મને અભિનયનું ભૂત વળગી ચૂક્યું છે: તૃપ્તિ ડિમરી
ઉત્તરાખંડથી મુંબઈ આવીને હિન્દી ફિલ્મોદ્યોગમાં નામના કાડનાર અભિનેત્રી તૃપ્તિ ડિમરી હવે કોઈ ઓળખની મોહતાજ નથી રહી થોેડા સમય પહેલા તેની 'ધડક-૨' રજૂ થઈ. અલબત્ત, તેને મળેલી લોકચાહના પાછળ તેનો સંઘર્ષ રહેલો છે. તૃપ્તિ એકદમ અબુધ યુવતીની જેમ મુંબઈ આવી હતી. તે ન તો મુંબઈમાં કોઈને જામતી હતી કે ન તેને એક્ટિંગનોે એકડોય આવડતો નહતો.
તૃપ્તિ કહે છે કે મને અભિનયનો 'અ' પણ નહોતો આવડતો. મેં આ મહાનગરમાં આવ્યા પછી વિચાર કર્યો હતો કે મારા માટે શું યોગ્ય રહેશે. પરંતુ હું ભાગ્યશાળી છું કે મને સાત આપનારા કેટલાંક લોકો મળ્યાં. જો કે મને સારી તક મળી ત્યાં સુધીનો મારો સમય ખાસ્સો મુશ્કેલ રહ્યો હતો. હું પહેલી વખત ઘરથી દૂર આવી હતી તેથી મને મારું ઘરક બહુ સાંભરતું હતું. હું અવિરત ઓડિશન આપતી હતી. કેટલીરક વખત પચાસ ઓડિશન આપ્યા પછી એકાદ મોકો મળતો. તો કેટલીક વખત એકેય તક ન મળતી. હું સવારના ઉઠીને આરામ નગર ખાતે ઓડિસન આપવા જતી. ત્યાર પછી ત્યાંના જ એક નાના રેસ્ટોરાંમાં જમી લેતી. સાંજે વાંદરા પરત ફરતી.
વાંદરામાં હું મારા જેવી અન્ય ચાર-પાંચ યુવતીઓ સાથે રહેતી હતી. કેટલીક વખત લાંબા સમય સુધી ઓડિશન આપવાની તક ન મલતી. હું આવી સ્થિતિમાં નિરાશ થઈ જતી ત્યારે મારી બહેન મને હિમ્મત અને ધરપત આપતી. તે મને કહેતી કે તું કંઈક કરવા મુંબઈ આવી છે તો કરી દેખાડ.
અદાકારા વધુમાં કહે છે કે એક વખત હું ઓડિશન આપવા જતી હતી ત્યારે કોઈકે મારા માટે એવી ટિપ્પણી કરી જે મારા હૃદય સોંસરવી ઉતરી ગઈ. બસ, તે વખતે જ મેં નક્કી કરી લીધું કે હવે તો કંઈક કરી બતાવવું છે. ત્યારબાદ ફાજલ સમયમાં હું વર્કશોપ કરતી. મારા માર્ગમાં મુશ્કેલીઓ તો ઘણી આવી. ઘણી વખત માતાપિતા પાસે ખોટું પણ બોલતી કે હુ મઝામાં છું.
અદાકારાની ફિલ્મમાં માત્ર પ્રેમ-પ્રણય જ નથી, બલ્કે જાતીય ભેદભાવને પણ બખૂબી રજૂ કરવામાં આવ્યો છે. આવા દ્રશ્યો ભજવતી વખતે તૃપ્તિને પોતાની સાથે વાસ્તવિક જીવનમાં થયેલા બેદભાવ સાંભરી આવતાં. અદાકારા કહે છે કે આપણે ત્યાં મહિલાઓને કેટકેટલાં પ્રકારના ભેદભાવનો સામનો કરવો પડે છે. મારા માટે આંચકાજનક વાત એ હતી કે મારો જન્મ જ અનેક લોકોને ખટક્યો હતો. તૃપ્તિ આ બાબતે કહે છે કે હું થોડી મોટી થઈ ત્યારે મને ખબર પડી કે હું પુત્રી તરીકે અવતરી તે ઘણાંને નહોતું ગમ્યું.
તેઓ મોઢું બગાડીને કહેતાં કે અરે, આ તો દીકરી આવી ગઈ. મેં અમારા સંબંધીઓમાં પણ ઘણી વખત જોયું-સાંભળ્યું છે કે બે-ત્રણ પુત્રીઓનો જન્મ થાય ત્યાં સુધી દીકરો ન અવતરે તો જે તે મહિલા પર પુત્રને જન્મ આપવાનું દબાણ વધી જાય. એમ કહીને કે વંશ તો દીકરો જ આગળ વધારશે.
તૃતિને એ વાતનું પણ આશ્ચર્ય છે કે ઉચ્ચ શિક્ષિત લોકો પણ પોતાના ઘરે કામ કરતાં લોકો સાતે કેટલું ખરાબ વર્તન કરે છે. તેઓ જ ઊંચ-નીચના ભેદભાવ સૌથીવધુ રાખે છે. એટલું જ નહીં, લોકો જાનવરો સાતે પણ કેટલી નિર્દયતાથી વર્તે છે.
અભિનેત્રીની ફિલ્મમાં જનૂની પ્રેમ દર્શાવવામાં આવ્યો છે. પરંતુ શું તૃપ્તિ વાસ્તવિક જીવનમાં આવી મહોબ્બતમાં ગિરફ્તાર થઈ છે ખરી?
આના જવાબમાં તે કહે છે કે ના, હજી સુધી હું જાન ન્યોછાવર કરી દઉં એવા પ્રેમમાં નથી પડી. અને જરૂરી નથી કે તમે કોઈ યુવક સાથે જ આવા પ્રેમમાં પડી શકો. તમે તમારા કોઈ પરિવારજન કે કામ સાતે પણ મરી ફીટવા જેટલો પ્રેમ કરી શકો. મને અભિનય પ્રત્યે આવો લગાવ છે. તે આ વાત સમજાવતાં કહે છે કે હું દિલ્હીમાં હતી ત્યારે અભિનય કરવા ઘણાં હવાતિયાં માર્યાં હતાં. પરંતુ મને ક્યાંયથી સકારાત્મક પ્રતિસાદ નહોતો મળ્યો. છેવટે મેં અભિનય કરવા મુંબઈની વાટ ઝાલી. જ્યારે મને દિલ્હીમાં કામ નહોતુ મળતું ત્યારે મને એમ કહેવામાં આવ્યું હતું કે હું મારા શિરે ચડેલું અભિનયનું ભૂત ઉતારી નાખું. પરંતુ મેં કોઈની વાત કાને ન ધરી અને અભિનયનું ભૂત મગજમાં યથાવત્ રાખીને મુંબઈ આવી ગઈ. હવે તેનું પરિણામ તમારી સામે છે.