સારી વેબ સિરીઝમાં કામ મેળવવાનું હજી અઘરું છેઃ વિવેક દહિયા
- 'ઓટીટી કોન્ટેન્ટ ભાષા- પ્રદેશના સીમાડા ઓળંગી ચૂક્યું છે'
- 'મને લાગે છે કે આ ક્ષેત્રમાં હું આજે પણ ન્યુકમર જ છું.'
એક દાયકા અગાઉ ટીવી શોમાં એક નાનકડી ભૂમિકા ભજવી એભિનેતા તરીકે કારકિર્દી શરૂ કરનાર વિવેક દહિયા આજે તેના કામથી ખુશ છે. આજે ત્રણ લોકપ્રિય શો અને ત્રણ વેબ પ્રોજેક્ટ તેની પાસે છે. 'મારી કારકિર્દી માટે હું કાયમ માટે ટીવીનો આભારી રહીશ. મને આ લાઇનમાં આવ્યાને દસ વર્ષ વીતી ગયા હોય એમ લાગતું જ નથી. મને તો એમ લાગે છે જાણે હંુ હમણાં જ આવ્યો હોઉં,' વિવેક કહે છે.
વિવેક કહે છે, 'સામાન્ય રીતે ટીવી શો કરનાર અભિનેતાને ફિલ્મમાં કામ મળે એટલે થાડા સમય માટે તે ગાયબ થઇ જાય છે. પછી તે નવા જોમ સાથે ફરી મોટી મહત્ત્વાકાંક્ષા સાથે કામે લાગે છે. મેં આ વાત સાંભળીને મારી જાતને પહેેલેથી જ સુસજ્જ બનાવવાની શરૂ કરી દીધી હતી. મને નથી લાગતું કે મેં મારી જાતને સુધારવા માટે ખૂબ મહેનત કરી હોય. આ અર્થમાં હાલ હું જે તબક્કે છું તેમાં ંમને ન્યુ કમર જેવું જ લાગે છે.'
પણ વિવેક ખરેખર તો હવે ન્યુકમર રહ્યો નથી. ૨૦૨૧માં ઓવેલી વેબ ફિલ્મ 'સ્ટેટ ઓફ સિઝઃ ટેમ્પલ એટેક'માં તેણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એ પછી તેણે 'સ્ટેટ ઓફ સિઝઃ ૨૬/૧૧'માં તથા ટીવી શો 'પવિત્ર રિશ્તા-ટુ'માં પણ કામ કર્યું છે. તેને વેબ શોમાં કામ કરવાના અનુભવ વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, 'ઓટીટી માટે મોટા પ્રમાણમાં કોન્ટેન્ટ પ્રોડયુસ કરવામાં આવતું હોવા છતાં હજી ઓટીટી પ્લેટફોર્મ પર કામ મેળવવાનું મુશ્કેલ છે. આનું કારણ એ છે કે કોન્ટેન્ટનું પ્રમાણ વધવા સાથે આ ક્ષેત્રમાં કામ કરવા આવનારી પ્રતિભાઓનું પ્રમાણ પણ વધ્યુ છે. સોશ્યલ મિડીયાને કારણે એક નવી બાબત એ બની છે કે જે લોકોના ફોલોઅર્સ વધારે હોય તેઓ પણ હવે એક્ટર બની રહ્યા છે. ઇન્ફલુએન્સર્સના આગમન સાથે મામલો ઓર ગરમાયો છે. આને કારણે એવું બન્યું છે કે તમારે જે ભૂમિકા ભજવવી હોય તે મેળવવા માટે તમારે આકરો સંઘર્ષ કરવો પડે છે. જોકે, છેલ્લા ઘણાં સમયથી સ્થિતિ સુધરી છે, કેમ કે કાસ્ટિંગ ડિરેકટર્સને કારણે પ્રક્રિયા સરળ બની છે. આજે ઢગલાબંધ કાસ્ટિંગ ડિરેકટર્સ સક્રિય હોવાને કારણે સ્પર્ધા પણ વધી છે. મેં જ્યારે કામ શરૂ કર્યું ત્યારે ગણતરીના કાસ્ટિંગ ડિરેક્ટર કામ કરતા હતા. આમ બન્યુ છે એવું કે પ્રક્રિયા સરળ બની છે તો સામે સ્પર્ધા પણ વધી છે. મને લાગે છે કે જે કામ તમારે માટે બન્યું હોય તે તમને શોધી જ કાઢે છે. જો તમે સિન્સિયર હો તો સારું કામ તમને શોધતું આવે છે.'
૨૦૨૩ના વર્ષમાં વિવેકને આશા છે કે તેને સારા માણસો સાથે ઉત્તમ કામ કરવાની તકો મળશે. એ ઉમેરે છે, 'હાલ ઓટીટી માટે બહુ સારું કોન્ટેન્ટ બની રહ્યું છે. સારી બાબત એ છે કે ભારતમાં આપણે ભાષા અને પ્રદેશના સીમાડા ઓળંગી ગયા છીએ. મનોરંજનની વાત આવે ત્યારે આજે આખો દેશ એક થઇ ગયો છે. હમણાં જ એક વેબ શો આવ્યો - 'સીએટી'. તેમાં પંજાબના ફિલ્મ ઉદ્યોગના ઘણા નવા ચહેરા જોવા મળ્યા. આવા જ સરસ અભિનેતાઓ સાઉથમાંથી પણ મળ્યા છે. મને આશા છે કે ૨૦૨૩ તમામ પ્રકારની પ્રતિભાઓ માટે ફળદાયી બની રહેશે.