Get The App

ઇમરાન ખાનની બ્રેક કે બાદ દસ વર્ષે ફરી એન્ટ્રી થઇ રહી છે

Updated: Dec 11th, 2025

GS TEAM

Google News
Google News
ઇમરાન ખાનની બ્રેક કે બાદ દસ વર્ષે ફરી એન્ટ્રી થઇ રહી છે 1 - image

- 'મારા ડિરેક્ટર દાનિશે લગ્ન કર્યાં અને હું ડિવોર્સની પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યો છું. અમે અમારા જીવનમાં શું બન્યું તેની કથા કહેવાનો પ્રયાસ કર્યો છે.'  

ઘણીવાર પ્રતિભા હોય તો પણ જીવનની વિટંબણાઓમાં કળાકાર એવો અટવાઇ જાય કે તેનું નસીબ જોર કરતું હોય તો જ તે ફરી કારકિર્દી જમાવવાની દિશામાં આગળ વધી શકે. આમિર ખાનનો ભાણેજ અને નાસિર હુસૈનનો પૌત્ર ઇમરાનખાન એક સમયે આશાસ્પદ હીરો ગણાતો હતો. તેણે ૨૦૧૦માં  દીપિકા પદુકોણની સાથે રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'બ્રેક કે બાદ' કરી હતી.આ ફિલ્મને દાનિશ અસલમે દિગ્દર્શિત કરી હતી. 

પોતાની નવી ફિલ્મ 'અધૂરે હમ અધૂરે તુમ'ના પ્રમોશનમાં વ્યસ્ત ઇમરાન ખાન દાનિશ સાથેની પહેલી ર્ફિલ્મ બ્રેક કે બાદની વાત કરતાં કહે છે, આ ફિલ્મ જાણે બ્રેક કે બાદની ટીમ પંદર વર્ષ બાદ જીવનમાં શું કરી રહી છે તેની સિક્વલ સમાન છે. આ એક કુદરતી પ્રગતિ છે. દાનિશ અને મારો જીવનનો અનુભવ એકદમ અલગ રહ્યો છે. દાનિશે લગ્ન કર્યાં છે અને હું ડાઇવોર્સની પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યો છું. દોસ્તો સાથે કામ કરી અમે જીવનમાં શું બન્યું તેની કથા કહેવાનો આ ફિલ્મમાં પ્રયાસ કર્યો છે. આ કારણે મારા માટે આ એક પર્સનલ પ્રોજેક્ટ બની રહ્યો છે. 

દાનિશ સાથે 'બ્રેક કે બાદ' ફિલ્મ કરવાની ના કેવી રીતે પાડી હતી તેની યાદો વાગોળતાં ઇમરાન ખાને જણાવ્યું હતું કે દાનિશ એકવાર 'બ્રેક કે બાદ' નેરેટ કરવા મારી પાસે આવ્યો હતો. તેને નેરેશન આપવા સામે નફરત છે. મને પણ તેનું નેરેશન સાંભળવાનો કંટાળો હતો. આમ મેં નેરેશન બદલ આભાર માની ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. બાદમાં અમે એક પાર્ટીમાં મળી ગયા. વાતો કરતાંે કરતાં મને સમજાયું કે આ તો એ જ માણસ છે જેની પટકથાને મેં નકારી કાઢી છે. એ પછી દાનિશે મને પટકથાનો ડ્રાફ્ટ મોકલ્યો હતો અને તે મને ગમી ગયો હતો. થોડા મહિના બાદ તો અમે બ્રેક કે બાદ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. આમ, હાથમાંથી સરકી ગયેલી ફિલ્મ ફરી મારા હાથમાં આવી હતી તેમ ઇમરાને જણાવ્યું હતું. 

'અધૂરે હમ અધૂરે તુમ' ફિલ્મનું શૂટિંગ છેલ્લા એક વર્ષથી કાશ્મીરમાં ચાલી રહ્યું હતું. ફિલ્મનું શૂટિંગ પુરૂ થઇ ચૂક્યું છે અને હાલ ફિલ્મ પોસ્ટ પ્રોડકશનના તબક્કે છે. ૨૦૨૬માં આ ફિલ્મ નેટફલિક્સ પર રજૂ થવાની સંભાવના છે. આ ફિલ્મમાં ઇમરાન ખાન ઉપરાંત ભૂમિ પેડણેકર અને ગુરફતેહ પિરજાદા પણ મહત્વની ભૂમિકામાં છે. 

કાશ્મીરમાં  આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ થયું છે. ઇમરાન ખાન અને કાશ્મીર વચ્ચે રસપ્રદ કનેકશન છે. ઇમરાનખાનના દાદા નાસિર હુસૈને કાશ્મીરની ખીણમાં તેમની સંખ્યાબંધ ફિલ્મોના શૂટિંગ કરેલાં છે. 'ફિર વોહી દિલ લાયા હૂં', 'જબ પ્યાર કિસી સે હોતા હૈ' અને 'તીસરી મંઝિલ'ના શૂટિંગ નાસિર હુસૈને કાશ્મીરમાં કરેલાં છે. ઇમરાન ખાન કહે છે કે મારા દાદા માટે કાશ્મીર એ બીજા ઘર સમાન હતું. કાશ્મીર સાથે મારી ઘણી બાળપણની યાદો સંકળાયેલી છે. હું વર્ષમાં  બે વાર તો કાશ્મીરની મુલાકાત લઉં જ છું. કાશ્મીરમાં મારા ઘણાં દોસ્તો અને પરિવારો સાથે નાતો છે પરિણામે મને કાશ્મીરમાં કદી કોઇ પ્રકારનો ડર લાગતો નથી. 

ઇમરાન ખાને અવંતિકા મલિક સાથે લગ્ન કર્યા હતા. ૨૦૧૯માં તેમના ડાઇવોર્સ થઇ ચૂક્યા છે. ઇમરાન અને અવંતિકાને તેમના લગ્નથી એક પુત્રી છે. રસપ્રદ બાબત એ છે કે ઇમરાન અને અવંતિકા એકમેકને સત્તર વર્ષથી ઓળખે છે. તેમણે આઠ વર્ષના લગ્નજીવન બાદ ડાઇવોર્સ લેવાનો નિર્ણય લીધો હતો. 

ઇમરાન ખાનની છેલ્લી ફિલ્મ 'કટ્ટીબટ્ટી' ૨૦૧૫માં આવી હતી. તેમાં તેની હિરોઇન કંગના રનૌત હતી. એ પછી ૨૦૧૮માં ઇમરાન ખાને શોર્ટ ફિલ્મ 'મિશન માર્સ: કીપ વોકિંગ ઇન્ડિયા' બનાવી હતી. આ શોર્ટ ફિલ્મનું નિર્દેશન ઇમરાનખાને કર્યું હતું. તે લાંબો સમય ફિલ્મ ઉદ્યોગથી દૂર રહ્યો હોવા છતાં તેના ડાઇવોર્સ બધાં માટે આંચકા સમાન બની રહ્યા હતા. ઇમરાન ખાનની અસલી જિંદગી અને તેની ફિલ્મોમાં ગજબની સમાનતા છે.  'બ્રેક કે બાદ'  દસ વર્ષે ઇમરાનની નવી ફિલ્મ આવી રહી છે  જેનું નામ 'અધૂરે હમ અધૂરે તુમ' છે. મજાની વાત એ છે કે બ્રેક કે બાદ ફિલ્મ આવી ત્યારે ઇમરાનને બ્રેક અપ થવાની કલ્પના પણ નહીં હોય, પણ આજે નવી ફિલ્મનું ટાઇટલ 'અધૂરે હમ અધૂરે તુમ' જાણે તેની જિંદગીનું પ્રતિબિંબ પાડે છે.