- કહે છે કે મોહિત સુરીની આગામી ફિલ્મ માટે મિથુને રૂ.૨૫ કરોડનો આશ્ચર્યજનક કહેવાય એટલી મોટી રકમનો સોદો કર્યો છે...
સંગીતકાર - કમ્પોઝર મિથુનને સૌથી વધુ નાણાં ચુકવવામાં આવે છે અને તે ભારતનો સૌથી વધુ નાણાં મેળવતો કલાકાર બની ગયો છે, એવી વાતો ફિલ્મી વર્તુળોમાં વ્યાપી છે. આ સંગીતકાર-ગીતકારે ફિલ્મનિર્માતા મોહિત સુરી સાથે આગામી ફિલ્મ માટે રૂ.૨૫ કરોડનો આશ્ચર્યજનક કહેવાય એટલી મોટી રકમનો સોદો કર્યો છે. આ પછી આ વાતની વ્યાપક ચર્ચા શરૂ થઈ છે. અત્યારે સમાચારમાં ઝળકતા મિથુને 'બસ એક પલ...' અને 'તેરે બિન...' (બંને ગીતો 'એક પલ' ૨૦૦૬) તથા 'તુમ હી હો...' ('આશિકી' ૨૦૧૩) જેવા અદ્ભુત, લોકપ્રિય ગીતો પણ કંડાર્યા છે. 'હું ગીતોની સંખ્યા અંગે કશી વાતો નથી કરતો. એ તો અત્યંત અંગત છે, પણ હું તો માનું છું સંગીતના મૂલ્યને!' આ સાથે મિથુન કહે છે, 'સંગીતનું તો સિનેમામાં વિશાળ યોગદાન છે. તેથી દરેક સંગીતકારને તેમનો હક મળવો જોઈએ. મારું સંગીત અમૂલ્ય છે. હું ફક્ત એવું ઇચ્છું છું કે અન્ય સંગીતકારો પણ તેમના સંગીતનું મૂલ્ય આંકે અને તેઓ તેમના પ્રોજેક્ટમાં શું નવું લાવી શકે એ અંગે વિચારે,' એમ મિથુને ઉમેર્યું હતું.
મિથુનના વિકાસમાં મોહિતનો ફાળો અનન્ય છે. આ બંને વચ્ચેની ભાગીદારી તો 'ઝહર' (૨૦૦૫)થી ચાલે છે. આ સંદર્ભે જ મિથુન વધુમાં ઉમેરે છે, 'અમે બંનેએ અમારી કારકિર્દી એકસાથે શરૂ કરી હતી. હું તો માનું છું કે મોહિત તો સિનેમાની બ્રાન્ડ છે અને તે મને મારા પોતાના સંગીતની બ્રાન્ડ છે અને તે મને મારા પોતાના સંગીતની બ્રાન્ડ તરીકે સ્થાપિત થવા દે છે. આ અભિગમ જ રોમાન્સની શૈલીમાં તેમની કેટલીક સૌથી ભાવનાત્મક રચના તરફ દોરી જાય છે. આ પડકારોના વિરાટ વિશ્વમાં મારો પોતાનો અવાજ છે અને તેથી જ મને પ્રેમ-સંગીતકાર કહેવામાં આવે છે. મારા સંગીત પાછળ કોઈ રહસ્ય નથી. કોઈ, લેબલ્સ નથી. તેનો સંબંધ લાગણી સાથે છે. હું જ્યારે કોઈ પણ વાર્તા સાંભળું છું ત્યારે પ્રતિક્રિયા આપું છું અને તેને મેલોડીમાં કેદ કરવાનો પ્રયાસ કરું છું,' એમ તેમણે જણાવ્યું હતું.


