- 'વિશાલને હું ઊંચકીને ચાલું છું એવી લાંબી સિક્વન્સ છે. વિશાલ ટીખળ કરતો કે યાર, તું મને એટલા લાડ લડાવે છે કે હું તારી ગર્લફ્રેન્ડ હોઉં એવું મને લાગે છે!'
બોલિવુડની ઝાકઝમાળ દુનિયામાં સાચી દોસ્તીના દાખલા બહુ ઓછા જોવા મળે છે. જ્હોની લિવરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું તેમ ઇન્ડસ્ટ્રીમાં મૈત્રી કામ પુરતી સીમિત હોય છે. બધા સેટ પર ભેગા થાય છે, હળેમળે છે અને શુટિંગ પૂરું થયા બાદ છુટા પડે છે. અહીં મૈત્રી એક સગવડિયો સંબંધ બની રહે છે. અલબત્ત, એમાં અમુક સુખદ અપવાદો પણ બનતા રહે છે. એનો લેટેસ્ટ દાખલો ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવાની ફ્રેન્ડશીપ છે. મજાની વાત એ છે કે નીરજ ઘાયવાન દિગ્દર્શિત ફિલ્મ 'હોમબાઉન્ડ'માં બંને યુવાન એકટર્સે એકબીજાના જિગરજાન ભાઈબંધની ભૂમિકા ભજવી છે. પડદા પરની એમની યારી રિયલ લાઈફમાં એક હકીકત બની ગઈ છે.
હમણાં એક પોડકાસ્ટમાં એ વિશે વાત કરતા ઈશાન કહે છે, 'ફિલ્મ મેં હમારી ફ્રેન્ડશીપ કી તરહ આજ હમ એકટર્સ કે રૂપ મેં એક-દૂસરે કા સહારા બન ચુકે હૈં. નીરજ સરે મને અને વિશાલને સૌથી પહેલા જ કહી દીધું હતું કે તમે બંને એકબીજા સાથે સરળ અને સહજ રહો એવી મારી ઇચ્છા છે. તમે સેટ પર માત્ર સાથી કલાકારો નહિ બની રહેતા, જે માત્ર એકબીજા સાથે સફળતા અને ખુશી શેર કરે. તમારે એકબીજા પ્રત્યે પ્રામાણિક રહી તમારી જાતજાતની અસલામતિઓ પણ એકબીજાને કહેવાની છે. એમની આ વાતે અમારા માટે રસ્તો બનાવી દીધો.' વિશાલ સાથેની પોતાની પહેલી મીટિંગ યાદ કરતા શાહિદ કપૂરનો સાવકો ભાઈ ખટ્ટર કહે છે, 'વિશાલ મારા ઘરે આવ્યો ત્યારે અમે એકબીજાને એકલા મળ્યા. મેં એના માટે કોફી બનાવી અને અમે વાતોએ વળગ્યા. પહેલા જ દિવસથી અમે એકબીજાને ઊંડાણથી ઓળખવા લાગ્યા. જાણે એક-બીજાને વરસોથી ઓળખતા હોઈએ એમ. રોલ્સની તૈયારી કરવા અમે બારાબંકીના ગામડાં ખૂંદી વળ્યા. વિશાલ કે પૈર મેં ચોટ લગીથી ઔર ઉસમેં કાંચ ચલા ગયા થા. એટલે એણે સર્જરી કરાવવી પડી અને પગમાં પ્લાસ્ટર આવ્યું. એને માટે ચાલવું મુશ્કેલ બની ગયું. એટલે હું એને રીતસર તેડીને ચાલતો. ત્યારે વિશાલને બહુ હસવું આવતું અને એ એવી ટીખળ કરતો કે યાર, તું મને એટલા લાડ લડાવે છે કે હું તારી ગર્લફ્રેન્ડ હોઉં એવું મને લાગે છે. પછી તો અમે ઓસ્કાર માટે કેમ્પેનિંગ કરવા યુએસનો સાથે પ્રવાસ ખેડયો ત્યારે અમારી ફ્રેન્ડશીપ વધુ મજબુત બની.' ઈશાન માટે વીતેલું વરસ બહુ શુકનિયાળ બની રહ્યું. એનો ભૂમિ પેડનેકર સાથેનો વેબ-શો 'ધ રોયલ્સ' વખણાયો અને 'હોમબાઉન્ડ' ફિલ્મ ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે ઓસ્કાર્સ, ૨૦૨૬માં ગઈ. છોગામાં એ ઓસ્કાર્સની ટોપ ૧૫ ફિલ્મોની યાદીમાં શોર્ટલિસ્ટ પણ થઈ. 'હોમબાઉન્ડ'માં કામ કરવાના અનુભવે મારા કરિઅરને એક નવી દિશા આપી છે. વિશાલ સાથેની ગાઢ દોસ્તી મને ગિફ્ટમાં મળી છે, એવી કમેન્ટ સાથે ઈશાન વાતનું સમાપન કરે છે.


