- 'શાહિદ મારો મોટો ભાઇ છે, મારા કરતાં 15 વર્ષ મોટો છે. હું એને જોઇને મોટો થયો છું. શાહિદ સાથે થતી તુલના સામે મને અગાઉ પણ ક્યારેય વાંધો નહોતો, આજે પણ નથી.'
કારકિર્દીના પ્રારંભિક તબક્કે શાહિદ કપૂરના ભાઇ તરીકે ઓળખનાર અભિનેતા ઇશાન ખટ્ટરે ગણતરીનાં વર્ષો માટે જ પોતાની આગવી ઓળખ ઉભઈ કરી દીધી છે. તેની લેટેસ્ટ ફિલ્મ 'હોમબાઉન્ડ'ને કાન જેવા વિશ્વપ્રસિદ્ધ ફિલ્મોત્સવમાં અકલ્પનીય સરાહના મળી અને હવે ઓસ્કાર જેવા અન્ય જગવિખ્યાત ફિલ્મોત્સવ માટે આ ફિલ્મને અધિકૃત એન્ટ્રી મળી છે. ઇશાન પોતાનાં પાત્રો ભજવતો નથી, બલ્કે જીવી જાણે છે. એ વાત માજિદ મજીદીની 'બિયોન્ડ ધ ક્લાઉડ્સ' કે 'ધડક' જેવી ફિલ્મોમાં પણ પુરવાર થઇ ચૂકી છે.
પોતાની ફિલ્મને ઓસ્કારમાં અધિકૃત એન્ટ્રી મળતાં ઇશાનની છાતી ગજ ગજ ફુલી રહી છે. તે કહે છે કે મારા માટે આ ગર્વ સાથે ખુશીની વાત છે કે આ અફલાતૂન કહાણી ધરાવતી ફિલ્મ મારા ભાગે આવી. અને હવે મારી કારકિર્દીની આ વિશેષ ફિલ્મને ઓસ્કારમાં એન્ટ્રી મળતાં તે વધુ ખાસ બની છે. તે વધુમાં કહે છે કે ખરેખર તો આ સિનેમાની કહાણી એવી છે કે તેને ઓસ્કાર માટે એન્ટ્રી મળવી જ જોઇએ. ચાહે તેમાં મેં કામ કર્યું હોય કે અન્ય કોઇ એક્ટરે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇશાને 'હોમબાઉન્ડ'માં મોહમ્મદ શોએબ અલી નામના યુવાનની ભૂમિકા ભજવી છે. તે પોતાના આ કિરદાર અને તેની તૈયારી વિશે કહે છે કે કેટલીક ફિલ્મો સિનેમા કરતાં પણ કાંઇક વધુ હોય છે. આ ફિલ્મના દિગ્દર્શક નીરજ ઘેવાને અમને અગાઉથી જ કહી દીધું હ તું તે તમને આ પાત્રો અદા નથી કરવાના, બલ્કે જીવવાના છે. અને જ્યારે તમે કોઇ કિરદાર જીવવાના હો ત્યારે તમારે તેને સારી રીતે સમજવું પડે, તેની ભીતર જવું પડે. આ ફિલ્મમાં મારા અને અભિનેતા વિશાલ જેઠવાના પાત્ર 'ચંદન' માટે અમારી સંવાદો બોલવાની રીત પ્રથમ પગથિયા સમાન હતી. અમે બંનેએ તેના ડાયલોક પર ત્રણ મહિના સુધી કામ કર્યું. અમે તેને માટે બારાબંકીની ુમલાકાત પણ લીધી. ત્યાંના ગામના લોકોને મળીને તેમના સુખદુ:ખની વાતો સાંભળી. ફિલ્મમાં શોએબ અને ચંદનની મિત્રતા કેન્દ્રસ્થાને હોવાથી અમે બંને એકમેક માટે વલ્નરેબલ બન્યા. અમે અમારી અસલામતીઓ વિશે વાત કરી. અમારાં પાત્રો માટે આ રીતની તૈયારી કારગર નિવડી.
અહીં એ વાતની નોંધ પણ લેવી રહી કે ફિલ્મમાં શોએબ જાતિગત ભેદભાવનો શિકાર બને છે. જ્યારે વાસ્તવિક જીવનમાં ઇશાન ગંગા- જમુની તહજીબનું મિશ્રણ છે. (તેની માતા નીલિમા અઝીમ અને પિતા રાજેશ ખટ્ટર છે.) તો શું ઇશાનને પોતાના જીવનમાં પણ શોએબની જેમ જાતિગત ભેદભાવનો સામનો કરવો પડયો છે કે કેમ એવો પ્રશ્ન થવો સહજ છે. આના જવાબમાં ઇશાન કહે છે કે મારા માટે ગંગા- જમુની તહજીબ બહુ મોટી વાત છે. મેં હંમેશા એ બાબતે ગર્વનો અનુભવ કર્યો છે કે આપણી અનેકતા કેટલી સુંદર છે. ખરેખર તો આ અનેકતા આપણી શક્તિ છે, અને તેની જાળવણી કરવી જ રહી. તેને ગુમાવવાનું આપણને કઈ રીતે પોસાય? મને લાગે છે કે મારી ગંગા- જમુની તહજીબને કારણે જ હું મારા પાત્ર શોએબને બખૂબી રજૂ કરી શક્યો. કોઇપણ ધર્મ, જાતિ કે વર્ગની વ્યક્તિને સમજવી, તેના સુખ દુ:ખમાં ભાગીદાર થવું અતિ આવશ્યક છે.
ઇશાન ફિલ્મી પરિવારમાંથી આવે છે. શાહિદ કપૂરનો ભાઇ હોવાના નાતે કારકિર્દીના આરંભમાં તેની તુલના શાહિદ સાથે થતી હતી. અને હવે વૈશ્વિક સ્તરે નામના મેળવ્યા પછી શું આ સરખામણી થવાનું બંધ થઇ ગયું છે? આના જવાબમાં ઇશાન કહે છે કે શાહિદ મારો મોટો ભાઇ છે, તે મારા કરતાં ૧૫ વર્ષ મોટો છે, હું તેને જોઇને મોટો થયો છું અને તેની પાસેથી ઘણું શીખ્યો છું. તેથી શાહિદ સાથે થતી તુલના સામે મને અગાઉ પણ વાંધો નહોતો અને આજે પણ નથી. હા, મેં હંમેશા એમ જ વિચારેલું કે હું જે કરીશ તે મારી આવડત અને મહેનતથી કરીશ. મારા નસીબ સારા હતા કે મને સારું કામ મળતું રહ્યું, મને જે જોઇતું હતું તે મેં મારી જાતે મેળવ્યું.
ઇશાનની વાતમાં તથ્ય પણ છે. તેની સૌ પ્રથમ ફિલ્મ 'બિયોન્ડ ધ ક્લાઉડ્સ'ના દિગ્દર્શક ઇરાની ફિલ્મ સર્જક મજિદ મજિદી હતા. આ ફિલ્મને સંખ્યાબંધ આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સોમાં પ્રશંસા મળી હતી. ઇશાને 'ધ પરફેક્ટ કપલ' નામની ઇન્ટરનેશનલ વેબ સીરિઝમાં કામ કરીને પણ લોકપ્રિયતા હાંસલ કરી. અભિનેતા કહે છે કે મને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મળી નેતાથી વધુ ખુશીની વાત બીજી શું હોઇ શકે? આ શો માટે મને ઓડિશન આફવાની તક મળી ત્યારે મારી ભૂમિકા વાંચીને હું રાજીનો રેડ થઇ ગયો હતો. આનું કારણ સમજાવતાં ઇશાન કહે છે કે સામાન્ય રીતે હોલિવુડમાં દક્ષિણ એશિયાના કલાકારોને એક જ પ્રકારના રોલ આપીને ટાઇપકાસ્ટ કરી દેવામાં આવે છે, પરંતુ જ્યારે આ શો મળ્યો અને મારા કિરદારને પ્રશંસા મળી ત્યારે મને લાગ્યું કે આ શોમાં મારું હોવું કેટલું મહત્ત્વનું છે. આ એક જવાબદારી હતી. હું આગામી સમયમાં પણ વૈશ્વિક સ્તરે હજી વધુ સારું કામ કરવાનો પ્રયાસ કરીશ.


