- અભિનેતાની પોષક તત્ત્વોથી ભરપૂર રંગબેરંગી પ્લેટ જોઈને ચાહકો પ્રભાવિતથયા...
- 'મારા ભોજનમાં પ્રોસેસ કરેલા કાર્બ કરતાં શાકભાજી વધુ હોય છે, પરિણામે મને પૂરતા પ્રમાણમાં વિટામીન અને ફાઈબર મળી રહે છે. વળી, આ પ્રકારના ભોજનમાં કેલેરી ઓછી હોવાથી ફિટનેસ જાળવવામાં મદદ મળે છે.'
બોલિવુડ સિતારાઓ જનસામાન્યને હમેશાંથી પ્રભાવિત કરતાં રહ્યા છે. માત્ર તેમની અદાકારીથી જ નહીં, બલ્કે તેમની સ્ટાઈલ, લુક, ફેશન, બોડી બિલ્ડિંગ અને ખાણીપીણી સુધ્ધાંથી. તાજેતરમાં સોહામણા-ટેલેન્ટેડ અભિનેતા ઋતિક રોશને વધુ એક વખત આ વાત પુરવાર કરી બતાવી હતી.
વાત જાણે એમ છે કે ઋિતિકે સોશિયલ મીડિયા પર પોતાનું ફિટનેસ રૂટિન શેર કરતી વખતે ફિટ એન્ડ ફાઈન રહેવા તે કયો અને કેવો આહાર લે છે તે જણાવ્યું હતું. તેણે સ્પષ્ટ કર્યું હતું કે તેનું સ્નાયુબધ્ધ શરીર માત્ર બાહ્ય વર્કઆઉટ પર આધારિત નથી. તે સ્વસ્થ રહેવા ચોક્કસ પ્રકારનો આહાર લે છે. ૫૧ વર્ષીય અભિનેતાએ સોશ્યલ મીડિયા પર દર્શાવેલી પ્લેટમાં ગ્રીન સૉસમાં બોળેલું હળવું પ્રોટીન, ફણગાવેલા કઠોળ, ઝુકિની, બેલ પેપર્સ, બ્રોકલી, ગાજર જેવી વિવિધરંગી પૌષ્ટિક વસ્તુઓ સ્પષ્ટ દેખાતી હતી. તેની પ્લેટ સંખ્યાબંધ પોષક તત્ત્વોથી ભરપૂર ખાદ્ય પદાર્થોથી એટલી સરસ રીતે સજાવેલી હતી કે જોતાંવેંત ખાવાનું મન થઈ જાય. અભિનેતાની અન્ય એક પ્લેટમાં ખમણેલું બીટ અને કેળું દેખાતાં હતાં.
ઋત્વિકે આ તસવીરો સાથે લખ્યુ ંહતું તમે ઓછું ખાઓ, પણ પ્લેટ એવી રીતે સજાવો કે તેમાં ભરપૂર ખાણું હોય એવું લાગે. તમે તમારો આહાર મોજથી માણો. તેણે વધુમાં લખ્યું હતું કે ભરપૂર દેખાતી આ પ્લેટમાં કેલેરી તદ્ન ઓછી છે. જ્યારે ફાઈબર અને અન્ય પોષક તત્ત્વો પુષ્કળ પ્રમાણમાં. મારા ભોજનમાં પ્રોસેસ કરેલા કાર્બ કરતાં શાકભાજી વધુ હોય છે, પરિણામે મને પૂરતા પ્રમાણમાં વિટામીન અને ફાઈબર મળી રહે છે. વળી, આ પ્રકારના ભોજનમાં કેલેરી ઓછી હોવાથી ફિટનેસ કેળવવામાં મદદ મળે છે.
જો કે આ પોસ્ટ જોયા પછી નેટિઝનોએ મિશ્ર પ્રતિભાવો આપ્યા ંહતા. કેટલાંકે કહ્યું હતું કે અમે આવો પૌષ્ટિક આહાર લેવાનું તો જાણે કે વિસરી જ ગયા હતા, પરંતુ હવે અમે પણ તમારીપાસેથી પ્રેરણા લઈને ઓછી કેલેરી અને ભરપૂર રેષા-વિટામીનો ધરાવતું ભોજન લઈશું. ઘણા નેટિઝનોએ અભિનેતાની પ્લેટ અને સ્નાયુબધ્ધ શરીર જોઈને પૂછ્યું હતું કે આ શું 'ક્રિસ-૪'ની તૈયારી છે?


