Get The App

બિગ બી માટે તો હું બેબી જ રહીશ: અભિષેક બચ્ચન

Updated: Aug 24th, 2023

GS TEAM

Google News
Google News
બિગ બી માટે તો હું બેબી જ રહીશ: અભિષેક બચ્ચન 1 - image


- શરૂઆતમાં અમિતાભના વખાણથી અકળાતો અભિષેક ખુદ પિતા બન્યો તે પછી એમની લાગણી સમજતો થયો છે...

હિ ન્દી ફિલ્મ ઉદ્યોગમાં ગજબની લોકપ્રિયતા ધરાવતા અમિતાભ બચ્ચન સુપરસ્ટાર હોવા છતાં એક પિતા તરીકે તો સામાન્ય માણસની જેેમ જ પોતાના સંતાનો માટે ગર્વની લાગણી અનુભવે છે. આર. બાલ્કી દિગ્દર્શિત 'ઘૂમર' ફિલ્મમાં પુત્ર અભિષેકની ભૂમિકાના વખાણ કરતાં હાલ બિગ બી થાકતા નથી. અમિતાભ બચ્ચનના પુત્ર હોવું એટલે જનમાનસમાં એક મોટી જવાબદારીનું કામ ગણાય. અભિષેક માટે શરૂઆતમાં બિગ બીની સરખામણી મોટી મુસીબત બની રહેતી હતી. બિગ બી પણ જાહેરમાં અભિષેકના વખાણ કરતાં હમણાં સુધી અચકાતા હતા, પણ હવે અમિતાભ ખૂલીને જાહેરમાં પુત્રના વખાણ કરતાં કોઇ છોછ અનુભવતાં નથી. 

આ બાબતે પુત્ર અભિષેક બચ્ચન કહે છે, 'હવે જાહેરમાં તેઓ આરામથી મારા વખાણ કરતાં થયા છે. હું જ્યારે તેમને કહું કે મારા વખાણ ન કરશો, લોકો ચડી બેસશે ત્યારે તેઓ હવે કહી દે છે કે ગમે તેમ તોય હું તારો પિતા છું. મને પણ આ હક છે. મને પણ સમજાય છે કે તેઓ એક મહાન કળાકાર હોવા ઉપરાંત એક પિતા પણ છે. હું ૪૭નો થવા આવ્યો, પણ હું હમેશા તેમની માટે તો નાનકડો છોકરો જ  બની રહીશ. હું આજે આ વાત સમજી શકું છું, કેમ કે હું પણ આરાધ્યાનો પિતા છું. જો આરાધ્યા કશુંક સરસ કરે તો મને પણ આખી દુનિયામાં તે બતાવવાનું ગમે છે.' 

આજકાલ અભિષેક બચ્ચન ફિલ્મોની પસંદગી ખૂબ કાળજીપૂર્વક કરે છે. ૨૦૧૮માં  રોમેન્ટિક ડ્રામા 'મનમર્ઝિયાં' કરી હતી, તો ૨૦૨૧માં તેમણે થ્રિલર 'બોબ બિશ્વાસ' કરી.  અમિતાભ પણ તેમના પુત્રની પસંદગીને બિરદાવી રહ્યા છે. અભિષેક કહે છે, 'લોકોએ પણ સમજવું જોઇએ કે કલાકારો પણ સામાન્ય માણસ જ હોય છે. જ્યારે શરૂઆતમાં મારી કારકિર્દી ધાર્યા અનુસાર સફળ થઇ રહી નહોતી ત્યારે હું મારી જાતને ટપારતો રહેતો કે તારાં માતાપિતાની હાલત કેવી થતી હશે તેની તને કલ્પના છે ખરી? તેઓ તેમના સંતાનની જાહેરમાંઆકરી ટીકા થાય ત્યારે પોતે કશું જ કરી શકવાની સ્થિતિમાં હોતાં નથી. ઘણીવાર લોકો જ્યારે મારા વખાણ કરવા બદલ મારા ફાધરની ટીકા કરે ત્યારે મને લોકો સંવેદનહીન લાગે છે. કેમ કે લોકો એ હકીકત  ભૂલી જાય છે કે અમિતાભ બચ્ચન એક પિતા પણ છે. તમે જરા કલ્પના તો કરો કે આટલા બધાં વર્ષો બાદ તેઓ જાહેરમાં પિતા તરીકે પોતાને જે લાગે તે કહેવાની હિંમત કરી શક્યા છે!'  

પોતાના જે કામ માટે પિતા વખાણ કરી રહ્યા છે તે બાલ્કીની નવી ફિલ્મ 'ઘૂમર'માં અભિષેક બચ્ચને એક એવા ક્રિકેટ કોચની ભૂમિકા ભજવી છે જે એકદમ ધૂની છે. બાલ્કીના આ સ્પોર્ટસ ડ્રામામાં  એક હાથ ન ધરાવતી સૈયામી ખેરને  મહિલા ક્રિકેટર બનાવવા મથતા તોછડા કોચની ભૂમિકા અભિષેક બચ્ચને સાકાર કરી છે. અભિષેક કહે છે, 'મને એક અભિનેતા તરીકે બાલ્કીની ઓફર અવગણી ન શકાય તેવી લાગી. 'ઘૂમર'માં મારું પાત્ર એક એવો કોચનું છે જેનામાં કોચ તરીકે ન હોવાં જોઇએ તેવા તમામ અપલક્ષણો છે, પણ ફિલ્મના અંતે લોકોને સમજાય છે કે એ એક સારો કોચ છે. વર્તન અને ગુણ વચ્ચેના આ તણાવને રૂપેરી પડદે સાકાર કરવાની મને મજા આવી છે.' આમ કહીને  અભિષેક વાતનું સમાપન કરે છે.

Tags :