- સિને મેજિક- અજિત પોપટ
ન કોઇ વિલન, ન ઢિશૂમ ઢિશૂમ, ન રેપનો કોઇ સીન, ન ગીતોમાં દ્વિઅર્ર્થી ભાવ...એકસો ટકા નિર્દોષ મનોરંજન પીરસતી કથા...લગભગ આપણે સૌએ અર્થાત્ ચિત્રલોકના મોટા ભાગના વાચકોએ આ પારિવારિક ફિલ્મ માણી હતી. લતા મંગેશકરે ગાયેલા એના એક ગીત દીદી તેરા દેવર દિવાના, હાય રામ કૂડિયોં કો ડાલે દાના... તો દરેક સિનેરસિકને ઘેલું લગાડયું હતું. સલમાન ખાન, માધુરી દીક્ષિત, મોહનીશ બહલ, રેણુકા શહાણે વગેરે કલાકારોએ અને એમની આ ફિલ્મ હમ આપ કે હૈં કૌને ઘણા બધા રેકર્ડ સર્જ્યા હતા, એંગ્રી યંગ મેનની એક્શન ફિલ્મોના ઉત્તરાર્ધમાં (૧૯૯૮માં) આવેલી આ ફિલ્મે પહેલવહેલી વાર ટિકિટબારી ખરા અર્થમાં છલકાવી દીધી હતી. એકસો કરોડથી વધુ કમાણી કરનારી આ પહેલી હિન્દી ફિલ્મ હતી.
પરંતુ, પ્લીઝ વેઇટ અ મિનિટ ! સિનેરસિકોને ખ્યાલ હશે કે હમ આપ કે હૈં કૌન ફિલ્મ રાજશ્રીની જ, એક દાયકા પહેલાં આવેલી ફિલ્મ નદીયા કે પારની સિક્વલ હતી. નદીયા કે પાર ૧૯૮૨માં રજૂ થયેલી બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ હતી. એ ફિલ્મ પણ સુપરહિટ નીવડી હતી. અઢાર લાખ રૂપિયામાં બનેલી એ ફિલ્મે સાડા પાંચ કરોડની કમાણી કરી હતી. જો કે મૂળ કરતાં સિક્વલ સવાયી સાબિત થયેલી. હમ આપ કે હૈં કૌન છ કરોડમાં બનેલી અને એકસો અઠ્ઠાવીસ કરોડની કમાણી કરી હતી. મૂળ ફિલ્મ ગ્રામ વિસ્તારમાં હતી. હમ આપ કે હૈં કૌનને આધુનિક શહેરી સ્વરૂપ અપાયું હતું. બંનેનું સંગીત પણ હિટ નીવડયું હતું. મૂળ આ બંને ફિલ્મો હિન્દી લેખક કેશવ પ્રસાદ મિશ્રની નવલકથા 'કોહબર કી શર્ત' પરથી બનેલી. સલમાન ખાનવાળો રોલ સચિને કરેલો. માધુરી દીક્ષિતવાળો રોલ સાધના સિંઘ નામની અભિનેત્રીએ કરેલો. આજે એનું નામ પણ કોઇને યાદ નહીં હોય. બંને મુખ્ય નાયિકાના પિતાનો રોલ પીઢ ગુજરાતી અભિનેતા વિષ્ણુકુમાર વ્યાસે કરેલો.
આપણે મૂળ ફિલ્મ નદીયા કે પારનાં ગીત-સંગીતની વાત કરવાની છે. ગીત અને સંગીત બંને રવીન્દ્ર જૈનનાં હતાં. કુલ છ ગીતો હતાં. એમાં એક ગીત રિપિટ હતું એટલે પાંચ ગીતો થયાં. હમ આપ કે હૈં કૌનમાં જેમ એક મસ્તીભર્યું સમૂહગીત હતું એમ નદીયા કે પારમાં પણ એક અત્યંત મધુર સમૂહગીત હતું. હેમલતા, જસપાલ સિંઘ, ચંદ્રાણી મુખરજી, સુશીલ કુમાર અને કોરસના કંઠમાં આ ગીતે રંગ જમાવ્યો હતો. જોગીજી ધીરે ધીરે, જોગીજી ધીરે ધીરે, વાહ જોગીજી, નદી કે તીરે તીરે, જોગીજી કોઇ ઢૂંઢે મૂંગા, કોઇ ઢૂંઢે મોતિયા, હમ ઢૂંઢે અપની જોગનિયા કો... હોરી કે ચૈતી જેવા ઉપશાીય ગીતપ્રકારો માટે વપરાતા રાગ કાફીમાં અને તાલ કહેરવામાં સ્વરબદ્ધ થયેલું આ ગીત એ દિવસોમાં ખાસ્સું લોકપ્રિય થયુ હતું.
એક મજેદાર રોમાન્સગીત આ રીતે રજૂ થયેલું- કૌન દિશા મેં લેકે ચલા બટુડિયા, ઠહર ઠહર, યે સુહાની ડગર, જરા દેખન દે... આ ગીતમાં પ્રકૃતિ અને માનવપ્રેમ બંને ભાવ ગીતકારે પ્રગટાવ્યા હતા. આ ગીત હેમલતા અને જસપાલ સિંઘના કંઠમાં હતું.
સામાન્ય રીતે ધીમા લયનાં ગીતો ધૂમ મચાવતા નથી. ક્યારેક અપવાદ રૂપે આવાં ગીતો જામી જાય છે. ગુજરાતી ભાષાની સંતવાણીમાં ચૌદ માત્રાનો દીપચંદી તાલ લોકપ્રિય છે. અહીં સંગીતકારે દીપચંદી તાલમાં અને નાનકડા ગણાતા રાગ ઝિંઝોટીમાં ગીત રૂપે સંવાદ આપ્યો છે. અથવા એમ કહીએ કે ઉતાવળા થતા નાયકને મધુર ડારો દીધો છે- જબ તક પૂરે ન હો સાત ફેરે, તબ તક દૂલ્હન નહીં દૂલ્હા કી, બબુઆ ઓ બબુઆ, પહુના ઓ પહુના, તબ તક બબુની નહીં બબુઆ કી... હળવા શબ્દોમાં પણ સરસ રીતે રમૂજ વણી લીધી છે. વાસ્તવમાં આ ફિલ્મમાં હિન્દી ઉપરાંત ઉત્તર પ્રદેશની ભોજપુરી અને અન્ય એક બોલીનો પણ સરસ ઉપયોગ થયો હતો. ઓડિયન્સને આ પ્રયોગ ગમ્યો હતો. આ ગીત પરદા પર રિપિટ થાય છે. બીજીવાર હેમલતાના (નાયિકાના) કંઠમાં છે.
નવવિવાહિતાને આવકારતાં એક મંગલ ગીત જસપાલ સિંઘના કંઠે રજૂ થયેલું. સાંચી કહે તોરે આવન સે હમરે આંગન મેં આયી બહાર ભૌજી, લક્ષ્મી સી સૂરત, મમતા કી મૂરત, લાખોં મેં એક હૈ હમાર ભૌજી... આ ગીતની તર્જ ઉત્તર પ્રદેશના લોકસંગીત પર તૈયાર થઇ હતી. પરદા પર આ ગીતે પણ સારી જમાવટ કરી હતી.
કથાને અનુરૂપ એક હૃદયસ્પર્શી ગીત હેમલતા સાથે સુરેશ વાડકરના કંઠમાં હતું. આ ફિલ્મમાં હીરોનું નામ ચંદન અને હીરોઇનનું નામ ગુંજા હતું. એટલે આ ગીતમાં બંને પાત્રોનાં નામ વણી લેવાયાં હતાં. ગુંજા રે, ચંદન, હમ દોનોં મેં દોનોં ખો ગયે, દેખો એક દૂસરે કે હો ગયે, રામ જાને વો ઘડી કબ આયેગી, જબ હોગા હમારા ગઠબંધન... અહીં છેડાછેડીના અર્થમાં ગઠબંધન શબ્દ વાપર્યો છે.
સતત ભાગદોડ અને ટેન્શનના આ યુગમાં ક્યારેક મન થાય તો આ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ પણ માણવા જેવી છે.


