- ''દ્રશ્યમ-3'નું શૂટિંગ 16મી ડિસેમ્બરે શરૂ થવાતું હતું. એના 12 દિવસ પહેલાં અક્ષય ખન્ના મને મેસેજ કરે છે કે હું 'દ્રશ્યમ-3' નથી કરવાનો. આપણે ભવિષ્યમાં ચોક્કસપણે સાથે કામ કરીશું...'
''દ્રશ્યમ-3'માં અક્ષય વિગ પહેરવા માગે છે, પણ સવાલ એ છે કે 'દ્રશ્યમ-૨' જ્યાં પૂરી થાય છે ત્યાંથી 'દ્રશ્યમ-3' શરૂ થાય છે. માત્ર ચાર કલાકમાં અક્ષયના કેરેક્ટરના વાળ ઊગી ગયા હોય એવું કેવી રીતે બતાવવું?'
- 'અક્ષયની આસપાસના લોકોએ એને એવું કહેવાનું શરૂ કર્યું છે કે તું ભવિષ્યનો સુપરસ્ટાર છો, એટલે તારે એવા પ્રોજેક્ટ જ પસંદ કરવા જોઈએ જેના કેન્દ્રમાં એકલો તું જ હોય...'
'દ્રશ્યમ' ફ્રેન્ચાઈસીની ત્રીજી ફિલ્મ 'દ્રશ્યમ-૩' શૂટિંગ શરૂ થયા પહેલા જ વિવાદમાં સપડાઈ છે. અક્ષય ખન્નાએ અચાનક ફિલ્મ છોડી દેતા બોલિવુડમાં તરંગો વ્યાપી ગયા છે. ખાસ તો એટલા માટે કે 'દ્રશ્યમ-૩'ના પ્રોડયુસર કુમાર મંગત પાઠક અને એમના ડિરેક્ટર પુત્ર અભિષેક પાઠક ઈન્ડસ્ટ્રીમાં મોટાં નામ છે. વિવાદને મિડીયામાં મોટું ફુટેજ મળવાનું એક બીજું કારણ અક્ષય ખન્નાને મલ્ટીસ્ટારર ફિલ્મ 'ધુરંધર' માં મળેલી સુપર સક્સેસ છે. જ્યાં જુઓ ત્યાં અક્ષય અને એના પાત્ર રહેમાન ડકૈતની જ ચર્ચા ચાલી રહી છે.
કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક બંનેએ ખન્નાની અણધારી એક્ઝિટ વિશે ખુલીને વાત કરી છે. વાત કરી છે એટલે કે રીતસર અક્ષયની ખબર લઈ નાખી છે! પ્રોડયુસર કુમાર મંગત કહે છે, ''ધુરંધર'ના ટ્રાયલ શોઝ દરમ્યાન જ ખાતરી થઈ ગઈ હતી કે ફિલ્મ સારી ચાલશે. પોતાની આવનારી ફિલ્મ હિટ જશે એવું ધારી લઈને અક્ષય ખન્નાએ 'દ્રશ્યમ-૩' માટેની પોતાની ફી વધારી દીધી. અમે એની માગણી માન્ય રાખી. અક્ષયે કોન્ટ્રેક્ટ સાઈન કર્યા બાદ 'દ્રશ્યમ-૩' માટેનાં એના કોશ્ચ્યુમ્સ તૈયાર કરાયાં અને એનું બિલ પણ ચુકવી દેવાયું. અમારી ફિલ્મનું શૂટીંગ ૧૬મી ડિસેમ્બરે શરૂ થવાતું હતું. એના ૧૨ દિવસ પહેલા એણે મને મેસેજ કર્યો કે હું 'દ્રશ્યમ-૩' નથી કરવાનો. આપણે ભવિષ્યમાં ચોક્કસપણે સાથે કામ કરીશું.
કુમાર મંગતના જણાવ્યા મુજબ એમણે અક્ષયને ફોન કરવા પ્રયાસ કર્યો પણ એણે ફોન ન ઉપાડયો. એ વિશે પોતાનો રોષ ઠાલવતા પ્રોડયુસર કહે છે, ' મન ફાવે ત્યારે સંપર્કો કાપી નાખવાની અક્ષયની આદત છે, જેની મને ખબર છે. પરંતુ આ તો બહુ જ બેજવાબદાર વર્તન કહેવાય! તમે કોઈના કોલ્સ અને મેસજીસનો જવાબ કેમ ન આપો? લોકો કહે છે કે અક્ષયે ફિલ્મ એટલા માટે છોડી કે એને મૂવીમાં વિગ પહેરવી હતી. પરંતુ હું તમને કહું કે ફિલ્મની સ્ટોરી સાથે એ વાતનો મેળ પડતો જ નહોતો. 'દ્રશ્યમ-૨' જ્યાં પૂરી થાય છે ત્યાંથી 'દ્રશ્યમ-૩' શરૂ થાય છે. માત્ર ૪ કલાકમાં અક્ષયના કેરેક્ટરના વાળ ઉગી ગયા એવું કેવી રીતે બતાવવું?'
કુમારે પોતાને આર્થિક નુકસાન થવાનો દાવો કરી ખન્નાને લિગલ નોટિસ પણ મોકલી છે. એમના જણાવવા મુજબ 'દ્રશ્યમ-૩'ની કાસ્ટમાં જયદીપ અહલાવતને સામેલ કર્યા બાદ અમારે એક નવા પાત્રને ઈન્ટ્રોડયુસ કરવા સ્ક્રીપ્ટ ફરીથી લખવી પડી, જેનો અમને રૂ. ૧ કરોડથી વધુનો ખર્ચો થયો.
'તમારી ફિલ્મ હિટ થાય એટલે તમે આ રીતે વર્તો? હું ઈન્ડસ્ટ્રીમાં ૪૦ વરસથી છું. અહીં સફળતા અને નિષ્ફળતા સામાન્ય બાબતો છે. પરંતુ તારી આ વર્તણૂક અનૈતિક અને કદી માફ ન કરી શકાય એવી છે. કમસેકમ શાલીનતાથી ફિલ્મ છોડતાં શીખવું જોઈએ,' તેઓ કહે છે.
હવે કુમારના પુત્ર અને 'દ્રશ્યમ-૩'ના ડિરેક્ટર અભિષેક પાઠક શું કહે છે તે જોઈએ. તેઓ કહે છે, 'આ બધું અક્ષયે કોન્ટ્રાક્ટ સાઈન કર્યા બાદ બન્યું. ફિલ્મ ફ્લોર પર જાય એના સાવ થોડા દિવસ પહેલાં એણે મૂવી છોડી દીધી. ફિલ્મમાં અક્ષયનો લુક ફાઈનલ થઈ ગયો હતો, એના કોશ્ચ્યુમ્સ તૈયાર થઈ રહ્યાં હતાં. સ્ક્રીપ્ટનું નરેશન પણ થઈ ગયું હતું. ખન્નાને સ્ટોરી ગમી હતી. અક્ષયને ફિલ્મમા વિગ પહેરવાની ઈચ્છા હતી એને લીધે બખડજંતર શરૂ થયું. 'દ્રશ્યમ -૨' પુરી થઈ ત્યાંથી 'દ્રશ્યમ-૩' શરૂ થાય છે. હવે હું એવું તો ન કરી શકું કે બપોરે કોર્ટરૂમમાં આવેલી વ્યક્તિ સાંજે પાછી આવે ત્યારે એના માથાના વાળ ઊગી ગયા હોય! એ કઈ રીતે શક્ય છે? મં એને આ મુદ્દો ગળે ઉતાર્યોે. પરંતુ પછી એ આગળ ચર્ચા કરવા આવ્યો જ નહીં...'
મીડિયામાં એવા રિપોર્ટ્સ આવ્યા હતા કે અક્ષયે આ ફિલ્મ માટે રૂ. ૨૧ કરોડ માગ્યા હતા. એનો ઉલ્લેખ કરતા અભિષેક કહે છે, 'આવી અફવાઓ એ જ ફેલાવે છે. અમે અક્ષયને કેટલી ફી ચુકવવાનું નક્કી કર્યું એ રકમ હું નહીં કહું. પરંતુ હા, એની ફી નવેસરથી ઠરાવાઈ હતી. અમે સામસામે બેસી એક ફિગર નક્કી કર્યો. પછી જ કોન્ટ્રાક્ટ પર સહીસિક્કા થયા. ત્યાર બાદ આ બધો ડ્રામા શરૂ થયો.'
અભિષેકનું માનવું છે કે આજે એક્ટરના નિર્ણયો પર બહારના લોકોનો પ્રભાવ છે. અક્ષયની આસપાસના લોકોએ એને એવું કહેવાનું શરૂ કર્યું છે કે તું (ભવિષ્યનો) સુપરસ્ટાર છો, એટલે તારે એવા પ્રોજેક્ટ પસંદ કરવા જોઈએ જેના કેન્દ્રમાં એકલો તું જ હોય. એટલે હું એને શુભેચ્છા આપી એટલું જ કહીશ કે તારે હવે સોલો ફિલ્મ કરવી જોઈએ.' એવો કટાક્ષ કરવાનું ડિરેક્ટર ચુકતા નથી.
'ધુરંધર'ની સુપર સક્સેસ વિશે વાત કરતાં અભિષેક એવી કમેન્ટ કરે છે કે 'આ એક ગ્રેટ ફિલ્મ છે અને સારો બિઝનેસ કરી રહી છે. ઈન્ડસ્ટ્રીમાં બધા ખુશ છે. પરંતુ 'ધુરંધર' આખી ટીમનો સહિયારો પ્રયાસ છે. 'છાવા' હોય કે 'ધુરંધર' એ રાઈટર, ડિરેક્ટર , એક્ટર્સ અને એની સાથે જોડાયેલા લોકોની ટીમની ફળશ્રુતિ છે. સક્સેસ કોઈ એક વ્યક્તિને લીધે નથી આવતી.'


