આમિર ખાનનો ભાણેજ ઈમરાન ખાને 'જાને તૂ યા જાને ના' જેવી સરસ હિટ ફિલ્મથી ડેબ્યુ કરી સારી આશા જગાવી હતી. આમિરની જેમ ઈમરાન પણ પસંદગીની ફિલ્મો કરશે અને બોલિવુડની ટિપિકલ મસાલા ફિલ્મોથી દૂર રહેશે એવી ધારણાં બંધાઈ હતી. પરંતુ એ 'દેલ્હી બેલ્લી' અને 'મેરે બ્રધર કી દુલ્હન' જેવી ગણીગાંઠી ફિલ્મો કરી અચાનક ગાયબ થઈ ગયો. તાજેતરમાં રિલીઝ થયેલી 'હેપી પટેલ' ફિલ્મમાં એનો ટચૂકડો રોલ છે, પણ આખેઆખી ફિલ્મને ઓડિયેન્સે રિજેક્ટ કરી નાખી છે.
ઇમરાને પોતાની પત્ની અવંતિકાને આઠ વરસનાં દાંપત્ય જીવન બાદ ૨૦૧૯માં ડિવોર્સ આપી દીધા. બંનેની એક દીકરી છે ઈકારા, જે આજે ૧૧ વરસની થઈ ગઈ છે. અત્રે નોંધવું ઘટે કે ઈમરાન અને અવંતિકા બાળપણથી મિત્રો હતા અને અવંતિકા મણિપાલ ગુ્રપ જેવા મોટા બિઝનેસ ફેમિલીમાંથી આવે છે. એણે ડિવોર્સ બાદ પણ ઈમરાન સાથેના સંબંધોમાં કોઈ કડવાશ આવવા નથી દીધી.
ઈમરાને માનસિક સમસ્યાને કારણે ફિલ્મોમાંથી બ્રેક લઈ લીધો અને સાદગીભરી જીવનશૈલી અપનાવી રહેવા લાગ્યો. ગુડ ન્યુસ એ છે કે ૪૨ વરસનો એક્ટર આ વરસે નેટફ્લિક્સની ફિલ્મ 'અધૂરે હમ, અધૂરે તુમ'થી ૧૦ વરસના અવકાશ બાદ કમબેક કરી રહ્યો છે. આ રોમ-કોમ મૂવીમાં ભૂમિ પેડનેકર અને ગુરફતેહ પિરઝાદા પણ મહત્ત્વના રોલમાં છે. ઈમરાન કહે છે, 'આજે હું લાઈફમાં જે તબક્કામાં છું એવા જ ફેઝમાંથી પસાર થઈ રહેલા એક કેરેક્ટરની સ્ટોરી છે. હું ચાલીસીમાં પ્રવેશેલો ડિવોર્સી સિંગલ પેરેન્ટ છું. મારા જેવા જ જીવનના શેડ્સ ધરાવતી ફિલ્મની સ્ટોરીમાં મને રસ પડયો.'
ઈમરાને પોતાના કમબેકની જોરશોરથી તૈયારી કરવા પીઆર પ્રોફેશનલ્સ અને મેનેજર્સની ફૌજ નથી રાખી. 'ભૂતકાળમાં મેં પીઆર મેનેજર્સ રાખ્યા હતા. તેઓ મને જેટલું કામ અપાવે એટલી સેલેરી એમને મળતી. મારી પ્રાઈસના અમુક ટકા એમને ચુકવાતા. એમાં એવું થયું કે તેઓ મને જે કામ ન ગમે એ કરવા દબાણ કરતા. મારે પીઆર ટીમ સાથે કલાકો બેસી સ્ટ્રેટજિસ પ્લાન કરવી પડતી. હવે મારે એ બધી ઝંઝટમાં નથી પડવું. એને બદલે હું હવે મારી ગતિએ કામ કરવાનું પસંદ કરીશ. વળી, હવે લોકો પણ બધુ જાણતા-સમજતા થઈ ગયા છે. તેઓ આજે દરેક બાબતમાં એવી શંકા કરે છે કે આ કોઈ પીઆર સ્ટંટ તો નથીને.' વાત તો સાચી.


