Get The App

ભારતની ઓસ્કર એન્ટ્રી હોમબાઉન્ડ વિવાદમાં ફસાઇ

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
ભારતની ઓસ્કર એન્ટ્રી હોમબાઉન્ડ વિવાદમાં ફસાઇ 1 - image

- 'હોમબાઉન્ડ' ફિલ્મમાં પોતાની નવલકથાનું શીર્ષક જ નહીં, બલકે કેટલાય પસંગોની પણ ઉઠાંતરી કરવામાં આવી છે એવો આક્ષેપ લેખિકા પૂજા ચંગોઇવાલાએ કર્યો છે

સિનેમાજગતમાં ઉઠાંતરી અને તફડંચી પણ એક કળા ગણાય છે. છીંડે ચડયો તે ચોર ન્યાયે  તમે પકડાવ નહીં તો તમારા નામના સિક્કા પડે. પણ ઘણીવાર તફડંચી સારી થઇ હોય અને મૂળ લેખકને વાંકું પડે તો ભરાઇ જવાય. આવું જ કઇંક નિર્માતા કરણ જોહરની ફિલ્મ હોમબાઉન્ડ સાથે થયું છે. ભારતની ઓસ્કર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવેલી ફિલ્મ હોમબાઉન્ડ સામે પૂજા ચંગોઇવાલા નામની લેખિકાએ ફરિયાદ કરી છે કે તેની આ જ નામની નવલકથાનું નામ અને તેમાં વર્ણવવામાં આવેલાં સીનને તફડાવવામાં આવેલાં છે. લેખિકાએ કોપીરાઇટ ભંગની નોટિસ પંદર ઓક્ટોબરે ધર્મા પ્રોડકશન્સને તેના વકીલ મારફતે મોકલી આપી હતી. 

લેખિકા પૂજા ચંગોઇવાલાએ ૨૦૨૧માં હોમબાઉન્ડ નામની નવલકથા પ્રકાશિત કરી હતી. આ નવલકથા ૨૦૨૦માં કોરોના મહામારી દરમ્યાન લાદવામાં આવેલા લોકડાઉન દરમ્યાન શ્રમજીવીઓના વતન પાછાં ફરવાની કથા છે. લોકડાઉન જાહેર થવાના પગલે શહેરોમાંથી કામદારો અને મજૂરોએ તેમના દૂર દૂર આવેલાં વતન જવા માટે મોટાપાયે હિજરત શરૂ કરી હતી. પૂજાએ એક અખબારને મોકલેલી ઇમેઇલમાં દાવો કર્યો હતો કે ફિલ્મ જોયા બાદ મને જણાયું કે નિર્માતાઓએ મારા પુસ્તકનું ટાઇટલ જ નહીં પણ મારી નવલકથાનો મોટો હિસ્સો ફિલ્મના સેકન્ડ હાફમાં વાપર્યો છે. જેમાં સીન, સંવાદ, નેરેટિવ સ્ટ્રકચર, ઘટનાક્રમ  અને અન્ય સર્જનાત્મક અભિવ્યક્તિની બેઠી ઉઠાંતરી કરવામાં આવી છે. 

આ ફિલ્મ ૨૬ સપ્ટેમ્બરે થિયેટર્સમાં રજૂ કરવામાં આવી હતી. એ પછી તેને નેટફ્લિક્સ પર રજૂ કરવામાં આવી છે. લેખિકાએ ધર્મા પ્રોડકશન્સ અને નેટફિલક્સ સામે કમર્શિયલ કોર્ટસ એક્ટ ૨૦૧૫ની  કલમ ૧૨એ હેઠળ મહારાષ્ટ્ર સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી સમક્ષ અરજી કરી છે. બોમ્બે હાઇકોર્ટમાં દાવો નોંધાવતાં પહેલાં પ્રિ-ઇન્સ્ટિટયુશન મિડિયેશન પ્રોેસેસ તરીકે આ અરજી ફરજિયાત કરવાની હોય છે. લેખિકાએ તેની ઇમેઇલમાં જણાવ્યું હતું કે મારા પુસ્તકનું શીર્ષક પોતાની ફિલ્મ માટે વાપરી ધર્માએ શરમજનક કૃત્ય આચર્યું છે જે અકસ્માત ન હોઇ શકે. લેખિકાએ દાવો કર્યો હતો કે મારી નવલકથા ૨૦૨૧માંં પ્રકાશિત થઇ તે પછી ૨૦૨૨માં ફિલ્મની પટકથા લખાઇ હતી. 

પૂજા હવે કોર્ટમાં દાવો કરી હોમબાઉન્ડ ફિલ્મના વિતરણ સામે ઇન્જકશન મેળવશે અને તેના કોપીરાઇટ ભંગ માટે નુકશાની માંગશે અને ફિલ્મના ટાઇટલને બદલવા માટે જણાવશે. પૂજા કહે છે, હું જાણું છું કે આ પગલું ભરીને હું બોલિવુડની હસ્તીઓને પડકારી રહી છું. પણ હું માનું છું કે જ્યારે લેખકોનું કામ તફડાવવામાં આવે અને તેમની સંમતિ વિના તેનો ઉપયોગ કરવામાં આવે ત્યારે લેખકોએ તેનું રક્ષણ કરવું જોઇએ. 

બીજી તરફ ધર્મા પ્રોડકશન્સે આ મામલે  નિવેદન જારી કરી જણાવ્યું છે કે, કોપીરાઇટ ભંગના આક્ષેપો પાયા વિહોણા છે અને ધર્મા પ્રોડકશન્સ સ્પષ્ટપણે તેને નકારી કાઢે છે. હોમબાઉન્ડ ફિલ્મ એ ન્યુયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત બશરત પીરના લેખથી પ્રેરિત છે. જેના માટે જરૂરી અધિકારો મેળવવા માટે કાયદેસર મંજૂરી લેવામાં આવેલી છે. અમને કાનૂની નોટિસ મળી છે અને ધર્મા પ્રોડકશન્સના વકીલો તેનો યોગ્ય જવાબ વાળશે. આ મામલે બોમ્બે હાઇકોર્ટમાં દાવો કરવાની ગતિવિધિ વિશે અમને અખબારી અહેવાલો મારફતે જાણ થઇ છે. પણ આ મામલે કોઇ વિધિસર સંપર્ક કરવામાં આવ્યો નથી. અમે આ આક્ષેપોને ગંભીરતાથી લઇએ છીએ અને અમારી ફિલ્મની સંપૂર્ણતાનું રક્ષણ કરવા કાનુની પગલાં ભરવા વિશે વિચારણા કરી રહ્યા છીએ. 

૯૮મા એકેડમી એવોર્ડસમાં હોમબાઉન્ડની બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ કેટેગરીમાં ભારતની એન્ટ્રી તરીકે પસંદગી થઇ છે. હવે આ કાનૂની વિવાદની તેના પર કેવી અસર થાય છે તે જોવાનું રસપ્રદ બની રહેશે. જોકે, આ કેસમાં કોપીરાઇટ ભંગનો મુદ્દો આગળ કરવામાં આવ્યો છે તે બાબતે નિષ્ણાતોનો મત એવો છે કે જે વિષય પર ફિલ્મ બનાવવામાં આવી છે તે તો વાસ્તવમાં ઘટેલી ઘટનાઓ છે અને તેનું મિડિયામાં મોટાપાયે આલેખન પણ થયું છે. એક જાહેર ઘટનાને આધાર બનાવી તેના પર કોઇ નવલકથા લખવામાં આવે તો તેના કારણે બીજા કોઇ એ વિષય પર કશું સર્જન ન કરી શકે એવી દલીલ ટકી શકે નહીં. મુદ્દો એ છે કે જ્યારે કોઇ લેખક ઇતિહાસની કોઇ ઘટના વિશે કશું સર્જે ત્યારે તે હજારો લોકો જેને જીવ્યા છે તે ઘટનાને ફરી બયાન કરે છે. તે એ ઘટનામાંથી કળા સર્જે છે તે નવેસરથી કોઇ એવી કોઇ વાત કરતો નથી જે ન બની હોય. આવા કિસ્સામાં કોપીરાઇટ ભંગનો કેસ કેટલું ટકે એ સવાલ છે. ઓવર ટુ ન્યાયદેવતા!