ઇલા અરુણના ચાબખા : યુવાનો માત્ર ઇન્સ્ટાગ્રામની ભાષા સમજે છે
- 'સાહિત્ય સમારંભોમાં જાઉં છું ત્યારે હતાશ થઇ જાઉં છું, કેમ કે યુવાનોનો ક્યાંય પત્તો હોતો નથી. તમને મફતમાં શબ્દોનો આનંદ માણવા મળે છે પણ તમને એમાં રસ નથી.'
સિંગર-એક્ટ્રેસ ઇલા અરુણ રંગમંચ અને ફિલ્મી દુનિયામાં એક સ્પષ્ટવક્તા તરીકે જાણીતા છે. કોઇ પણ બાબતમાં પોતાનો ઓપિનિયન આપવો હોય તો તેઓ પાછીપાની નથી કરતા. દાખલા તરીકે આજકાલ પંજાબી ગાયક-અભિનેતા દિલજીત દોસાંજના કોન્સર્ટસની આખા દેશમાં ધૂમ જામી છે. દિલજીતની ગાયકી વિશે કોઇ શંકા ન કરી શકે. એના ગીતો દિલ ડોલાવી દે છે, પરંતુ એના લાઇવ- શોમાં લોકો ખુબ શરાબ પીતા દેખાય છે. એ વિશે એક ઇવેન્ટમાં ઇલા અરુણને પૂછાતા તેઓ શબ્દો ચોર્યા વિના બેધડક કહે છે, 'હું દિલજીતને એવું પૂછવા માગું છું કે તારા શોમાં શ્રોતાઓ ખરેખર તને સાંભળવા આવે છે કે પછી દારૂ ઢીંચવા આવે છે? લખનઉ બાદ મેં દિલજીતના જયપુરના કોન્સર્ટમાં પણ આવું જ જોયું. હું ૪-૫ કિમી લાંબા ટ્રાફિક જામમાં અટવાઇ ગઇ હતી, મેં કારમાં બેઠા બેઠા જોયું કે આપણા યુવાનો ભાનમાં નથી. એવું લાગતુ જ નહોતું કે આ બધા ગીતો સાંભળવા જઇ રહ્યા છે. ગીતની ધૂન અને સૂરમાં એટલી તાકાત હોય કે એ શ્રોતાને ઝુમતો કરી દે, એણે શરાબ પીવાની જરૂર જ ન પડે.''
'ખલનાયક'નું પોપ્યુલર સોંગ 'ચોલી કે પીછે ક્યા હૈ' ઇલાની ઓળખ બની ગઇ છે. એમને લોકો માત્ર એમના લોકપ્રિય ગીતોને કારણે જ યાદ કરે છે એ વિશે ખેદ દર્શાવતા તેઓ કહે છે, 'લોકોના મનમાં એવું ઠસાઇ ગયું છે કે હું માત્ર ગાયિકા છું. તેઓ જાણતી નથી કે હું રંગમંચને કેટલો પ્રેમ કરું છું. હું દર્શકોથી અભિનય કરું છું અને એક સારી ઘડાયેલી એક્ટર છું. મારો લોકોને એટલો જ અનુરોધ છે કે ચોલી કે પીછે ક્યા હૈ, પર્દે કે પીછે ક્યા હૈ એ જાણવાની પણ કોશિશ કરો. ૪૨ સાલની મારી થિયેટર કારકિર્દીમાં હું જે શીખી છું એ હવે યંગસ્ટર્સને શીખવવા ધારું છું.'
ઇલા અરુણ એક સારાં રાઇટર છે. એમણે ઘણાં સારાં નાટકો લખ્યા અને ભજવ્યાં છે. એક આર્ટિસ્ટ તરીકે એમને એ વાતનો ભારોભાર રંજ છે કે લોકો સાહિત્યથી વિમુખ થતા જાય છે. 'આજે સાહિત્ય કોઇ વાંચવા કે સાંભળવા નથી ઇચ્છતું. ખાસ કરીને યુવા પેઢીને લિટરેચરમાં જાણે રસ જ નથી રહ્યો. તેઓ કદાચ ભૂલી ગયા છે કે આ હરિવંશ રાય બચ્ચન, ધર્મવીર ભારતી, ભગવતી ચરણ વર્મા અને અમૃતલાલ નાગર જેવા સાક્ષરોનો દેશ છે. એક જમાનામાં હિન્દી અને ઉર્દુ બંનેની બોલબાલા હતી. જ્યારે આજનો યંગસ્ટર્સ ફક્ત ઇન્સ્ટાગ્રામની ભાષા જ સમજે છે. સાહિત્ય સમારંભોમાં જાઉં છું ત્યારે એ જોઇને હતાશ થઇ જાઉં છું કે યુવાનોનો ક્યાંય પત્તો નથી. તમને મફતમાં શબ્દોનો આનંદ માણવા મળે છે પણ તમને એમાં રસ નથી.'
આજની અભિનેત્રીઓમાં વિદ્યા બાલન ઇલાજીની ફેવરીટ એક્ટ્રેસ છે. એટલા માટે કે વિદ્યા નીડરપણે પોતાના રોલ પસંદ કરે છે. એ પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લે છે. જ્યારે એક્ટરોમાં કાર્તિકર આર્યન અને નવાઝુદ્દીન સિદ્દીકીનું કામ એમને ગમે છે.