'વીણાનો તાર બાંધવામાં સોયની અણી જેટલી પણ ભૂલ ન ચાલે...'
- કીબોર્ડના સિન્થેટિક સાઉન્ડમાં તમને અસલી સિતાર કે સરોદનો રણકાર ન મળે. સૂરનો કુદરતી ગૂંજારવ ન મળે. અસલ એ અસલ.
- અજિત પોપટ
- શૈલેશ ખટીક
'મારે તો ગાયક બનવું હતું. ફિલ્મ ગીતો, ગુજરાતમાં યોજાતા ડાયરા વગેરે સાંભળતો એટલે સંગીત તરફ આકર્ષાયો હતો, હું ગાયક બનવાની પૂર્વતૈયારી કરી રહ્યો હતો. થોડું થોડું ગાતો થયો હતો. એકવાર એક સંસ્થાના પ્રોગ્રામમાં ગાવાની તક મળી. બહુ હોંશથી ગાવા ગયો. તો હાર્મોનિયમ બગડેલું હતું અને સતત ટું-ટું વાગ્યા કરતું હતું. મારો મૂડ બગડી ગયો. પણ આ ઘટનાએ મારું જીવન પલટી નાખ્યું. મને વિચાર આવ્યો કે હાર્મોનિયમ શી રીતે બનતું હશે, એમાં કઇ સામગ્રી કેવી રીતે એસેમ્બલ કરતા હશે? આ વિચાર આવતાં અમદાવાદમાં વાજિંત્રોની કેટલીક દુકાને જઇને બેસતો. સ્કૂલના અભ્યાસમાં મન બહુ લાગે નહીં. વાજિંત્રોની દુકાનમાં કામ કરતા કારીગરોને આડાઅવળા સવાલ પૂછું. કોઇ કારીગર જવાબ આપે, કોઇ ન પણ આપે. એને પણ પેટ છે. એ વિચાર કરે કે આને કાણ આવડી જશે તો મારા વ્યવસાયમાં એક નવો હરીફ પેદા થશે. કોઇ કહેશે, અમે જાતે કામ કરતાં કરતાં શીખ્યા છીએ. તું પણ જાતે ટ્રાય કર. મેં સાંભળેલું કે કલકત્તામાં ઉત્તમ વાજિંત્રો બને છે એટલે ગાંઠના પૈસે પ્રવાસ શરૂ કર્યો...', છેલ્લાં ચાલીસ-પિસ્તાલીસ વર્ષથી વિવિધ વાજિંત્રો રિપેર કરવાના નિષ્ણાત શૈલેશ ખટીક કહે છે.
અમદાવાદ ઉપરાંત મુંબઇ, દિલ્હી, કલકત્તા વગેરે સ્થળોએ તેમણે રઝળપાટ કરી. તેઓ વાત આગળ વધારે છે, 'કલકત્તામાં બંગાળી ભાષા આવડે નહીં, સરખું ખાવાનું મળે નહીં. ઇશારાની ભાષાથી કારીગરોને જાતજાતના સવાલ પૂછું. ચૂપચાપ એને કામ કરતો જોયા કરું. કોઇ ભલો કારીગર થોડું ચીંધે, થોડું આપસૂઝથી સમજું. એમ કરતાં કરતાં જુદાં જુદાં વાજિંત્રો બનાવવાની અને રિપેર કરવાની સમજ આવતી ગઇ. મારો હાથ બેસી જતાં અમદાવાદ પાછો ફર્યો. પ્રભુને પ્રાર્થના કરીને કામની તલાશ શરૂ કરી. શરૂઆતમાં થોડી તકલીફ પડી. પણ ધીમે ધીમે મારા કામની નોંધ લેવાતી થઇ. ગૌરાંગ વ્યાસ, પરાશર દેસાઇ, શ્વેતકેતુ વોરા, સલિલ મહેતા વગેરે કલાકારો મને બોલાવતા થયા.'
પોતાના વિવિધ અનુભવો વિશે માહિતી આપતાં શૈલેશભાઇએ ખજાનો ઠાલવવા માંડયો. દર્પણ એકેડેમીના સ્થાપક અને ડોક્ટર વિક્રમ સારાભાઇનાં પત્ની મૃણાલિની બહેન ઉત્તમ ક્લાસિકલ ડાન્સર તો હતાં જ. ઉપરાંત અચ્છા વીણાવાદક પણ હતાં. 'એકવાર એમની વીણા રિપેર કરવાની તક પણ મને મળી. આ દક્ષિણ ભારતીય વાદ્ય વગાડવા કે રિપેર કરવા માટે ખૂબ ધીરજ અને અખૂટ પરિશ્રમ જોઇએ. એના તાર બાંધવામાં સોયની અણી જેટલી ભૂલ થાય તો પણ વીણા બરાબર વાગે નહીં, ગૂંજે નહીં,' તેઓ કહે છે.
ભારતીય વાદ્યો ઉપરાંત પાશ્ચાત્ય વાદ્યોની સવસ કરવામાં પણ શૈલેશ ખટીકે સારી પ્રતિષ્ઠા જમાવી છે. સંતુર સમ્રાટ પંડિત શિવકુમાર શર્મા અને બાંસુરી સમ્રાટ પંડિત હરિપ્રસાદ ચૌરસિયા સાથે હવાઇન ગિટાર પર રાગરાગિણી છેડનારા અમદાવાદના કલાકાર પંડિત બ્રિજભૂષણ કાબરાની ગિટારની પણ શૈલેશ ખટીકે સવસ કરી આપી છે. સિનિયર પાર્શ્વગાયક પ્રફુલ દવે માટે પણ કામ કર્યું. ગુજરાતના કોઇ પણ કલાકાર કે શહેરનું નામ લ્યો. શૈલેશ ખટીકની નામના દરેક સ્થળે પહોંચી છે. અમદાવાદમાં તેર દિવસની મ્યુઝિક કોન્ફરન્સ કરીને જગવિખ્યાત બનેલી સપ્તક સંસ્થા માટે પણ કામ કર્યું છે. મેવાતી ઘરાનાના સ્વર સાધક અને અધ્યાપક પંડિત વિકાસ પરીખ, શૈલેશના કામને સતત બિરદાવતા રહ્યા છે. થ્રી લાઇન સ્કેલ ચેંજર તરીકે ઓળખાતા હાર્મોેનિયમનો એક્કેએક પૂર્જો ખોલીને સાફસફાઇ કરીને આખું હાર્મોનિયમ શૈલેશ ખટીક એસેમ્બલ કરી શકે છે.
છેલ્લાં થોડાં વરસથી કમરની પીડા હોવા છતાં આજે પણ શૈલેશ ખટીક ધીરજભેર કામ કરે છે. હવાથી વાગતા સુષિર વાદ્યો (હાર્મોનિયમ, બાંસુરી, શરણાઇ કે સેક્સોફોન), નખલીથી વાગતાં સિતાર, સરોદ, વીણા, સંતુર જેવાં વાદ્યો, ગજ (બો)થી વાગતાં વાયોલિન, રાવણહથ્થો, સારંગી, દિલરુબા એમ વિવિધ પ્રકારનાં વાજિંત્રો એ રિપેર કરી શકે છે. એ કહે છે, 'ઇલેક્ટ્રોનિક વાદ્યો આવતાં અસલનાં વાજિંત્રોની માગ ઘટી છે. પરંતુ મારો અંગત અનુભવ કહે છે કે કીબોર્ડના સિન્થેટિક સાઉન્ડમાં તમને અસલી સિતાર કે સરોદનો રણકાર ન મળે. સૂરનો કુદરતી ગૂંજારવ ન મળે. અસલ એ અસલ. આધુનિક ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક પ્રગતિ માટે મને માન છે. પરંતુ એ પ્રગતિએ આપણા હજારો વાજિંત્રવાદકોને ભૂખે મરતા કરી દીધા. ઇશ્વરકૃપાથી અને માતાપિતાના આશીર્વાદથી મને તો પૂરતું કામ મળી રહે છે.'