Get The App

સુનીલ અન્ના બોલેગા તો સબકો સુનના પડેગા .

Updated: Sep 18th, 2025

GS TEAM

Google News
Google News
સુનીલ અન્ના બોલેગા તો સબકો સુનના પડેગા                    . 1 - image

- 'આજના યુવા એક્ટર્સનો હવે માત્ર મીડિયા સાથે નહિ, ટ્રોલર્સ સાથે પણ પનારો પડે છે. ટ્રોલર્સ એવા લોકોની જમાત છે જેને એ ખબર નથી કે પોતે એકટરો અને મૂવીઝને શા માટે વખોડી રહ્યા છે...' 

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુનીલ શેટ્ટી જેટલી ગુડવિલ ધરાવતા બહુ ઓછા લોકો છે. બોલીવૂડમાં 'અન્ના'ના હુલામણાં નામે જાણીતા સુનીલે પોતાની કામ પ્રત્યેની નિષ્ઠા, શિસ્ત અને સંબંધો જાળવવાની નીતિને કારણે આ ગુડવિલ મેળવી છે. એ ઉપરાંત, અન્નામાં બીજો એક ગુણ છે. એક્ટર બને ત્યાં સુધી કોઈ વિવાદમાં પડી ગમે તેવો બકવાસ કરતો નથી. પરંતુ એ જ્યારે કોઈ બીજા પર બોલે છે ત્યારે સૌ કાન દઈને સાંભળે છે. એના મતનું વજન પડે છે કારણ કે એમાં કોઈ પૂર્વગ્રહ વિનાની સચ્ચાઈ હોય છે.

હમણાં શેટ્ટીએ 'બોર્ડર-ટુ'માં દિલજિત દોસાંજના કાસ્ટિંગને લગતા વિવાદ, નવી પેઢીના યુવાન એકટર્સ સમક્ષના પડકારો અને પાછલા વરસોમાં બોલીવૂડ કેટલું બદલાયું છે એ વિશે દિલ ખોલીને વાત કરી.

પહેલગામના ત્રાસવાદી હુમલા અને ઓપરેશન સિંદુર બાદ આખા દેશમાં પાકિસ્તાન વિરોધી માહોલ સર્જાયો છે. એ સંવેદનશીલ સમયમાં પંજાબી એક્ટર-સિંગર દિલજિત દોસાંજે પાકિસ્તાની એકટ્રેસ સાથેની પોતાની ફિલ્મ 'સરદારજી-૩' ભારત બહાર રિલિઝ કરવા એનું પ્રમોશન કર્યું. એની આવી ગુસ્તાખીથી ઉશ્કેરાયેલા લોકોએ એના પર બેન મૂકવાની હાકલ કરી. એને પગલે દિલજિતની મલ્ટિ-સ્ટારર મૂવી 'બોર્ડર-ટુ'નું શુટિંગ રઝળી પડયું. જો કે પ્રોડયુસર ભુષણ કુમારે હસ્તક્ષેપ કરી મામલો ટાઢો પાડયો અને દિલજિતપરનો બેન ઉઠાવી લેવાયો. પછી દોસાંજે બોર્ડર-ટુના શુટિંગમાં ભાગ લીધો. એ પ્રકરણ વિશે વાત સુનીલ કહે છે, 'આ બધુ બન્યું ત્યારે મને લાગ્યું કે એવી પણ એક દુનિયા છે જેને સિનેમા વિશે કોઈ ગતાગમ નથી અને એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પાડવા તલપાપડ છે. ક્રિકેટની રમતમાં દેશનું નામ રોશન કરનાર વિરાટ કોહલી જેવો માણસ જો ટ્રોલ થતો હોય તો બીજા કોઈને તો શેના છોડાય?'

પોતાના મુદ્દામાં વધુ ઊંડા ઉતરતા સાઠીમાં પ્રવેશેલો એક્ટર વધુમાં કહે છે, 'વર્ચ્યુઅલ વર્લ્ડ આપણને એટલી બધી (સાચી-ખોટી) માહિતી ફિડ કરે છે કે આપણે સાચા-ખોટા વચ્ચે ભેદ પાડવાનું જ ભૂલી ગયા છીએ. આપણે એ નથી સમજતા કે એને લીધે એક ધારણાં ઊભી થઈ રહી છે. આંખ અને મગજ જે જુએ છે એ માનતું થઈ જાય છે. વ્યક્તિએ કયા પાલામાં જવું એવો સવાલ ઊભો થાય છે. મારો મત પરિસ્થિતિ અને સંજોગોના આધારે નક્કી થાય છે. દિલજિત એક સુપરસ્ટાર છે. એણે મ્યુઝિકના ક્ષેત્રમાં ભારતને વિશ્વના નકશા પર મુકી દીધું છે. જગત આખાના લોકોને ભારતીય મ્યુઝિશિયન્સ અને આર્ટિસ્ટો પાછળ ઘેલા કરી દીધા છે એટલે આપણે એને ઉતારી પાડવાને બદલે વધાવવો જોઈએ. કોઈ બાળકની ભૂલ થઈ જાય તો તમે એને શિક્ષા કરશો કે પછી ભૂલ સુધારવાની તક આપશો? બોર્ડ-ટુ દેશપ્રેમ દર્શાવતી આખા દેશની ફિલ્મ છે.'

પછી શેટ્ટી અન્ના સોશિયલ મીડિયા યંગ એકટર્સને કઈ રીતે રંજાડી રહ્યું છે એ વિશે બળાપો કાઢે છે, 'આજે યુવા એક્ટર્સ માટે મુશ્કેલ કાળ આવ્યો છે. એમનો હવે મીડિયા સાથે નહિ, પણ ટ્રોલર્સ સાથે બનારો પડે છે. આ એવા લોકોની જમાત છે જેને એ ખબર નથી કે પોતે એકટરો અને મૂવીઝને શા માટે વખોડી રહ્યા છે. આ વર્ચ્યુઅલ વર્લ્ડ ખરેખર બિહામણું છે. અન્યથા  આજે યંગસ્ટર્સ માટે ફિલ્મોમાં ઘણી તકો છે. ઘણાં પ્લેટફોર્મસ વિવિધ પ્રકારના કન્ટેન્ટ પર પ્રોજેક્ટ બનાવી રહ્યા છે.'

છેલ્લે 'કેસરી વીર'માં જોવા મળેલો સુનીલ અહીં ડિજિટાઇજેશનને કારણે સિનેમાના બિઝનેસનું સ્વરૂપ કઈ રીતે બદલાઈ રહ્યું છે એની વાત કરવાનું પણ ચુકતો નથી. અગાઉ મેકર્સ મૂવીઝ બનાવતા પણ આજે એકસલ શીટ્સ (વર્ક શીટ્સ) ફિલ્મો બનાવે છે. શુક્રવારે ફિલ્મ થિયેટરમાં રિલિઝ થાય એટલે એના પ્રોડયુસરને વીકએન્ડ પછી બિઝનેસ પડશે કે કેમ અને પિક્ચર કહાં દંડી ચલ રહી હૈ એની જ ચિંતા હોય છે. ફિલ્મોમાંથી કોર્પોરેટ્સ અને મિડલમેનને રુખસદ આપી દેવાઈ છે અને ટેકનોલોજીએ બિઝનેસ ટેકઓવર કરી લીધો છે. સબ ઓનલાઈન હો રહા હૈ લેકિન છોટે સેંટર્સ કા ક્યા? ઈન શોર્ટ, ફિલ્મ મેક્સિંગમાંથી પર્સનલ ટચ ગાયબ છે.