સલમાન ખાન અને કરીના કપૂરને મુખ્ય કલાકારો તરીકે ચમકાવતી કબિર ખાનની ફિલ્મ 'બજરંગી ભાઈજાન'ને રજૂ થયે તાજેતરમાં જ ૧૦ વર્ષ થયાં. ફિલ્મમાં સલમાન ખાન પાકિસ્તાનની મૂક બાળકીને કેટકેટલી મુશ્કેલીઓનો સામનો કરીને ભારતમાંથી પાકિસ્તાનમાં તેના પરિવારજનો સુધી પહોંચાડે છે એ ઘટમાળને બખૂબી રજૂ કરવામાં આવી છે. ફિલ્મમાં સલમાનનો દયાભાવ આંખે ઉડીને વળગે છે. મહત્વની વાત એ છે કે વિશ્વભરના દર્શકો આ સિનેમા સાથે ભાવનાત્મક રીતે જોડાઈ ગયાં હતાં. આટલાં વર્ષ પછી પણ કબિર ખાનને લોકો પૂછે છે કે તમે આ મૂવીની સિક્વલ ક્યારે બનાવવાના છો?
કબિર ખાન કહે છે કે એક તબક્કે લોકો કોઈપણ વાત સામે વાંધાવચકાં કાઢ્યાં કરતાં હતાં તોય મને પૂછતાં કે તમે આ ફિલ્મની સિકવલ ક્યારે બનાવવાના છો? આજે પણ આ પ્રશ્ન પૂછવાનો સિલસિલો જારી છે તે જ દર્શાવે છે કે લોકોના મનમાં આજે પણ માનવતા જીવંત છે. વળી અમે જે સમયમાં ફિલ્મ રજૂ કરી તેને પગલે દર્શકો ફિલ્મ સાથે ઝટ જોડાઈ ગયા. ફિલ્મ સર્જક વધુમાં કહે છે કે સલમાન અને મેં 'બજરંગી ભાઈજાન'ની સિકવલ બનાવવા ઘણી વખત ચર્ચા કરી છે. પરંતુ અમને તે માત્ર બનાવવા ખાતર નથી બનાવવી. તેથી તે જ્યારે બનવાની હશે ત્યારે ચોક્કસ બનશે. આ સિનેમાના કેન્દ્રીય પાત્ર 'મુન્ની' માટે પરફેક્ટ બાળકલાકાર શોધતાં કબિર ખાનને નાકે દમ આવી ગયો હતો. તે કહે છે કે મને ખાતરી હતી કે જ્યાં સુધી મને પરફેક્ટ 'મુન્ની' નહીં મળે ત્યાં સુધી હું ફિલ્મ નહીં બનાવી શકું. અને 'મુન્ની'ની તલાશ માટે અમે ૨૦૦૦ કન્યાઓના ઓડિશન લીધાં હતાં. તેમાંથી અમે ૧૦ છોકરીઓને અલગ તારવી. બાળકલાકારો સાથે શૂટિંગ કરવાનું સહેલું નથી હોતું તેથી અમે ૧૦ દિવસના વર્કશોપનું આયોજન કર્યું. તેમાંથી અમે હર્ષાલી મલ્હોત્રા પર પસંદગીનો કળશ ઢોળ્યો. આ છોકરીમાં કાશ્મીર જેવા ઠંડા પ્રદેશમાં છ મહિના સુધી શૂટિંગ કરવાની ઊર્જા હતી. કબિર ખાનના મનમાં બજરંગી ભાઈજાનના પાત્ર માટે સલમાન સિવાય કોઈ નહોતું. અને સ્ક્રીપ્ટ સાંભળ્યા પછી સલમાનનો બાળકો પ્રત્યેનો પ્રેમ ઉછળી પડયો હતો. તે તરત જ આ સિનેમા કરવા તૈયાર થઈ ગયો હતો. પરંતુ ફિલ્મ સર્જકને કરીનાનો સંપર્ક કરતાં સંકોચ થતો હતો. તે કહે છે કે કરીનાના ભાગે આવનારા કિરદારનું ફૂટેજ સાવ નાનું હતું. આમ છતાં મેં પ્રયાસ કરી જોયો. અને પટકથા સાંભળ્યા પછી કરીનાની આંખો ભીની થઈ ગઈ હતી. તે પણ આ ફિલ્મ કરવા રાજી થઈ ગઈ. ત્યાર પછી વારો આવ્યો નવાઝુદ્દીન સિદ્દિકીનો.
ફિલ્મ સર્જક નવાઝુદ્દીનના પાત્ર 'ચાંદ નવાબ' વિશે કહે છે કે તે પાકિસ્તાનના એક પત્રકાર પ્રેરિત રોલ હતો. તેઓ વધુમાં કહે છે કે કરાંચી રેલવે સ્ટેશનની ભીડ વચ્ચેથી ગમે તેમ કરીને ન્યુઝ આપવા મથી રહેલા વાસ્તવિક ચાંદ નવાબ નામના પત્રકારનો એક વિડીયો વર્ષ ૨૦૦૮માં વાઇરલ થયો હતો. મેં આ વિડીયો નવાઝુદ્દીનને બતાવ્યો ત્યારે તે હસી હસીને બેવડ વળી ગયો હતો. તેણે પણ પળનોય વિલંબ કર્યા વિના આ રોલ કરવાનું સ્વીકારી લીધું હતું. આમ આ સિનેમાના મહત્વના કલાકારોની પસંદગી થઈ હતી.
ફિલ્મના શૂટિંગ બાબતે કબિર ખાન કહે છે કે મને વાસ્તવિક સ્થળોએ શૂટિંગ કરવાનું વધુ ગમે છે. મેં સલમાન ખાન સાથે દિલ્હી સ્થિત ચાંદની ચૌકમાં શૂટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે મને કહ્યું હતું કે બહાર લગભગ ૨૦,૦૦૦ લોકો એકઠાં થઈ ગયાં છે. છેવટે પોલીસ સલમાનને એક કારમાં બેસાડીને ત્યાંથી માંડ બહાર લઈ ગઈ હતી. તેવી જ રીતે 'મુન્ની'ના ગામ 'આરુ' પહોંચવા અમે બધા જ કલાકાર કસબીઓ સઘળા સામાન સાથે એક કલાકનું ટ્રેકિંગ કરતાં.
આ સિલસિલો ૧૦-૧૨ દિવસ ચાલેલો. ત્યારથી મને કાશ્મીર એટલું વહાલું લાગવા માંડયું કે હું આજદિન સુધી નિયમિત રીતે કાશ્મીરની મુલાકાત લેતો રહું છું.'


