Get The App

એકધારી ભાગદોડ સામે મને કોઈ ફરિયાદલ નથી: કમાલિકા ઠાકુરતા

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
એકધારી ભાગદોડ સામે મને કોઈ ફરિયાદલ નથી: કમાલિકા ઠાકુરતા 1 - image

- 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી' લાઈમલાઈટમાં આવનાર કમાલિકા ગુહા ઠાકુરતા 'ક્યોંકિ-ટુ'માં ગાયત્રીના પાત્રને ન્યાય આપવા સપ્તાહના સાતેય દિવસ બબ્બે શિફ્ટમાં કામ કરી રહી છે. 

પોતાને જે પ્રોજેક્ટથી પ્રસિદ્ધિ મળી હોય એના પ્રત્યે વિશેષ લગાવ હોવો કોઈ પણ પ્રોજેક્ટ માટે સ્વાભાવિક છે. ત્રણેક દશક પહેલા એકતા કપૂરની લોકપ્રિય ટીવી સિરીયલ 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી' લાઈમલાઈટમાં આવનાર કમાલિકા ગુહા ઠાકુરતાનો દાખલો તાજો છે. એ 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી-ટુ'માં ગાયત્રીના પાત્રને ન્યાય આપવા સપ્તાહના સાતેય દિવસ બબ્બે શિફ્ટમાં કામ કરી રહી છે. ૬૧ વરસની કમાલિકા 'ક્યોંકિ...'ની સાથોસાથ 'સરુ' નામનો બીજી ડેઈલી ટીવી શોપ પણ કરી રહી છે. એને કારણે એનો શૂટિંગ શેડયુલ બહુ જ હેક્ટિક બની રહે છે. નોંધવા જેવી વાત એ છે કે બંને ટીવી સિરીયલ્સમાં બંગાળી એક્ટર વિરોધાભાસી કેરેક્ટર્સ (પાત્રો) કરી રહી છે.

છતાં કમાલિકાને કોઈ ફરિયાદ નથી. 'મુઝે ચાંદ ચાહિયે' નામની સિરીયલથી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરનાર અભિનેત્રીને સાઠીમાં બે સેટપરથી કરવી પડતી એકધારી ભાગદોડ સામે કોઈ ફરિયાદ નથી. એને એક્ટરના કરીઅરમાં જવલ્લે જ મળતી એક તક ગણાવતા કમાલિકા કહે છે, 'એકીસાથે બબ્બે શો મેનેજ કરવા એક મોટી ચેલેન્જ છે. એક એક્ટર તરીકે તમારે બબ્બે પાત્રોને એકીસાથે જીવવા પડે છે. એક કેરેક્ટરમાંથી. બીજામાં સ્વિચ ઓવર કરવાનો પ્રયાસ ઘણું બધુ કોન્સન્ટ્રેશન માગી લે છે. બંને પ્રોડક્શન હાઉસ વચ્ચેના સારા કો- ઓર્ડિનેશન અને પોઝિટીવ સપોર્ટને લીધે હું આ કરી શુકં છું.'

બંને સિરીયલ્સનું મોટી ચેનલ્સ પરથી અઠવાડિયાના સાતેય દિવસ પ્રસારણ થતું હોવાથી એની કાસ્ટના વર્કિંગ અવર્સ લાંબા હોય એ સહજ છે. એ અનિવાર્ય છે. 'ક્યારેક બંને શોના મારે એક જ દિવસે શુટિંગ કરવા પડે છે. વળી, એક શોનો સેટ ગોરેગામ અને બીજાનો સેટ નાયગાંવમાં હોવાથી પ્રવાસમાં પણ ઘણો ટાઈમ જાય છે,' એમ 'નાગિન' જેવી સુપર હીટ સિરીયલની અભિનેત્રી કહે છે.

ઓટીટીના 'આક્રમણ'ને કારણે ફિલ્મોના બિઝનેસ પર માઠી અસર થઈ છે. મોટા બજેટની મલ્ટિસ્ટારર ફિલ્મો પણ થિયેટરોમાં ટાંય ટાંય ફિસ થઈ જાય છે. એટલે કેટલાક જાણકારો એવી અમંગળ આગાહી કરે છે કે ટીવીનો પણ વહેલો-મોડો ઘડો-લાડવો થઈ જશે. કમાલિકા એ વાત સાથે સંમત નથી. એને પાકો વિશ્વાસ છે કે ઓટીટી પ્લેટફોર્મ્સના પ્રાદુર્ભાવ અને શોર્ટ ફોર્મેટ કોન્ટેન્ટના ટ્રેન્ડ વચ્ચે પણ ટીવી ટકી રહેશે. 

'તમે વિવિધ ચેનલ્સના વ્યુઅરશિપના આંકડા જુઓ તો એક હકીકત સ્પષ્ટ થઈ જાય કે આજે પણ ટીવી જોનારો વિશાળ દર્શક વર્ગ છે. મૂવીઝ, ઓટીટી અને શોર્ટ ફોર્મેટ્સ સામે ટીવી ટકી રહેશે. મને એમાં લગીરે શંકા નથી,' એમ એકટ્રેસ પોતાના ઓપિનિયનના સમર્થનમાં કહે છે.