- દાસ્તાન-એ-સિનેમા
- 'શોલે' અને 'ચુપકે ચુપકે' ફિલ્મોનું શૂટિંગ સાથે સાથે જ ચાલી રહ્યું હતું. જય અને વીરુ રામગઢમાં ઢિશુમ ઢિશુમ કરીને 'ચુપકે ચુપકે'ના સેટ પર આવતા અને પોતાની કોમિક ટાઈમિંગથી સૌને મંત્રમુગ્ધ કરતા.
ગો વામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે, ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન ફિલ્મોની ચર્ચા થાય. પરંતુ, આ વખતે ૮૩ વર્ષ જૂનું એક બાઈક ચર્ચામાં રહ્યું. ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન ૧૯૪૨ના મોડલના બીએસએ ડબ્લ્યુએમ-૨૦ બાઈકને ડિસ્પ્લેમાં રાખવામાં આવ્યું હતું. આ બાઈકને કોઈ કંપનીએ નહીં પણ કર્ણાટક સરકારના પીઆર ડિપાર્ટમેન્ટે ગોવા મોકલ્યું હતું. આ એ જ બાઈક હતું જેના ઉપર બેસીને સુપરસ્ટાર્સ ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચને 'શોલે'ના 'યે દોસ્તી હમ નહીં તોડેંગે...' સોંગને શૂટ કર્યું હતું. એક સમયે દોસ્તીની મિસાલ બનેલું બાઈક જાણે ખાલીપો વર્ણવી રહ્યું હતું. એ જ ખાલીપો જે ભારતીય સિનેમાના હી-મેન ધર્મેન્દ્રના નિધન બાદ તેમના મિત્ર અમિતાભ બચ્ચન સહિત લાખો ફેન્સ મહેસૂસ કરી રહ્યાં છે. અમિતાભે મિત્ર ધર્મેન્દ્ર માટે લખ્યું કે, ધર્મેન્દ્ર તેમની સાથે બોલિવુડમાં પંજાબના ગામડાની માટીની સુગંધ લઈને આવ્યા હતા. તેમની ખાસ વાત એ રહી કે, અનેક ઊતાર-ચઢાવ વચ્ચે પણ તેઓ પોતાના મૂળને કદી ન ભૂલ્યાં.
અમિતાભની મિત્ર ધર્મન્દ્રને ભાવભીની શ્રદ્ધાંજલિ પાછળનું કારણ તેમની દોસ્તી છે. એક રિપોર્ટ મુજબ, ફિલ્મ 'શોલે' માટે ધર્મેન્દ્રએ જ અમિતાભનું નામ સૂચવ્યું હતું. પહેલા જયના રોલ માટે શત્રુધ્ન સિંહા લગભગ ફાઈનલ જ હતા. 'શોલે'માં જય-વીરુની દોસ્તી અમર કરનારા આ સુપરસ્ટાર્સે 'રામ બલરામ', 'નસીબ', 'ધ બર્નિંગ ટ્રેન', 'કસૌટી', 'દોસ્ત', 'ચેહરે પે ચેહરા', 'હમ કૌન હૈ?', 'ગુડ્ડી' જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આ સિવાય અન્ય એક ફિલ્મ 'ચુપકે ચુપકે' ખાસ રહી હતી.
'શોલે' અને 'ચુપકે ચુપકે' બોલિવુડના ૧૯૭૦ના દાયકાને વર્ણવે છે. જેમાં, એક બાજુ ડાકુઓ અને બદલાની આગમાં ઝઝૂમી રહેલા હીરો જોવા મળતા અને બીજા તરફ, તેમનાથી વિપરીત ઘરેલું કોમેડી ફિલ્મોનો દોર શરૂ થયો હતો. આ વિરોધાભાસને દર્શાવતી આ બંને ફિલ્મોનું શૂટિંગ સાથે સાથે જ ચાલી રહ્યું હતું. જય અને વીરુ રામગઢમાં ઢિશુમ ઢિશુમ કરીને 'ચુપકે ચુપકે'ના સેટ પર આવતા અને પોતાની કોમિક ટાઈમિંગથી સૌને મંત્રમુગ્ધ કરતા. 'શોલે'ના ધમાકા વચ્ચે દબાઈ ગયેલી 'ચુપકે ચુપકે' અનેક રીતે ખાસ હતી. તેમાં, ધર્મેન્દ્ર, અમિતાભ, જયા બચ્ચન, શર્મિલા ટાગોર કરતા હૃષિકેશ મુખર્જીની માસ્ટરી જોવા મળી હતી.
હૃષિકેશ મુખર્જીનો માસ્ટર ક્લાસ
હૃષિકેશ મુખર્જી એટલે એવા ફિલ્મ મેકર કે જેમણે સિમ્પલ એન્ડ સોબર ફિલ્મોને આગવું સ્થાન અપાવ્યું. તેમની ફિલ્મો કોમન મેનની આસપાસ ફરતી. પરંતુ, તેમની સફર આસાન નહોતી. કલકત્તા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા બાદ તેઓ ગણિત અને વિજ્ઞાાનના શિક્ષણ બન્યા. ૧૯૪૦ના દાયકામાં ન્યૂ થિયેટરમાં કેમેરામેન તરીકે ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી. ત્યારબાદ, તેમને બિમલ રોયનો સાથ મળ્યો. બિમલદાએ તેમને 'દો બિગા ઝમીન'માં આસિસ્ટટન્ટ તરીકે કામ આપ્યું. ૬ વર્ષ સુધી બિમલદા સાથે કામ કરીને તેઓ એક રીતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ગ્રેજ્યુએટ બન્યા. ૧૯૫૭માં ફિલ્મ 'મુસાફિર' સાથે ડિરેક્ટર તરીકેની સફર શરૂ કરી. પહેલી જ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધરાશાયી થઈ. રાજ કપૂર સાથેની ૧૯૫૯માં ફિલ્મ 'અનાડી'થી તેમની ગાડી પાટા પર આવી. ત્યારબાદ, 'અનુપમા', 'સત્યકામ', 'આનંદ', 'અહિંસા', 'ગુડ્ડી', 'ગોલ માલ', 'મજલી દીદી', 'ચૈતાલી', 'શેફ', 'નમક હરામ' જેવી ક્લાસિક ફિલ્મો આપી. આ ફિલ્મોની લિસ્ટમાં 'ચૂપકે ચૂપકે' ખાસ રહી હતી. એક શબ્દ 'પ્રેન્ક'ની આસપાસ આખી ફિલ્મ બનાવી. પ્રેન્ક એટલે કે, ટીખળ, મજાક. અજય દેવગણે ફલાણા એક્ટર, એક્ટ્રેસ સાથે પ્રેન્ક કરી જેવા સમાચાર ઘણી વખત વાંચવા મળતા હોય છે. પરંતુ, હૃષિકેશ મુખર્જીએ તેના પર આખેઆખી ફિલ્મ બનાવીને મુશ્કેલ કામ કરી બતાવ્યું હતું.
'પ્રેન્ક' શબ્દ પર ફિલ્મ બનાવવા માટે તેમણે ઉપેન્દ્રનાથ ગાંગુલીની બંગાળી નવલકથા 'છાડોબેશી'ની મદદ લીધી. શબ્દોના જાદુગર ગુલઝાર અને ડી.એન. મુખર્જીએ તેનો સ્ક્રીનપ્લે લખ્યો. જ્યારે, ગુલઝારે પેટ પકડીને હસાવે તેવા ડાયલોગ્સ. હૃષિકેશ મુખર્જીએ ફિલ્મની કાસ્ટિંગ ગજબની કરી. હી-મેન ધર્મેન્દ્રને પ્રેન્કસ્ટરના લીડ રોલમાં લીધા. જ્યારે, એંગ્રી યંગમેન અમિતાભને તેમના ડેપ્યુટી તરીકે. ફિલ્મમાં તો કોમેડી છે જ પરંતુ, સેટ પર તો ધમાચકડી મચતી. રિપોર્ટ મુજબ, જો કોઈ એક્ટરની કોમિક ટાઈમિંગ આમ-તેમ થાય તો હૃષિદા કટ કહેવાની જગ્યાએ તેમની મિમિક્રી કરતા અને સેટ પર હાસ્ય રેલાવતા.
પ્યારે મોહન અલ્હાબાદી ઉર્ફ ધર્મેન્દ્ર
હી-મેન તરીકે ધૂમ મચાવી રહેલા ધર્મેન્દ્રએ આ ફિલ્મમાં અલગ ઓળખ ઊભી કરી. વનસ્પતિશાસ્ત્રના પ્રોફેસર પરમિલ ત્રિપાઠીનો રોલ કરીને તેમણે પોતાની કારકિર્દીમાં અનોખો જુગાર રમ્યો હતો. ફિલ્મમાં ચોકીદાર અને ડ્રાઈવરનો ડોળ કરનાર ધર્મેન્દ્ર ક્યારેક પરિમલ તરીકે તો ક્યારેક પ્યારે મોહન અલ્હાબાદી તરીકે પેટ પકડીને હસાવે છે. તેમાં પણ ગુલઝારના ડાયલોગ્સ સોને પે સુહાગા છે. આ ધર્મેન્દ્રના રોલને ખાસ બનાવવામાં મુખ્ય ભૂમિકા ગ્રામર નાઝી ઓમપ્રકાશની છે. સેન્ટ્રલ ન હોવા છતાં આ રોલમાં ફિલ્મનો આત્મા છૂપાયેલો છે.
ગ્રામર નાઝી ઓમપ્રકાશ
દર વર્ષના અંતે 'ઓક્સફોર્ડ', 'કેમ્બ્રિજ', 'કોલિન્સ' જેવી ઈંગ્લિશ ડિક્શનરી 'વર્ડ ઓફ ધ યર'ની જાહેરાત કરે છે. આ 'વર્ડ ઓફ ધ યર'ની પસંદગીની પ્રક્રિયા જાણવા જેવી છે. ડિક્શનરીઝ પાસે અબજો શબ્દોનો ડેટાબેઝ હોય છે. તેમાં તેઓ જોઈ શકે છે કે, આજકાલ કયાં શબ્દો ખૂબ વપરાઈ રહ્યાં છે. આ નવા શબ્દોને ડિક્શનરીમાં ઉમેરવામાં આવે છે અને લાંબી લિસ્ટમાંથી એક શબ્દને 'વર્ડ ઓફ ધ યર'નો તાજ પહેરાવવામાં આવે છે. ઓક્સફોર્ડ ડિક્શનરીએ 'ઓરા ફાર્મિંગ', 'બાયોહેક' અને 'રેજ બેટ' જેવા શબ્દોને શોર્ટ લિસ્ટ કર્યા અને તેમાંથી 'બાયોહેક'ને 'વર્ડ ઓફ ધ યર' જાહેર કર્યો છે. જ્યારે, કેમ્બ્રિજ ડિક્શનરીએ 'પેરાસોશિયલ'ને અને કોલિન્સ ડિક્શનરીએ 'વાઈબ કોડિંગ'ને 'વર્ડ ઓફ ધ યર ૨૦૨૫' જાહેર કર્યા છે. અંગ્રેજી ભાષાની આ વાત સારી કે દર વર્ષે એક નવો શબ્દ ઉમેરવામાં આવે છે. પરંતુ, આપણી ભારતીય ભાષાઓમાં આવી કોઈ સિસ્ટમ નથી કે કોઈ 'વર્ડ ઓફ ધ યર' જાહેર કરવામાં આવે. રોજબરોજ ઉપયોગમાં લેવામાં આવતા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ પણ ઘણાને નથી ગમતો હોતો. આવું જ એક કેરેક્ટર એટલે, રાઘવેન્દ્ર શર્મા (ઓમપ્રકાશ). તેઓ શુદ્ધ હિંદીના દીવાના. કોઈ શુદ્ધ હિંદી બોલે એટલે આફરીન થઈ જાય. વાક્યનું ખોટું ઉચ્ચારણ તેમને એટલી હદે નાપસંદ હતું કે તેમને 'ગ્રામર નાઝી'ની હિંદી શ્રેણીમાં પહેલા ક્રમે રાખી શકાય. તેમનો હિંદી પ્રેમ દર્શકો માટે હાસ્યનો હા..હા-કાર લાવે છે.
ધર્મેન્દ્ર-ઓમપ્રકાશની જુલગબંધી -
ધર્મેન્દ્ર અને ઓમ પ્રકાશ વચ્ચેનું વ્યાકરણ યુદ્ધ ફિલ્મમાં તો સૌને ગમ્યું જ. પરંતુ, સેટ પર પણ તે લોકપ્રિય હતું. ફિલ્મનું ક્રૂ પેક-અપ બાદ પણ ધર્મેન્દ્ર-ઓમપ્રકાશના રિહર્સલ જોવા માટે સ્પેશિયલી રોકાતું હતું.
બંગાળી નવલકથા વિશે
આ ફિલ્મ જે બંગાળી નવલકથા 'છાડાબેશી' પરથી બનાવવામાં આવી છે, તેને આજે પણ સ્કૂલોમાં ભણાવવામાં આવે છે. બંગાળી સાહિત્યના જાણકારોના મતે, આ નવલકથા તેના સ્ટ્રક્ચર માટે જાણીતી છે. મુખર્જીએ તેને રમૂજી અંદાજ સાથે રજૂ કરીને કરોડો દર્શકો સુધી પહોંચાડી છે.
મજાક-મસ્તી અને શૂટિંગ
કામ કરવાની ત્યારે મજા આવે જ્યારે વાતાવરણ એકદમ હળવું હોય. આ ફિલ્મના સેટ પર કંઈક એવું જ વાતાવરણ હતું. ક્રૂને એટલી મજા પડતી કે, કામ બાદ પણ રોકાતા. આ વાતની સાબિત સેટની એક તસવીર હતી. જેમાં, ફિલ્મની કાસ્ટ ખડખડાટ હસતી જોવા મળી હતી. આ તસવીર વિશે મુખર્જીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આ યાદગીરી પ્રાઈવેટ છે. એટલે જ તેને મીડિયામાં વહેતી નથી કરાઈ પરંતુ, તસવીરમાં સામેલ લોકો સુધી પહોંચાડવામાં આવી છે.
પ્રેગનન્ટ જયા બચ્ચન
ફિલ્મની શૂટિંગ વખતે જયા બચ્ચન પ્રેગનન્ટ હતા. તેમણે ફિલ્મના ઘણા શોટને બેઠા બેઠા શૂટ કર્યા હતા. મુખર્જીએ એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું હતું કે, દર્શકોને આ વાતની જાણ ન થવી જોઈએ.
ધર્મેન્દ્રના પ્રિય લેખક
ધર્મેન્દ્ર અંગ્રેજી લેખક પી.જી. વોડહાઉસના સુપર ફેન હતા. વોડહાઉસના લખાણની કોમેડી સ્ટાઈલને તેઓ પોતાની એક્ટિંગમાં લઈ આવ્યા હતા. એટલે જ કદાચ, ધર્મેન્દ્રનો આ રોલ તેમના તમામ અન્ય રોલથી અલગ તરી આવે છે.
ફિલ્મનો સંદેશો
ફિલ્મમાં હળવી કોમેડી સાથે ભારે વાતો શીખવવામાં આવી છે. ઓમપ્રકાશના રોલ સાથે ફિલ્મ શીખવાડે છે કે, ભાષાનું ગૌરવ જરૂરી છે પરંતુ, તેની પાછળ અસુરક્ષાની ભાવના ન હોવી જોઈએ. ધર્મેન્દ્રના રોલ સાથે ફિલ્મ શીખવે છે કે, ભણતર તેની જગ્યાએ યોગ્ય છે. પરંતુ, મને બધું આવડે કહેતી એમબીએની ડિગ્રી નહીં, સરળતા માણસને ખાસ બનાવે છે. આ સાથે જ ફિલ્મ શીખવે છે કે, જીવનમાં ગંભીરતા હોવી જરૂરી છે. પરંતુ, એટલી પણ નહીં કે આપણને જ કોરી ખાય. દોસ્તી કે પ્રેમમાં જો હસી-મજાક હશે તો ટકશે બાકી જો આર્ટિફિશિલ જ રહેવું હોય તો તેના માટે નેટવકગ ઈવેન્ટ છે જ. આ નેટવર્કિંગ ઈવેન્ટ્સમાં કાર્ડ્સનો જથ્થો કલેક્ટ કરીને આનંદ મેળવવો કે સાચા દોસ્ત સાથે સુખ-દુ:ખની વાતો શેર કરીને તે આપણે વિચારવું જ રહ્યું.


