અહાન સુનીલ શેટ્ટી અને ઈબ્રાહિમ સૈફ અલી ખાન જેવા સ્ટાર કિડ્સ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઠરીઠામ થવા ફાંફા મારી રહ્યાં છે, ત્યારે લાગે છે કે ઈશાન ખટ્ટરે બોલિવુડમાં જમાવટ કરી દીધી છે. છેલ્લે આપણને વેબ સિરીઝ 'ધ રોયલ્સ' માં ઈશાનનો પરચો જોવા મળ્યો છે. ભૂમિ પેડણેકર, સાક્ષી તન્વર અને ઝિન્નત અમાન જેવા સિનીયર્સની હાજરીમાં ઈશાને જોરદાર હાજરી પૂરાવી. એણે હવે શાહિદ કપૂરના સાવકા ભાઈ તરીકેની ઓળખની જરૂર નથી રહી.
૨૦૨૫નું વરસ ઈશાન માટે એકદમ ખાસ બની રહ્યું છે. એટલા માટે કે એણે ૨૦૨૫માં નીરજ ઘેવાન દિગ્દર્શિત ઈશાનની ફિલ્મ 'હોમબાઉન્ડ'નું કાન ફિલ્મ ફેસ્ટિવલ શાનદાર પ્રિમીયર યોજાયું હતું. હોમબાઉન્ડના પ્રોડયુસરોમાં કરણ જોહરનું નામ પણ સામેલ છે અને એની કાસ્ટમાં જાન્હવી કપૂર અને વિશાલ જેઠવાની હાજરી છે. ઈશાને જાણીતા ડિઝાઈનર ગૌરવ ગુપ્તાના બંગલામાં રેમ્પવૉક કરી પોતાની ફેશન સેન્સની ઝલક દેખાડી હતી. આમ તો લગભગ દરેક ફંક્શનમાં એક્ટર પોતાના વસ્ત્રોને લીધે બધાથી જુદો તરી આવે છે, પણ કાન્સ બાદ હવે સોનમ કપૂરની જેમ એક ફેશન કન્ટેન્ડર બની ગયો છે.
નીલિમા આઝમી અને રાજેશ ખટ્ટર જેવા એક્ટર્સના પુત્ર ઈશાનને રાતોરાત એક્ટર બનવાની ચાનક નહોતી ચડી. એક સામાન્ય યુવાન તરીકે થિયેટરોમાં ઘણી બધી ફિલ્મો જોયા બાદ ઈશાન આહિસ્તા આહિસ્તા સિનેમાના પ્રેમમાં પડયો.
હમણાં એક ઈવેન્ટમાં ઈશાન મિડિયા સાથે કાન્સનો પોતાના મસ્ત અનુભવ શેયર કરતા કહે છે, 'હું તો ફિલ્મ ફેસ્ટિવલમાં જ એક્ટિંગના પાઠ ભણીને તૈયાર થયો છું. મારે મન ફેસ્ટિવલ્સ એક પાઠશાળા જ હતા. લાગલગાટ ૩ વરસ સુધી મેં શક્ય તેટલા ફિલ્મ ફેસ્ટિવલ્સમાં હાજરી આપી અને બને એટલી ફિલ્મો જોઈ. એક દિવસમાં છ મૂવીઝ જોવાનો મારો રેકોર્ડ છે.'
એણે વરસોથી જોયેલું સપનું પુરુ થયું અને એણે કાનમાં રેડ કાર્પેટ પર વૉક કર્યું. એ પણ પોતાની ફિલ્મના પ્રિમીયર પ્રસંગે. ઇશાન કહે છે, 'કાન દુનિયાના દરેક એક્ટર માટે એક મોટું સપનું હોય છે. એ તમારી યાત્રાની પુર્ણાહુતિ છે. મેં પહેલેથી મારી પોતાની ફિલ્મ સાથે કાન જવાનું શમણું જોયું હતું. એ શમણાંને હકીકત બનતા જોઈ મને ખૂબ આનંદ થયો.'
ઇશાને 'ધડક'થી બોલિવુડમાં શરુઆત કરી પછી એની ગતિ ધીમી રહી છે. પણ કહે છેને કે સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ! જોઈએ, ઈશાન રેસ જીતી શકે છે
કે કેમ.


