- શંકર- એહસાન-લોયના પાશ્ચાત્ય સંગીતના શો હિટ નીવડતા. બર્થડે પાર્ટી અને લગ્ન પ્રસંગે પણ આવા પ્રોગ્રામ્સ કરતા. એમને પોતાની મહેનત અને પ્રારબ્ધ પર ભરોસો હતો. 1997થી 1999 સુધી આ ત્રણેય સંગીતના પ્રોગ્રામ્સ કરતા રહ્યા.
સંજોગોએ શંકર મહાદેવન, એહસાન નૂરાની અને લોય મેન્ડોન્સાને એકઠા કર્યા, અને મુકુલ આનંદે આ ત્રિપુટીને 'દસ' ફિલ્મ માટે સંગીત પીરસવાની ઓફર કરી, પરંતુ મુકુલના અવસાનને પગલે એમને મળેલી તક હાથમાંથી સરકી ગઇ. 'દસ' ફિલ્મ પાછળથી અનુભવ સિંહાએ બનાવી જેમાં વિશાલ-શેખરનું સંગીત હતું. દરમિયાન આ ત્રણ જણ શું કરતા હતા? તમે આ વિભાગ શરૂથી વાંચતાં હો તો તમને એ વાત કદાચ યાદ હશે. યાદ ન હોય તો આ રહી એ વાતની ઊડતી ઝલક. પાર્શ્વગાયિકા લતા મંગેશકર એક સમયે પોતાના ઇકલૌતા નાનાભાઇ હૃદયનાથને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે એક નાનકડું સંગીતવૃન્દ ચલાવતાં હતાં. સાત આઠ વર્ષની વયથી લક્ષ્મીકાંત-પ્યારેલાલ આ સંગીત વૃન્દમાં જોડાયા અને લતાજીની ભલામણથી એમને ફિલ્મ સંગીતકારો બોલાવતા થયા હતા. એ જ રીતે કલ્યાણજી-આણંદજી પણ પિતાનો વ્યવસાય સંભાળતાં સંભાળતાં નાની ઉંમરથી એક ઓરકેસ્ટ્રા ચલાવીને સ્ટેજ પ્રોગ્રામ્સ કરતા. શંકર-એહસાન-લોય પણ ફિલ્મ સંગીતકાર બન્યા એ પહેલાં સ્ટેજ શો કરતા. નાના મોટા પ્રસંગે સંગીતના કાર્યક્રમો રજૂ કરતા. પોપ, રોક એન રોલ, જાઝ, બ્લુ, વિદેશી ફિલ્મોનાં હિટ ગીતો વગેરે રજૂ કરતા પાશ્ચાત્ય સંગીતના એમના શો હિટ નીવડતા. બર્થડે પાર્ટી અને લગ્ન પ્રસંગે પણ આવા પ્રોગ્રામ્સ કરતા. એમને પોતાની મહેનત અને પ્રારબ્ધ પર ભરોસો હતો. ૧૯૯૭થી ૧૯૯૯ સુધી આ ત્રણે સંગીતના પ્રોગ્રામ્સ કરતા રહ્યા. જો કે શંકરને કેટલીક હિન્દી ફિલ્મોમાં પાર્શ્વગાયક તરીકે તક મળેલી ખરી. યોગ્ય તકની વાટ જોતાં ત્રણેએ સાથે મળીને કેટલીક જીંગલ્સ પણ બનાવેલી.
મજાની વાત એ છે કે શંકર-એહસાન-લોયને પહેલી ફિલ્મ મળી એ તમિળ ભાષાની ફિલ્મ હતી. સિનિયર અભિનેતા-ફિલ્મ સર્જક કમલ હાસન તરફથી આ તક મળી. ૨૦૦૧માં રજૂ થયેલી આ તમિળ ફિલ્મ 'અલાવંદન' (તમિળ ભાષામાં એનો જે ઉચ્ચાર હોય તે) જબ્બર એક્શન ફિલ્મ હતી. તમિળ ભાષામાં આ ટાઇટલનો અર્થ એવો થતો કે એ તો રાજ કરવા જ આવેલો. એમાં કમલ હાસન ડબલ રોલમાં હતા. એક રોલ પોઝિટિવ અને એક નેગેટિવ. કમલ હાસન ન તો આ ફિલ્મના નિર્માતા હતા કે ન તો નિર્દેશક હતા, પરંતુ એમની ભલામણથી આ ત્રિપુટીને સંગીત આપવાની તક મળી હતી. કમલ હાસન સાથે બોલિવૂડની બે હિરોઇન રવીના ટંડન અને મનીષા કોઇરાલા ચમકી હતી.
મજા એ વાતની હતી કે આ તમિળ ફિલ્મ અને એનું હિન્દી રૂપાંતર (નામ 'અભય') બંને બોફિસ પર ભૂંડે હાલે પીટાઇ ગઇ, પરંતુ શંકર- એહસાન-લોયનું સંગીત વખણાયું. એટલે બોલિવૂડમાં એમના કામની નોંધ લેવાઇ. નોંધ તો કમલ હાસને પણ લીધેલી. એમણે પોતાની ફિલ્મ 'વિશ્વરૂપમ્'માં આ ત્રણેને સંગીત પીરસવા નિમંત્રણ આપ્યું હતું. 'વિશ્વરૂપમ્'નું સંગીત સુપરહિટ નીવડયુ્ં હતું. ત્યાર બાદ આ ત્રણેએ પચાસથી વધુ વિવિધભાષી ફિલ્મોમાં સંગીત પીરસ્યું. હિન્દી ઉપરાંત મરાઠી, તમિળ, તેલુગુ અને મલયાલમ ફિલ્મો પણ કરી. અરે, ઇંગ્લિશ ફિલ્મ પણ કરી..
સમયના વહેવા સાથે આ ત્રિપુટીને હિન્દી ફિલ્મોની ઓફર્સ આવતી થઇ. જોકે બોલિવૂડનો એક વણલખ્યો નિયમ છે- ફિલ્મ બોક્સ ઓફિસ પર પીટાઇ જાય તો એની નેગેટિવ અસર ફિલ્મના મુખ્ય કલાકારોથી માંડીને સંગીતકાર સુધી ઘણા બધા લોકોને થાય. આ ત્રિપુટીની પહેલી બે-ત્રણ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધબડકો વાળ્યો. એટલે ધારી સફળતા મળી નહીં. સંપર્કો વધતા ચાલ્યા. એનું કારણ શંકર મહાદેવનને પ્લેબેક સિંગર તરીકે મળેલી તકો ગણી શકાય. મરાઠી ફિલ્મ 'વહિનીચી માયા' (સરળ અનુવાદ - ભાભીનો સ્નેહ), હિન્દી ફિલ્મો 'પુકાર', 'સપનેં' અને 'બીવી નંબર વન'માં શંકરે ગાયેલાં ગીતો ઠીક ઠીક હિટ નીવડયાં.
આ ત્રિપુટીને પહેલી ધૂમ સફળતા ફિલ્મ 'દિલ ચાહતા હૈ'થી મળી. યોગાનુયોગે આ ફિલ્મથી ફરહાન અખ્તરની ડાયરેક્ટર તરીકેની કારકિર્દીના પણ શ્રી ગણેશ થયા. એ પહેલાં ફરહાન ગીતકાર જાવેદ અખ્તરના પુત્ર તરીકે ઓળખાતો. 'દિલ ચાહતા હૈ'થી એ સફળ ફિલ્મ સર્જક બન્યો. 'દિલ ચાહતા હૈ'નાં ગીતોનો આસ્વાદ હવે પછીના એપિસોડમાં આપણે કરવાના છીએ. આ ફિલ્મની સફળતાએ ફરહાન અખ્તરની સાથોસાથ આ ત્રિપુટીની કારકિર્દીને પણ જબરો પુશ આપ્યો. સફળતાએ શંકર-એહસાન-લોયને ધીમે ધીમે વધુ સારી ફિલ્મો અપાવી. એ વાતો હવે પછી.


