- 'મને ફોર્મ્યુલામાં રસ નથી. મારે મારી પ્રતિભાના જોરે જ સ્ટાર બનવું છે'
૨૦૨૫માં હુમા કુરેશીની ફિલ્મી સફર અફલાતૂન રહી છે. આ વર્ષમાં તેણે દમદાર પરફોર્મન્સની હેટ-ટ્રીક કરી છે, જેમાં તેની વર્સેટિલિટી અને બીબાઢાળ ભૂમિકાઓથી દૂર રહેવાના નિર્ણયનું પ્રતિબિંબ પડે છે. 'મહારાની-૪', 'દિલ્હી ક્રાઈમ-૩' અને પોતાના જ પ્રોડક્શનની 'સિંગલ સલમા' સાથે હુમા કુરેશીએ સમગ્ર વર્ષ દરમિયાન નોંધપાત્ર ક્રિયેટિવ પપ્રગતિ કરી.
'દિલ્હી ક્રાઈમ-૩'માં ક્રૂર માનવ તસ્કર તરીકે તેના ભયાવહ ચિત્રણે દર્શકો તેમજ આલોચકો બંનેને સ્તબ્ધ કરી દીધા. અગાઉ વિનમ્ર, નૈતિક રીતે કેન્દ્રિત મહિલાની ભૂમિકા નિભાવવા માટે પ્રસિદ્ધ કુરેશીની ક્રૂર ખલનાયિકા તરીકેની છલાંગ મોટુ પરિવર્તન છે. કુરેશી કબૂલ કરે છે, 'ખલનાયિકાનું પાત્ર ભજવ્યા પછી મને રાક્ષસી અને દુષ્ટ કહેવામાં આવતી ત્યારે મને ખુશી થતી, કારણ કે તેનો અર્થ એવો થયો કે આઘાત આપનાર અને હિંસા આચરનાર મહિલાનું પાત્ર ભજવવામાં હું સફળ રહી છું.'
જોકે શરૂઆતમાં હુમા કુરેશી ખલનાયિકાનું પાત્ર સ્વીકારવાની બાબતે અવઢવમાં હતી, કારણ કે 'દિલ્હી ક્રાઈમ'ની અગાઉની સિઝનોમાં પોલીસ પ્રક્રિયા પર વધુ ધ્યાન અપાયું હતું, પણ જ્યારે સર્જકોએ તેને ગુનાખોરીના વિશ્વમાં ડૂબકી લગાવવાની તક આપી ત્યારે તેણે ઝડપી લીધી. તેને પોતાનો પરફોર્મન્સ વાસ્તવિક રાખવો હતો અને તેથી પોતાનું પાત્ર ખુદ દેહતસ્કરીમાં ફસાઈ ગયું હોવાની કલ્પના કરી. આ પાત્રનું હૃદય એટલું તો સંવેદનહીન થઈ ગયું છે કે તે નિર્દય બની જાય છે. દર્શકોના પ્રતિસાદ બાબતે આશંકિત હોવા છતાં હુમાનો જુગાર સફળ રહ્યો.
સાથે જ કુરેશીની 'મહારાની-૪'માં રાની ભારતી તરીકેની વાપસીની પણ ભારોભાર પ્રશંસા થઈ. પોતાના શહેરી, અંગ્રેજી શિક્ષણમાં થયેલા ઉછેરથી તદ્દન વિપરીત પાત્ર રાની ભારતી એના સૌથી પરિવર્તનકારી રોલ પૈકી એક છે. કુરેશી યાદ કરે છે કે કેવી રીતે દિગ્દર્શક સુભાષ કપૂરને તેનામાં એવી ક્ષમતા દેખાઈ હતી જેનાથી તે પોતે હજી સુધી અજાણ હતી.
જે ક્ષણે કુરેશીએ સ્ક્રીન ટેસ્ટમાં લાલ સાડી, રબરના સ્લીપર અને પરંપરાગત સિંદૂર ધારણ કર્યા ત્યારથી તે સંપૂર્ણ રીતે રોલને સમર્પિત થઈ ગઈ. સાધારણ ગ્રામ્ય મહિલામાંથી શક્તિશાળી રાજકીય હસ્તી બની જતી રાનીનું ચિત્રણ તેના માટે એક નિર્ણાયક અનુભવ બની રહ્યો. હુમા કહે છે, 'આ રોલે મારામાં વ્યક્તિગત તેમજ વ્યાવસાયિક રીતે મોટુ પરિવર્તન લાવી દીધું.'
હુમા કુરેશીની આકર્ષક ફિલ્મોગ્રાફીમાં અસાધારણ, બહુસ્તરીય પાત્રો માટેની એની ઈચ્છાનો પડઘો પડે છે. 'ગેન્ગ્સ ઓફ વાસેપુર'માં યાદગાર ડેબ્યુથી લઈને 'ડેઢ ઈશ્કિયા', 'બદલાપુર', 'કાલા', 'મોનિકા', 'ઓ માય ડાર્લિંગ' અને 'ડબલ એક્સએલ' સુધી હુમાએ સતત ઉત્તમ પરફોર્મન્સ આપ્યા છે. એ જણાવે છે કે કે તેની પ્રારંભિક કારકિર્દી વ્યૂહ નહીં, પણ સ્ફૂર્ણાથી પ્રેરિત હતી. તેનો કોઈ માર્ગદર્શક નહોતો, કોઈ ઇમેજ કન્સલ્ટન્ટ નહોતો. શરૂઆતમાં તો એ જે રોલ મળતા તે સ્વીકારી લેતી. 'વાસેપુરે' તેને ચમકાવી દીધી, પણ પોતાની ખરી કલાત્મક ઓળખ મેળવવા તેણે વર્ષો સુધી સંઘર્ષ કરવો પડયો.
ટર્નિંગ પોઈન્ટ 'મહારાની' દરમ્યાન આવ્યો, જ્યારે તેને અહેસાસ થયો તે મોટા પ્રોજેક્ટમાં આગેવાની લેવા સક્ષમ છે. તેણે સભાનપણે એવી ફિલ્મો અને રોલ પસંદ કર્યા જે તેને કોઈપણ ખચકાટ વિના કેન્દ્રમાં મૂકી દે. હુમા નિખાલસતાથી કબૂલ કરે છે, 'બોક્સ ઓફિસ સફળતામાં મને રસ છે, પણ તે કોઈ સમાધાન તરીકે નહીં,પણ સંપૂર્ણ અભિનય સફરના હિસ્સા તરીકે.'
તાજેતરમાં તેના પ્રોડક્શનની 'સિંગલ સલમા' અમુક પ્રકારની ફિલ્મો ન જ ચાલે તેવી જડ માન્યતા સામેની તેની લડાઈનો પડઘો પાડે છે. લગ્ન કરવા માટે દબાણનો સામનો કરતી મહિલા વિશેની આ ફિલ્મે માર્કેટિંગનો અભાવ અને ઓછી સ્ક્રીન્સને કારણે પડકારોનો સામનો કરવો પડયો. છતાં ઓટીટી પ્લેટફોર્મ્સ દર્શાવે છે કે હુમાની લોકપ્રિયતા પહેલાં જેટલી જ છે. 'દિલ્હી ક્રાઈમ-૩' અને 'મહારાની-૪' એક સાથે ટ્રેન્ડ કરી રહ્યા છે. હુમા કહે છે, 'દર્શકોને કંઈક અર્થસભર, બિનપરંપરાગત વાર્તાઓ જોઈએ છે, જોકે બોલિવુડની સિસ્ટમ હજી આ બાબતે ખચકાટ અનુભવી રહી છે.'
હુમાના આગામી પ્રોજેક્ટ્સમાં સાઉથ ઇન્ડિયન યશને હીરો તરીકે ચમકાવતી 'ટોક્સિક: એ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ' અને તેના પોતાના પ્રોડક્શનની 'બેબી ડુ ડાઈ ડુ'નો સમાવેશ થાય છે. હુમા કુરેશીનું ફોકસ સ્પષ્ટ છે - એ કોઈ પણ ફોર્મ્યુલા વગર, કેવળ પોતાની પ્રતિભા દ્વારા જ સ્ટાર તરીકે ઓળખાવા માગે છે.


