Get The App

બોલિવુડમાં ઇલુ ઇલુ, બ્રેક અપ, સમાધાન : સમીકરણ સહુ સ્વાર્થનાં

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
બોલિવુડમાં ઇલુ ઇલુ, બ્રેક અપ, સમાધાન : સમીકરણ સહુ સ્વાર્થનાં 1 - image

- રણબીર-દીપિકા, કરીના-શાહિદ, સલમાન-કેટરીના, અક્ષયકુમાર-રવીના, અક્ષયકુમાર-શિલ્પા શેટ્ટી, સંજય દત્ત-માધુરી દીક્ષિત વગેરેના પ્રેમ સંબધ અચાનક વેરવિખેર થઇ ગયા : સમય જતાં આ બધાં  પ્રોફેશનલ બની ગયાં અને ફિલ્મોમાં સાથે  કામ પણ કર્યું 

હિન્દી ફિલ્મ જગતમાં , ખાનગી કંપનીઓમાં , સરકારી  ઓફિસોમાં  સંબંધોનાં સમીકરણ   ફક્ત અનેફક્ત સ્વાર્થનાં હોય છે. ભલે પછી તે સંબંધ ફિલ્મ નિર્માણ સાથેનાં હોય કે પ્રેમના હોય. એવા સંબંધ પણ પાંગર્યા છે જે શરૂઆતના તબક્કે ભરપૂર  ગાઢ  હોય પણ સમય જતાં તે  વેરવિખેર થઇ  ગયા હોય. 

આ સમીકરણ એટલે પૈસો અને વૈભવી જિંદગી. આજના આધુનિક  પણ ભારોભાર કળિયુગી જમાનામાં  બોલીવુડ, ખાનગી કંપનીઓ, સરકારી ઓફિસોમાં એવું સચોટ ગણિત છે કે  પ્રેમ કે લવ અફેર કાંઇ જીવનની સુવિધા અને સલામતી નહીં આપે. પ્રેમમાં ખુવાર થયું એ તો મૂર્ખામી છે.  મારી  પાસે પટારા ભરાય એટલી સંપત્તિ હશે તો હું મારા જીવનના છેલ્લા દિવસોમાં પણ ભરપૂર સુવિધા, સલામતી, આનંદથી જીવી શકીશ.  

ખાસ  કરીને   હિન્દી ફિલ્મ જગતમાં  એવાં  ઉદાહરણ પણ છે કે કોઇ અભિનેતા અને અભિનેત્રી વચ્ચે લીલું છમ ઇલુ ઇલુ હોય. જાણે કે બંને એક દૂજે કે લિયે જ જન્મ્યાં હોય.  જોકે થોડા સમય બાદ પેલું લીલુંછમ ઇલુ ઇલુ  સાવ જ સૂકાઇ ગયું હોય.  આજના નવા જમાનાની ભાષામાં કહીએ તો બંને વચ્ચેનો  લવ અફેરમાં   બ્રેક અપ થઇ ગયો  હોય. આમ છતાં  પ્રેમી -પ્રેમિકા  બંને પોતાની જાતને સમજાવી દે કે કાંઇ વાંધો નહીં. પ્રેમ સંબંધ તૂટયો છે, દોસ્તી રાખીશું. તક મળશે તો ફિલ્મોમાં સાથે મળીને કામ પણ કરીશું. કળિયુગની ભાષામાં કહીએ તો બંને પ્રેક્ટિકલ થઇ જાય છે. પ્રોફેશનલ બની જઇને પોતાની ફિલ્મી કારકિર્દી દોડતી રાખીને રૂપિયા કમાતા રહે છે. કરોડો  રૂપિયાનું બેન્ક  બેલેન્સ,  રજવાડી બંગલો, આધુનિક મોટર ગાડી, નોકર -ચાકર વગેરે હોય તો જિંદગીના છેલ્લા દિવસોમાં  આરામથી જીવી શકાય. 

 સાચી વાત છે. આજે હિન્દી ફિલ્મ જગતમાં  આવાં લવ બ્રેક અપ છતાં ફિલ્મોમાં સાથે કામ કરતાં હોય તેવાં ઘણાં ઉદાહરણ મળે છે. અભિનેતા અને અભિનેત્રી  ફિલ્મના શૂટિંગ દરમિયાન બે-ત્રણ મહિના સુધીસાથે રહે છે. કુદરતી સૌંદર્યથી તરબતર સ્થળોએ  પ્રેમસભર દ્રશ્યોનું, ગીતોનું શૂટિંગ કરે છે. આવા ખુશનુમા માહોલમાં બંને વચ્ચે મીઠાશ પાંગરે છે. પોતાના આધુનિક ટેકનોલોજીવાળા મોબાઇલ ફોન દ્વારા એકબીજાંને ગમતીલા સંદેશાની આપ -લે કરે છે.  બંને વચ્ચે લીલોછમ પ્રેમ પાંગરે છે. બંને રાજી રાજી થઇ જાય છે.સાથે જીવવાના સોગંદ લે છે વગેરે વગેરે. 

  જોકે    સમય જતાં એવાં સમીકરણ ઘુમરાય છે કે બંનેનાં વાણી, વર્તનમાં જુદારો દેખાય છે. પ્રેમ સંબંધમાં તિરાડ પડે છે. બંનેના રસ્તા નોખા થઇ જાય છે. કોણ  હું  અને કોણ તું. આટલું જ નહીં, બંનેનાં પ્રેમી પાત્રો સુદ્ધાં બદલાઇ જાય છે.આમ છતાં પેલાં  અભિનેતા - અભિનેત્રી  જરાય દુઃખી કે હતાશ થયા વગર ભારોભાર પ્રેક્ટિકલ અને પ્રોફેશનલ થઇ જાય છે. હાય - હેલ્લો રાખે છે ખરાં. તક મળે તો બંને ફિલ્મોમાં સાથે કામ કરવા પણ રાજી થઇ જાય છે.  બોલીવુડનો હેન્ડસમ હીરો રણબીર કપૂર અને રૂપકડી હીરોઇન દીપિકા પાદૂકોણ,  કરીના કપૂર અને શાહિદ કપૂર, સલમાન ખાન અને કેટરીના કૈફ, અક્ષય કુમાર અને રવીના ટંડન, સંજય દત્ત અને માધુરી દિક્ષિત વગેરેનાં ઉદાહરણ કંઇક આવાં જ  છે.