- 'મારા પર પણ ઘણા આરોપો મઢવામાં આવ્યા છે. અનેક લોકોએ મને ખરાબ ચીતરી છે તો અનેક લોકો મને પોતાની પ્રેરણા પણ માને છે. '
ટચૂકડા પડદાના દર્શકો માટે અભિનેત્રી જૂહી પરમારનું નામ અજાણ્યું ન જ હોઈ શકે. વર્ષો સુધી ધારાવાહિકો તેમ જ રીઆલિટી શોની સ્પર્ધક તેમ જ સંચાલિકા સુધ્ધાં રહી ચૂકેલી જૂહી હાલના તબક્કે વધુ એક રીઆલિટી શોનું સંચાલન કરી રહી છે. હમેશાંથી મહિલાઓની તરફેણમાં વાત કરવા જાણીતી આ અદાકારા હમણાં તેને ગમતા આ વિષય પર ચાલી રહેલા શોનું સંચાલન બખૂબી નિભાવી રહી છે. અદાકારા પોતાના આ શો વિશે કહે છે..,
'કહાની હર ઘર કી' નામનો આ રીઆલિટી ટોક શો નાના શહેરોમાં રહેતી મહિલાઓની સમસ્યાઓને વાચા આપે છે. તેમાં મારું મુખ્ય કામ ભારતીય ઘરોમાં જોવા મળતાં કેટલાંક એવા મુદ્દા, જેના વિશે ભાગ્યે જ વાત કરવામાં આવે છે તેની ચર્ચા કરવાનું છે. ખાસ કરીને મહિલાઓ માટે સમાજના લોકો પોતાની મરજી અને વિચારસરણી મુજબ ધારી લે છે, તેમને જ દરેક બાબતે ગુનેગાર ઠેરવે છે.
મુશ્કેલ વિવાહિત જીવનમાં ફસાઈને જીવતેજીવત રોજ મરતી મહિલાઓ વિશે જૂહી કહે છે કે માત્ર નાના શહેરોમાં જ નહીં, મહાનગરોમાં રહેતી સ્ત્રીઓ પણ મુશ્કેલ લગ્નજીવનમાંથી પસાર થાય છે. .હા, જે સ્ત્રીઓ આર્થિક રીતે પગભર હોય તેમની સ્થિતિ પ્રમાણમાં સારી હોય છે. પરંતુ નાણાંકીય રીતે પતિ-પરિવાર પર નિર્ભર રહેતી સ્ત્રીઓનું ભયંકર શોષણ કરવામાં આવે છે. ઘણી વખત તો તેઓ ઢસરડા કરવામાં જ આખું આયખું વિતાવી દે છે તોય તેમની કદર નથી થતી. હા, નોકરી-વ્યવસાય કરતી મહિલાઓ પોતાનું ઘર પોતાની કમાણીથી ચલાવી લે છે.
આમ છતાં લોકો તેમના વિશે વાતો કર્યા વિના નથી રહેતાં. તેમને માટે ગમે તે ધારી લેવામાં આવે છે અને ગમે તે બોલવામાં આવે છે. વાસ્તવમાં આપણને નાનપણથી જે રીતે ઉછેરવામાં આવે છે તેમાં કોઈપણ પરિસ્થિતિમાં મહિલાઓનો જ વાંક હોય એવું ઠસાવી દેવામાં આવે છે.
અદાકારા વધુમાં કહે છે કે જો કોઈના વિવાહિત જીવનમાં સમસ્યા સર્જાય કે તે પડી ભાંગે ત્યારે લોકો પુરૂષનો વાંક કાઢવાને બદલે એમ જ કહેતાં સાંભળવા મળશે કે સંબંધિત મહિલાએ જ ચોક્કસપણે એવું કાંઈક કર્યું હશે જેને કારણે તેનો સંસાર પડી ભાંગ્યો, મને એમ થાય છે કે દર વખતે સ્ત્રીઓને જ શા માટે મુશ્કેલ પરિસ્થિતિ માટે જવાબદાર ઠેરવવામાં આવે છે? વાસ્તવમાં સમાજના લોકોની આવી વિચારધારાને કારણે અત્યંત દુ:ખી જીવન જીવતી સ્ત્રી પણ સઘળું ચૂપચાપ સહન કરી લે છે. તેને સારી રીતે જાણ હોય છે કે જો તે કંઈપણ કહેશે તો તેનું પરિણામ શું આવશે, તેનું ભવિષ્ય શું હશે. તેનો વાંક કાઢવામાં ન આવે એટલા ખાતર તે પોતાની જાત ઘસીને સઘળાં નિર્ણયો પરિવારના હિતમાં લે છે. આમ છતાં કાંઈ ખોટું થાય તો તેને ગુનેગાર ઠેરવવામાં આવે છે.
જોકે જૂહી માને છે કે હવે સમય પાકી ગયો છે કે લોકો પોતાની આવી વિચારસરણી બદલે. તેઓ મહિલાઓની વાત પણ સાંભળે અને સમજે. તેની ક્ષતિઓ ગણાવતાં રહેવાને બદલે તેની ખૂબીઓ જૂએ, તે જે ભોગ આપે છે તેની કદર કરે.
કહેવાની જરૂર નથી કે જૂહીએ પણ છૂટાછેડાં લીધાં છે. તે સિંગલ મધર છે. તેના ઉપર પણ ઘણાં આરોપો મઢવામાં આવ્યાં છે. પરંતુ અદાકારા કહે છે કે અનેક લોકોએ મને ખરાબ ચીતરી છે તો અનેક લોકો મને પોતાની પ્રેરણા પણ માને છે. તેમને એમ લાગે છે કે હું જે રીતે મારા મુશ્કેલ વિવાહિત જીવનમાંથી બહાર આવી તેવી રીતે તેઓ પણ પોતાની સમસ્યાઓનો સામનો કરી શકે છે. આવા લોકો પ્રત્યે મારી જવાબદારી છે. અને તે હું સારી રીતે અદા કરવા માગું છું.


