મમ્મી સાથે તુલના થવાથી અચરજ થતું: પલક તિવારી
- પલક તિવારી ચોખવટ કરતાં કહે છે,'ઇબ્રાહિમ અલી ખાન અને મારી વચ્ચે કંઈ નથી. વી આર જસ્ટ ગુડ ફ્રેન્ડ્સ, ઓકે?'
અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક મનોરંજન જગતમાં આવવાથી પહેલા જ સ્ટાર બની ગઈ હતી. તાજેતરમાં તેની ફિલ્મ 'ભૂતની' રજૂ થઈ. પલક માટે એમ માનવામાં આવે છે કે તે લોકપ્રિય અદાકારાની દીકરી હોવાના નાતે તેને ઝટપટ કામ મળવા લાગ્યું છે. પરંતુ પલકને આ વાત અર્ધસત્ય લાગે છે.
અદાકારા કહે છે કે આ મુદ્દો ચર્ચા માગી લે એવો છે. માા મતે શ્વેતા તિવારીની પુત્રી હોવાને કારણે મને લોકો બહુ જલદી ઓળખવા લાગ્યાં હતાં. અને જો હું ટચૂકડા પડદે કામ કરત તો મને મારી મમ્મીના નામનો મોટો ફાયદો મળત. પરંતુ મારી પહેલી ફિલ્મ મને 'બિગ બોસ'ને કારણે મળી. વાસ્તવમાં હું હાર્ડી સંધુ સાથે મારું ગીત 'બિજલી' પ્રમોટ કરવા આ રીઆલિટી શોમાં ગઈ હતી. અને સલમાન ખાને મને ફિલ્મમાં કામ કરવાની તક આપી. તેમાં મારી ભૂમિકા સાવ નાની હતી. જો મારી મમ્મીને કારણે આ રોલ મળ્યો હોત તો તેનું ફૂટેજ પણ વધુ હોવું જોઈતું હતું. પરંતુ સમલાન કાન મને દીકરી જેવી માને છે. તેમને થયું કે આ રોલ થકી ઈન્ડસ્ટ્રીમાં લોકો મને ઓળખવા લાગશે.
જોકે પલક તિવારીનું ગીત 'બિજલી' રજૂ થયું તેનાથી પહેલા જ લોકો તેને તેની માતાને કારણે ઓળખાવા લાગ્યાં હતાં. મનોરંજન જગતમાં કદમ માંડવાથી પહેલા જ તે સ્ટાર બની ગઈ હતી. પલક પણ તેનો યશ પોતાની માતાને આપતાં કહે છે કે લોકો મને મારી મમ્મીના શો 'કસૌટી ઝિંદગી કી' ના તેના પાત્ર 'પ્રેરણા' સાથે જોડીને પ્રેરણાની પુત્રી કહીને સંબોધે છે. મારી મમ્મી ખરા અર્થમાં મારી પ્રેરણા જ છે. આમ છતાં મારા શિરે તેના નામનો ભાર પણ રહે છે. કામ કરતી વખતે હું ક્યારેય એ નથી ભૂલી શકતી કે શ્વેતાની પુત્રી હોવાના નાતે દર્શકોે મારી પાસેથી વધારે પડતી અપેક્ષા રાખે છે. તેઓ મારી મમ્મી સાથે મારી તુલના પણ કરશે જ. અલબત્ત, હું પણ તેમની અપેક્ષા પર ખરી ઉતરવામાં જરાય કચાશ રાખવા નથી માગતી.
શ્વેતા અને પલક તિવીરીની તુલનાની વાત ચાલી રહી છે ત્યારે સોશ્યલ મીડિયા પર થતી તેમની સરખામણી પણ સંભારવી રહી. આ પ્લેટફોર્મ પર નેટિજનો આ માતા-પુત્રીની તસ્વીરો બાજુ બાજુમાં મૂકીને તેને સરખાવતાં હોય છે. પલક આ બાબતે કહે છે કે પહેલા તો અમને પણ આ બાબતે અચરજ થતું. પણ હવે અમે ટેવાઈ ગયા છીએ. લોકો અમને આ રીતે પ્રેમ આપે છે. અદાકારા વધુમાં કહે છે કેટલીક વખત તો લોકો મને એમ પણ કહે છે કે અમને તારા કરતાં તારી મમ્મી વધુ ગમે છે. તેઓ એમ માને છે કે આવી વાત સાંભળીને મને માઠું લાગશે. પરંતુ મને તો તેની ખુશી થાય છે.
ફિલ્મ 'ભૂતની' માં પલકને મૌની રોય જેવી લોકપ્રિય અદાકારા સાથે કામ કરવાની તક મળી હતી તેથી પણ તે બહુ ખુશ છે. પલક કહે છે કે તેની સાથે કામ કરતી વખતે મને ઘણું શીખવા મળ્યું છે. વળી તે ટચૂકડા પડદા પરથી આવી હોવાથી મને તેના પર વિશેષ પ્રેમ છે. ટચૂકડા પડદે તેના જેવી બીજી 'નાગીન' જોવા નથી મળી. મને તેના પ્રત્યે સન્માન છે.
એ વાત સર્વવિદિત છે કે પલક શ્વેતા અને અભિનેતા રાજા ચૌધરીની પુત્રી છે. અને તેના માતાપિતાના છૂટાછેડા થઈ ચૂક્યા છે. સ્વાભાવિક રીતે જ પલક એક ભગ્ન પરિવારમાં ઉછરી છે. આમ છતાં તે કહે છે કે જે થાય તે સારા માટે. જો અમે સાથે રહેતા હોત તો મારી મમ્મી અભિનેત્રી તરીકે આટલી આગળ ન આવી શકી હોત. એવું નથી કે મારા પપ્પા અમને પ્રેમ નહોતા કરતાં. પરંતુ તેમણે અમારા માટે જે કર્યું તે પૂરતું નહોતું. વળી મારી મમ્મી મુશ્કેલ પરિસ્થિતિ સામે લડીને બહાર નીકળી એ બાબતે મને પણ લડાયક મિજાજની બનાવી છે.
પલકનું નામ ઈબ્રાહિમ અલી ખાન સાથે સંકળાઈ રહ્યું છે. તેમના વચ્ચે પ્રેમસંબંધ હોવાની વાતો ઘણાં સમયથી ચાલે છે. પલક આ બાબતે ચોખવટ કરતાં કહે છે કે અમે બંને સારા મિત્રોથી વધુ કંઈ નથી. હું એમ જ ઈચ્છું છું કે તેના માટે સૌ સારાવાનાં રહે.