- 'હું જ્યારે પણ કોઈ પાત્ર ભજવું છું ત્યારે એને નખશીખ માનવી તરીકે જ જોતો હોઉં છું. પ્રત્યેક રોલ માટે મારો આવો જ અભિગમ રહેતો હોય છે.'
ઓટીટી પ્લેટફોર્મસે આપણને ઘણાં બહુમુખી પ્રતિભા ધરાવતા એક્ટર્સ આપ્યા છે. વિપીનકુમાર શર્મા એમાનાં એક છે. તેઓ એક્ટર છે, એડિટર છે અને ફિલ્મમેકર પણ છે. હાલ વિપિન શર્મા હુમા કુરેશીનો લીડ રોલ ધરાવતી વેબ સીરીઝ 'મહારાની'ની ચોથી સિઝનમાં પોતાની ટેલેન્ટનો પરચો દાખવી રહ્યા છે. તેઓ આમિર ખાનની ફિલ્મ 'તારે ઝમીન પર' (૨૦૦૭)માં નંદકિશોર અવસ્થીનો રોલ કરી લાઈમલાઈટમાં આવ્યા હતા. ત્યાર બાદ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી)ના આ સ્ટુડન્ટે પાછું વળીને જોયું નથી. શર્માએ ત્યાર બાદ ગેંગ્સ ઓફ વાસ્સેપુર, કિક, પાતાલ લોક અને દેવ પટેલની અંગ્રેજી ફિલ્મ મન્કી મેનમાં પાવરફુલ પરફોર્મન્સ આપ્યું હતું.
પોલિટિકલ ડ્રામા મહારાની-૪ માં વિપિને રાની ભારતી (હુમા કુરેશી)ના નવા વેરીની ભૂમિકા કરી છે. વેબ શોના સ્ટ્રીમિંગ પહેલા શર્માએ એના પ્રમોશનરૂપે મીડિયા સાથે વિવિધ વિષયો પર ગોષ્ઠિ કરી એમની જિજ્ઞાાસા સંતોષી. આવા જ એક ઇન્ટરએક્શનમાં દિલ્હીના વતની વર્સેટાઈલ એક્ટરને પૂછાયું, 'સર, આપણાં દર્શકો વિલનને પ્રેમ અને નફરત બંને કરે છે. જ્યારે તમે ખલનાયકના તમારા પાત્રને કાર્ટુન જેવું હાંસીપાત્ર બનાવ્યા વિના એમાં ઊંડાણ લાવો છો.એ તમે કેવી રીતે કરી શકો છો?' જવાબમાં મીડિયાને પોતાની મેથડ સમજાવતા વિપિન કહે છે, 'મારું એવું માનવું છે કે દરેક વ્યક્તિ મૂળમાં તો હાડમાંસનો બનેલો માનવી જ છે. દરેકના સારા અને નરસા પાસા છે. વ્યક્તિ સારી છે કે ખરાબ એ બીજા લોકો નક્કી કરે છે. કોઈ પોતાને દુષ્ટ ગણતું નથી. એટલે હું જ્યારે પણ કોઈ પાત્ર ભજવું છું ત્યારે એને નખશીખ માનવી તરીકે જ જોતો હોઉં છું. પ્રત્યેક રોલ માટે મારો આવો જ અભિગમ હોય છે.'
બીજા સવાલમાં મીડિયામાંથી શર્માજીને એવું પૂછાયું કે 'મહારાનીમાં તમારું કેરેક્ટર તમે આજ સુધી ભજવેલા રોલ્સથી બિલકુલ ભિન્ન છે. તમે એને કઈ રીતે ન્યાય આપી શક્યા?' અભિનેતાના ઉત્તરમાં એમની અભ્યાસુ પ્રકૃતિની ઝલક વર્તાય છે, 'ખરું પૂછો તો મારે આ વખતે થોડુ વધુ સચેત રહેવું પડયું હતું કારણ કે મહારાનીની ત્રણ સિઝન આવી ચુકી હતી અને એનો એક વિશાળ દર્શક વર્ગ છે. હુમા, (પ્રોડયુસર) સુભાષ ભાઈ અને આખી ટીમે સીરિઝ માટે લાંબા સમય સુધી પરિશ્રમ કર્યો હતો. એટલે હું પૂરી તૈયારી સાથે રોલલ કરવા ઇચ્છતો હતો. મારે કોઈને મારા કામથી નિરાશ નહોતા કરવા. ઘણાં સમય પહેલાં મેં હોલીવૂડના એક્ટિંગ કોચ હેરોલ્ડ ગસ્કિનની એક બુક વાંચી હતી, જેમાં એમણે સંવાદોને કઈ રીતે જીવંત બનાવવા એની એક મેથડ બતાવી હતી. એમની મેથડ ફિજિકલ નહિ, પણ મેન્ટલ હોવાથી બહું ઇન્ટરેસ્ટિંગ છે. તેઓ કહે છે કે એક્ટર તરીકે તમારી લાઈનો ગોખવાને બદલે એના શબ્દોને તમારી બોડીમાં ફીલ કરો. સંવાદોને દિલોદિમાગથી આત્મસાત કરો. મેં આ ટેકનીકની પ્રેક્ટિસ માટે કોચિંગ સેશન પણ કર્યું. એ રીતે સંપૂર્ણ તૈયારી સાથે હું શોના સેટ પર ગયો.'
પત્રકારોની એ પછીની પૃચ્છા ઇન્ટરેસ્ટિંગ હતી, 'સર, અમે સાભળ્યું છે કે સંજીવ કુમારે રેડિયો પર આપેલા એક ઇન્ટરવ્યૂએ તમારા કરિઅરમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તો એ ઇન્ટરવ્યૂમાં સંજીવે એવું તે શું કહ્યું હતું?' શર્માજી એનો બહુ શાંતિથી જવાબ આપે છે, 'બહોત સમય પહેલે કી બાત હૈ. તબ મૈં હાઈ સ્કૂલ મેં થા ઔર એક્ટર બનને કે બારે મેં સોચ રહા થા. સંજીવજીને એ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તમારે જો એક્ટર બનવું હોય તો પહેલા થિયેટર કરો. એ વાત મારા દિલમાં ઉતરી ગઈ અને દિલ્હીના એક થિયેટર ગુ્રપમાં જોડાઈ મેં નાટકો કરવા માંડયા. પછી એનએસડીમાં જોડાયો. આમ એમના શબ્દોએ મને સાચો માર્ગ ચીંધ્યો.'
સમાપનમાં વિપિન શર્માને હોલીવૂડના એક્ટર-ફિલ્મમેકર દેવ પટેલ સાથે એમની 'મન્કી મેન' (૨૦૨૪)માં કામ કરવાના અનુભવ વિશે પૂછાય છે. એનો થોડા બેકગ્રાઉન્ડ સાથે ઉત્તર આપતા એક્ટર કહે છે, 'હું દેવ પટેલને મુંબઈમાં 'હોટલ મુંબઈ' ના શુટિંગ દરમિયાન મળ્યો હતો. અમારી વચ્ચે થોડી વાતચીત થઈ હતી. મન્કી મેનની સ્ટોરી લખતી વખતે તેમને હું યાદ આવ્યો અને એમણે ખરેખર મારા માટે જ એ રોલ લખ્યો. દેવ સાથે કામ કરવાનો અનુભવ અદ્ભુત હતો. તેઓ બહુ જ વિનમ્ર અને ઉદાર વ્યક્તિ છે. શૂટ દરમિયાન અમે સારા મિત્રો બની ગયા.
મન્કી મેનમાં મેં એક ટ્રાન્સજેન્ડરનું પાત્ર ભજવ્યું છે. મારે એ પાત્રને ડ્રામેટિક અને સ્ટીરિયોટાઈપ નહોતું બનાવવું. એકદમ માનવીય જ રાખવું હતું. એટલે મેં એક નાનકડુ કામ કર્યું. મારા નખ વધારી એમને રંગી દીધા. એ અરસામાં કોરોનાને કારણે મારા વાળ બહુ વધી ગયા હતા. એટલે એ એમ જ રહેવા દીધા. એને કારણે કેરેક્ટર સાથે કનેક્ટ થવામાં બહુ મદદ મળી.'


