Get The App

હુમા કુરેશીની સગાઈની અફવા : ખરી કે ખોટી?

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
હુમા કુરેશીની સગાઈની અફવા : ખરી કે ખોટી? 1 - image

- 'હું એક પબ્લિક ફિગર  હોવાથી લોકોને મારા જીવનમાં શું બની રહ્યું છે એ જાણવાની ઇચ્છા હોય છે. એમની આ જિજ્ઞાસા ખરેખર મજાની છે. લોકોમાં આ જિજ્ઞાસા નહીં રહે ત્યારે મને ટેન્શન થવા લાગશે...' 

સો નાક્ષી સિંહા અને બોલીવૂડમાં એની બેસ્ટ ફ્રેન્ડ હુમા કુરેશી વચ્ચે એક સામ્ય છે. બંને પોતાની લવ-લાઈફ વિશે ક્યારેય જાહેરમાં બોલતી નથી. પોતાની પ્રાઈવેટ લાઈફને બંને એકટ્રેસ એકદમ પ્રાઈવેટ જ રાખે છે. ઝહીર ઇકબાલ સાથે મેરેજ કર્યા પહેલા સોનાક્ષીએ ભૂલેચુકેય એની સાથેના અફેયરનો એકરાર નહોતો કર્યો. બંને વરસોથી ડેટિંગ કરતા હોવા છતાં. હમણાં હુમાની એના કહેવાતા બોયફ્રેન્ડ અને એક્ટિંગ કોચ રચિત સિંઘ સાથેની સગાઈની અફવા ફેલાઈ ત્યારે એણે એ વિશે ખુલાસો કરવાને બદલે સારા શબ્દોમાં પોતાનો આક્રોશ ઠાલવ્યો.

સપ્ટેંબરના બીજા પખવાડીયામાં વાયરલ થયેલા એક પિક્ચર સાથે સિંગર આકાશા સિંહે ઇન્સ્ટાગ્રામ પર એક કમેન્ટ મૂકતા હુમાએ રચિત સિંઘ સાથે વીંટી બદલી સગાઈ કરી લીધી હોવાની વાતો ઉડી હતી. હુમાએ એ બરાબર યાદ રાખી અને હમણાં એક ફેશન વીકમાં શો સ્ટોપર બન્યા બાદ એ વિશે પોતાનો પક્ષ રજુ કરતા કહ્યું, 'બીજુ તો હું શું બોલું? લોકો પાસે ઘણો બધો ફાજલ ટાઈમ છે. યોગ્ય સમય આવશે ત્યારે હું એ (એન્ગેજમેન્ટ) વિશે જાહેરાત કરીશ. પરંતુ હું એનાઉન્સ કરું એ પહેલા લોકોએ જ એની ઘોષણા કરી દીધી. જ્યારે એ (મેરેજ) થશે ત્યારે અમે તમને બધાને જાણ કરીશું. પરંતુ અત્યારે મારે શા માટે કોઈની શંકાનું સમાધાન કરવું જોઈએ? મેં તો એ પોસ્ટ મૂકી નહોતી. એ તો કોઈની કલ્પનાની ઉપજ હતી. બાકી, મારા મેરેજ થશે ત્યારે દરેકને એની જાણ થશે.'

આવી અટકળો તમને વિચલિત કરે છે ખરી એવું પૂછાતા પોતાના આઝાદ મિજાજ માટે જાણીતી હુમા કહે છે, 'નોટ એટ ઓલ, સર. હું એ વિશે વિચારતી પણ નથી. હું મસ્તીથી જીવું છું, ખુશ છું અને મારી લાઈફમાં શું બની રહ્યું છે એ જાણું છું. મારી મારા દર્શકો સાથેની નિરાબત મારા કામ પુરતી સીમિત છે. મારી પર્સનલ લાઈફ મારી અંગત બાબત છે.'

અલબત્ત, પોતે આવેશમાં થોડું વધુ પડતું બોલી ગઈ હોવાનું ભાન થતા પોપ્યુલર વેબ સીરિઝ 'મહારાની'ની નાયિકા વાત વાળી લેતા કહે છે, 'હું લોકોની કુતુહલવૃત્તિ સમજી શકું છું. હું એક જાહેર જીવનની વ્યક્તિ હોવાથી લોકોને મારા જીવનમાં શું બની રહ્યું છે એ જાણવાની ઇચ્છા હોય. એમની એ જિજ્ઞાાસા ખરેખર મજાની છે. જે દિવસે એ જિજ્ઞાાસા નહિ રહે ત્યારે મને એની ફિકર થઈ શકે છે. લોકોના આટલા બધા પ્રેમને કારણે મને કામ મળે છે. એની સામે મારે ચુકવવાની આવતી કિંમત બહુ નાની છે!'