માસૂમ શેખર કપૂર પીઢ ફિલ્મમેકર કેવી રીતે બન્યા?
- અનેક પ્રોજેક્ટ અભેરાઇ પર છતાં શેખર કપૂરનો કામ કરવાનો ઉત્સાહ અકબંધ
જેમની પહેલી ફિલ્મ માસૂમ ૧૯૮૩માં રજૂ થઇ એને ક્લાસિક બની ગઇ તે શેખર કપૂર હવે આ ફિલ્મની સિક્વલ નામે માસૂમ: નેક્સ્ટ જનરેશન બનાવી રહ્યા છે. તેના નિર્માતા તરીકે સુધીર મિશ્રાનો ઉત્સાહ પણ માતો નથી. પણ રિબેલિયન અને માવેરિક શેખર કપૂર આ ફિલ્મનું નિર્દેશન ક્યારે પુરૂ કરશે તે કોઇને ખબર નથી. ખુદ શેખર કપૂરને પણ નહીં. આ પ્રતિભાશાળી નિર્દેશક ની ફિલ્મ કારકિર્દીની શરૂઆત અને માસૂમ ફિલ્મ કેવી રીતે બની તેની વાત પણ તેમના શબ્દોમાં એટલી જ રોમાંચક લાગે છે.....
હું જ્યારે પંદર-સોળ વર્ષનો કિશોર હતો એ જમાનાનું ભારત આજના ઇન્ડિયા કરતાં સાવ અલગ હતું. ઇન્ટરનેટ નહોતું માત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડિયા હતું. એસટીડી નહીં, લેન્ડ લાઇન ફોન સુદ્ધાં નહીંં. એવું લાગતું હતું કે બધું રોમાંચક તો અન્યત્ર જ બને છે. તમે જ્યારે યુવાન હો ત્યારે તમને દુનિયા ખૂંદવાનો નાદ લાગે. પણ એ સમયે જો તમારે વિદેશ જવું હોય તો પહેલાં આરબીઆઇ પાસે જવું પડતું. દરે બે વર્ષે એક જ વાર વિદેશ જવા મળતું. તે પણ માત્ર વીસ ડોલરની રકમ લઇને. આ વીસ ડોલર મેળવવા તમારે ભયંકર પી ફોર્મ ભરવું પડતું. આજે પણ પી ફોર્મ એમ બોલું તો મને દુસ્વપ્ન આવે છે. આ હદે આપણે દુનિયાથી કપાયેલાં હતા. લોકો એમ કહે છે કે ભારત વિશાળ દેશ છે પણ પંદર-સોળ વર્ષની વયે તો તમને દુનિયા વિશે જાણવાની અનહદ તાલાવેલી હોય.
હું લંડનમાં મધ્યમવર્ગનો માણસ હતો અને મને યાદ છે હું એક વાર મીક જેગરને મળ્યો હતો.મેં તેમને કહ્યું હતું તમે મારી બળવાખોરીનો હિસ્સો છો. તેમણે પૂછેલું, કેવી રીતે? મેં જણાવ્યું હતું , તમે જ્યારે હાઇડ પાર્કમાં ગાયું કે આ કાન્ટ ગેટ નો સેટિસફેકશન ત્યારે હું ત્યાં હતો. આ ફ્રી કોન્સર્ટ હતી. એક રીતે જોઇએ તો અલગ દુનિયાનું અસ્તિત્વ હતું અને હું તેનો હિસ્સો બની શકતો હતો. આ મારી બળવાખોરી હતી. પણ તમારે બળવો કરવા સામે પણ કઇંક જોઇએ. મેં મારા પર લાદવામાં આવેલી નૈતિકતા સામે બળવો પોકાર્યો હતો. મેં જેને અનૈતિક કહેવાય તે બધું જ કર્યું. મારા હોર્મોને પણ તેમાં મને મોટી મદદ કરેલી. પણ આ મારો પ્રથમ બળવો હતો, એ પછી મારો બીજો બળવો તમારે જીવનમાં શું કરવું છે તેની તમને ખબર હોવી જોઇએ એમ કહેનારાઓ સામે હતો. મારો તો આ વિચાર સામે જ વાંધો હતો. નોકરી, પેન્શન અને યોજના તમારી પાસે હોવા જોઇએ એમ દરેક જણને ઠસાવી દેવાતું હતું. મને સમજાયું કે દરેક ભારતીયના મનમાં જે એક શબ્દ ભોંકી દેવામાં આવ્યો છે તે કારકિર્દીને મારે ફગાવી દેવો પડશે. લોકો એમ કહે છે કે મેં ફિલ્મો કરવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટસી છોડી. ના. મેં એકઉન્ટસી છોડવા માટે જ એકાઉન્ટસી છોડી.
એકવાર હું તેને લેવા એરપોર્ટ ગયો અને તેને હું મારી નિર્માતાઓ સાથેની બેઠકોની વાતો કરતો હતો. તેને હું આશા રાખવા સમજાવતો હતો, ત્યાં અચાનક અમે એક મોટા ફિલ્મસામયિકના હોર્ડિંગ પાસેથી પસાર થયા. જેના પર લખ્યું હતું, બીગેસ્ટ લુઝર ઇન ટાઉન-શેખર કપૂર. મેં તેની આંખોમાં આંસું આવી ગયેલાં જોયાં. પણ મારા પર તેની કોઇ અસર થઇ? ના, આ તો સાહસનો જ એક હિસ્સો હતો.
માસૂમ કોઇએ ના પાડી એટલે નહીં પણ બાય ચાન્સ બની હતી. દિલ્હીમાં મેં અર્ધસત્ય જોઇ હતી અને એક પેટ્રોલ પંપ પર મારો સ્કૂલનો જુનિયર મને ઓળખી ગયો. મેં તેને ફિલ્મને બેકિંગઆપવા જણાવ્યું. તેણે આપ્યું.ફિલ્મ હીટ. એ નિર્માતા દેવી દત્ત પછી કહે તું કશુંક નિર્દેશન કર. મારી પાસે પટકથા હતી -બર્દાશ્ત. અમે ફિલ્મ પીચ કરી પણ ફાયનાન્સિયર બગાસાં ખાવા માંડ્યા. મેં દિવાલ પર બાળકોની તસવીર જોઇ અને મેં માસૂમનીકથા માંડી દીધી. દેવી ટેબલ નીચે મને પગમાં લાતો મારતો રહ્યો. આમ, માસૂમનો જન્મ થયો. અને હવે લોકો કહે છે, શું ફિલ્મ બનાવી છે. એ સમયેે મારી પ્રથમ પત્ની મેધા ગુજરાલને મળવા જતો રહેતો હતો. ગુરૂદત્તના બે પુત્રો તરૂણ અને અરૂણ. તેમાં તરૂણ પાલી હિલ પર રહેતો. હું તેના જવાની રાહ જોતો જેથી હું ગુરૂદત્તના ઘરમાં મેધા સાથે એકલાં સમય પસાર કરી શકું. તેના અક્ષરો સરસ હતા. એક પખવાડિયામાં તો મેં તેને મારી આખી સ્ટોરી નેરેટ કરી આપી. માસૂમની પટકથા લખીને હું ગુલઝારસાહેબને મળવા ગયો. નાસમજની જેમ મેં તેમને કહ્યું, દેખો, મૈં ને લિખ દિયા. તેમણે મારી સામે જોયું અને કહ્યું, યે સ્ક્રિપ્ટ થોડી હૈ યે બાઇબલ હૈ. હું કદી આ વાત ભૂલ્યો નથી. તે એટલા સારા કે તેમણે ફિલ્મના ગીતો લખવા માટે અમે બેંન્ગલોરની વેસ્ટ એન્ડ હોટેલમાં રહી શકીએ તે માટે નાણાં ચૂકવેલાં. મેં કદી ફિલ્મમેકિંગનું કોઇ પુસ્તક વાંચ્યું નહોતું કે હું કદી કોઇનો સહાયક નિર્દેશક રહ્યો નહોતો. બસ, મને માસૂમ ફ્લ્મિ બનાવવામાં રસ હતો.
વળી દેવી દત્ત એવા નિર્માતા હતા જેમને હું શું કરી રહ્યો છું તેની ગતાગમ પડતી નહોતી. એકવાર તે મને કહે રો સ્ટોક ખલાસ થઇ ગયો છે, શેખર હવે શૂટિંગ નહીં કરી શકાય. પણ મને ખબર હતી કે તે તેમના બેડની નીચે થોડો સ્ટોક રાખતા હતા. સવારે તે ઉઠે તે પહેલાં જ અમે તે સ્ટોક તફડાવી શૂટિંગ કરવા જતાં રહેલાં. નિર્માતાને ખબર જ ન હોય અને અમે શૂટિંગ કરી લેતાં. ધ બર્નિંગ ટ્રેનના અકસ્માત બાદ રેલવેએ ફિલ્મના શૂટિંગ કરવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. મારે માસૂમના ક્લાઇમેક્સમાં રેલેવે પ્લેટફોર્મની જરૂર હતી. મે નસીર, સતીશ અને સુપ્રિયાને આગળના સ્ટેશને રિહર્સ કરવા જણાવ્યું. મેં એ સમયે જ પ્લેટફોર્મ પર કેમેરા સંતાડી દીધેલાં. તેઓ આગલાં સ્ટેશને ઉતર્યા એક્ટિંગ કરી અને ફ્રેમની બહાર જતાં રહ્યા. એક જ ટેકમાં શોટ ઓકે, ગેરિલા ફિલ્મમેકિંગ.
હવે જ્યારે મેં નસીરને જણાવ્યું કે હું માસૂમ: નેકસ્ટ જનરેશન કરી રહ્યો છું ત્યારે તેણે આંખમાં આવતાં પાણીને ખાળીને હા પાડી દીધી. શબાનાએ પણ આ રીતે જ હા પાડી. શબાનાએ કહ્યું આપણે પટકથા અને પાત્રો વિશે દલીલો કરીશું અને બીજું ઘણું બધું. પણ પહેલી વાત મ્યુઝિકની હતી.
મારી બળવાખોરી સરહદો આંકવા સામે રહી છે. આપણે કઇ સરહદો નક્કી કરી જીવીએ છીએ? આ તો વાજબીપણાંના બોક્સ છે. બી રિઝનેબલ કોઇ બોલેને મારો મિજાજ છટકે છે. મારા મતે આ શબપેટી છે. આપણે તો અનરિઝનેબલ બનીએ. કારણે કે સર્જનાત્મકતા, કવિતા, પ્રેમ કે ફિલ્મ..આ બધું અનરિઝનેબલ છે. પણ તે જ તો આપણને માણસ બનાવે છે. આ જ તો એઆઇ ન કરી શકે. એઆઇ તર્કને અનુસરે. કારણ વિનાના ગોટાળાં સમજવા એ તેનું કામ નહીં. આ જ કારણે તો રહેમાન સંગીત સર્જે છે, જાવેદ અખ્તર લખે છે અને હું ફિલ્મ બનાવું છું.
વેલ સેઇડ...માસ્ટર ફિલ્મમેકર!