત રહેલા કલાકારો પોતાની કારકિર્દીના આરંભમાં ભલે બોક્સ ઓફિસની સફળતા કે નિષ્ફળતા વિશે ચિંતા કરતા હોય, પણ ધીમે ધીમે તેમના દિલોદિમાગમાંથી આ ફિકર ગાયબ થઈ જતી હોય છે. અભિનેત્રાી કાજોલને પણ બોલિવૂડમાં આવ્યે ત્રણ ત્રણ દશક થઈ ગયાં છે. તેથી હવે પોતાની ફિલ્મ કેટલી કમાણી કરશે, કમાણી કરશે કે ખોટ ખાશે તેની ચિંતા કાજોલને નથી.
અદાકારા કહે છે કે હું બોક્સ ઓફિસની ચિંતા કરું તેમાં વળે શું? આ એક એવો વિષય છે જેના ઉપર કોઈનો અંકુશ નથી. દર્શકો કોઈ ફિલ્મને કેટલી આવકારશે કે નકારશેતે ભાખવું ધુરંધરોના હાથની પણ વાત નથી. અને જે વસ્તુ પર આપણો અંકુશ જ ન હોય તેના વિશે નાહકની ચિંતા શાને કરવી? સિનેમાને બોક્સ ઓફિસ પર સફળ બનાવવાની કોઈ રીત આજદિન સુધી શોધી શકાઈ નથી.
તાજેતરમાં કાજોલના વેબ શો 'ધ ટ્રાયલ'ની બીજી સિઝન સ્ટ્રીમ થઈ. એની છેલ્લી સુપરનેચરલ ફિલ્મ 'મા' માં કાલ્પનિક ભય અને આંતરિક શત્રુઓની વાત વણી લેવામાં આવી હતી. તેથી એવો પ્રશ્ન થવો સહજ છે કે કાજોલ કેમેરા સામે કામ ન કરતી હોય ત્યારે પોતાના આંતરિક શત્રુઓ સાથે શી રીતે પર પાડતી હશે? અદાકારા કહે છે કે તેનો આધાર મારી તત્કાલીન સ્થિતિ પર રહે છે. મોટા ભાગે તો હું મારી જાત સાથે જ લડતી હોઉં છું. હું મારી ભીતર પેદા થયેલી અસલામતીની ભાવના, નાની નાની બાબતોમાં વધારે પડતો વિચાર કરવાની ટેવ જેવા આંતરિક શત્રુઓ સામેલતી હોઉં છું. વાસ્તવમાં મને એક વિષય પર અલગ અલગ ૨૦ રીતે વિચારવાની આદત છે. ખરેખર તો આપણે આપણી ભીતર જ સાગમટે કેટલી બધી જિંદગીઓ જીવતાં હોઈએ છીએ. કેટલીક વખત આપણે રાતભર આંખનું મટકુંય ન મારી શકીએ એવું પણ બને. તમારા મગજમાં વિચારોનું ઘમાસાણ મચ્યું હોય અને તેને તમે રોકી ન શકો ત્યારે ઊંઘ ઉડી જાય. તે વખતે આપણે વિસરી જઈએ કે દરેક જણના જીવનમાં આરોહ-અવરોહ આવવાના જ.
જોકે કાજોલને પોતાની માનસિક તાણ, ચિંતામાંથી બહાર આવી જવાનું ફાવી ગયું છે. તે કહે છે કે હું ચિંતાને કારણે ઊંઘી ન શકું તો મંત્રો સાંભળું, કાગળ-પેન લઈને લખવા બેસી જાઉં. અને મારા મનમાં જે હોય તે કાગળ પર ઉતારતી જાઉં. લખતી વખતે ક્યાંક ક્યાંક તમારી પેનની ગતિ ધીમી પડી જાય. અહીં જ વાસ્તવમાં તમારું મન હળવું થઈ ગયું હોય. આ હળવાશ જ તમને નીંદ્રાધીન થવામાં મદદ કરે.
અભિનેત્રી એ વાતે ફુલી નથી સમાતી કે ગયું વર્ષ તેના માટે અત્યંત વ્યસ્ત રહ્યું. ૩૪ વર્ષથી હિન્દી ફિલ્મોદ્યોગ સાથે સંકળાયેલી કાજોલ કહે છે કે મને મારી કારકિર્દીની પસંદગી પર ગર્વ છે. અને હમણાં પણ હું જે કરી રહી છું. તેનું ગૌરવ હોવુ ંપણ સ્વાભાવિક છે. પાછલા વરસોમાં મેં જેટલું કામ કર્યું હતું એટલું મેં છેલ્લાં ૨૦ વર્ષમાં નથી કર્યું. આજની તારીખમાં કોઈપણ કલાકાર સોશ્યલ મીડિયા પર ન હોય એ લગભગ અસંભવ છે. જો કે કાજોલને તેનો ચસકો નથી. તે કહે છે કે મને ઈન્સ્ટાગ્રામ પ્રિય છે. મને આ પ્લેટફોર્મ પર મઝા આવે છે. જો ને તે કામ કરવા જેવું લાગ્યું હોત તો હું તે છોડી દેત.


