Get The App

જ્હાન્વીએ અંતે કરણ જોહરની આંગળી છોડી

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
જ્હાન્વીએ અંતે કરણ જોહરની આંગળી છોડી 1 - image

- બોલિવુડમાં એવી અફવા પણ છે કે કરણ જોહરે જ લોન્ચ કરેલાં વરુણ ધવન અને અનન્યા પાંડે જેવાં સ્ટાર કિડ્સ પણ એની આંગળી છોડવાનું વિચારી રહ્યાં છે

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ સંબંધ કાયમી નથી હોતો. અહીં દરેક રિલેશનશીપની એક એકસપાયરી ડેટ હોય છે. એકબીજા વચ્ચે જરૂરિયાત ન રહે એટલે સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ જાય છે. આવી માન્યતા નિરાધાર નથી. એની સાક્ષી પુરતો એક ઘટનાક્રમ બોલિવુડમાં આકાર પામ્યો છે. જ્હાન્વી કપૂરે પોતાના મેન્ટર ફિલ્મમેકર કરણ જોહર સાથે છેડો ફાડયો છે.

સૌ જાણે છે કે શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જ્હાન્વી શરૂથી જ કરણ જોહરની એક ફેવરીટ રહી છે. કરણના ધર્મા પ્રોડક્શને જ્હાન્વીની છ ફિલ્મોનું નિર્માણ કર્યું છે. એમાં એકટ્રેસની ડેબ્યુ ફિલ્મ 'ધડક' (૨૦૧૫) ઉપરાંત 'ઘોસ્ટ સ્ટોરીઝ' (૨૦૧૬), 'ગુંજન સકસેના : ધ કારગિલ ગર્લ' (૨૦૧૬), 'મિસ્ટર એન્ડ મિસીસ માહી' (૨૦૨૪), 'હોમબાઉન્ડ' (૨૦૨૫) અને 'સની સંસ્કારી કી તુલસી કુમારી' (૨૦૨૫)નો સમાવેશ થાય છે. આટલાં વરસો સાથે કામ કર્યા બાદ અચાનક મિઝ કપૂરે જોહરની કંપની ધર્મા કોલેબ આર્ટિસ્ટ્સ એજન્સી (ડીસીએએ)ને છોડી દઈ એક બીજી એજન્સી સાઈન કરી છે. આમ તો ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા થોડા સમયથી જ્હાન્વી અને કરણ વચ્ચે તાણ ઊભી થઈ હોવાની ચર્ચા હતી. હવે જ્હાન્વીએ જોહરની એજન્સી ટાટા, ટાટા-બાય, બાય કરી એમાં સત્યનો અંશ હોવાનો પુરાવો આપ્યો છે. બોલિવુડમાં એવી અફવા પણ છે કે કરણે લોન્ચ કરેલા વરુણ ધવન અને અનન્યા પાંડે જેવા સ્ટાર કિડ્સ પણ એની આંગળી છોડવા વિચારી રહ્યા છે.

સવાલ એ છે કે જ્હાન્વીએ કરણ જેવા ઇન્ડસ્ટ્રીના 'બિગ બોસ' સાથે શા માટે છેડો ફાડવાનું 'રિસ્ક' લીધું? સૌથી પહેલું કારણ એવું હોઈ શકે કે જ્હાન્વીની ધર્મા પ્રોડક્શન સાથેની કોઈ પણ ફિલ્મને ધારી સફળતા નથી મળી. 'હોમબાઉન્ડ'ને બધાએ વખાણી અને ફિલ્મ ઓસ્કારમાં ગઈ પણ એનો બધો યશ ફિલ્મના ડિરેક્ટર નીરજ ઘેવાન અને ઈશાન ખટ્ટર તથા વિશાલ જેઠવાની જોડી લઈ ગઈ. કપૂરના ભાગે કાંઈ ન આવ્યું. એક બીજુ કારણ 'કાર્તિક' ફેક્ટર પણ હોઈ શકે. એક સમયે જ્હાન્વી કાર્તિક આર્યન સાથે રિલેશનશીપમાં હતી. કાર્તિક સાથેના બ્રેકઅપની એકટ્રેસ પર ગંભીર અસર થઈ હતી. ૨૦૨૧માં 'દોસ્તાના-ટુ'ના પ્રિ-પ્રોડક્શનને લઈને કાર્તિક અને કરણના સંબંધો પણ બગડયા હતા. અલબત્ત, તાજેતરમાં જોહરે આર્યન સાથેના સંબંધો સુધારી એની સાથે 'તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી' (૨૦૨૫) નામની ફ્લોપ ફિલ્મ બનાવી. કાર્તિક સાથે કરણે જે રીતે પેચઅપ કરી લીધું એનાથી જ્હાન્વી નારાજ હોવાનું કહેવાય છે. એક વાત એવી પણ છે કે પોતાની સફળતા માટે 'સ્ટાર કિડ'ના લેબલ ઉપરાંત ધર્મા પ્રોડક્શનની છત્રછાયાને મીડિયામાં વારંવાર ગણાવાતા જ્હાન્વી એનાથી ત્રાસી ગઈ છે. હવે એ ધર્માના બેનરમાંથી નીકળી સ્વબળે પોતાનું કરિઅર બનાવવા ઇચ્છે છે.