Get The App

નેહા ધૂપિયા 23 કિલો વજન શી રીતે ઘટાડયું?

Updated: Aug 1st, 2024

GS TEAM

Google News
Google News
નેહા ધૂપિયા 23 કિલો વજન શી રીતે ઘટાડયું? 1 - image


- 'મેં રોજિંદા આહારમાંથી ખાંડની બાદબાકી કરી નાખી. ડિનર અને પછીના દિવસના લંચ વચ્ચે ૧૪ કલાકનું અંતર રાખતી. રોજ નિશ્ચિત સમયે જ જમી લેવાનું. એમાં કોઈ બાંધછોડ નહીં.'

થોડાં સમય પહેલા અભિનેત્રી નેહા ધૂપિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર પોતાના બે ફોટા મૂક્યાં હતાં જે જોઈને નેટિઝનો ચોંકી ઉઠયા હતા. એક ફોટામાં નેહાનું શરીર એકદમ ભરાવદાર દેખાતું હતું જ્યારે બીજા ફોટામાં તે ખાસ્સી પાતળી દેખાઈ રહી હતી. વાસ્તવમાં નેહાએ છેલ્લા દોઢેક વર્ષમાં ૨૩ કિ.ગ્રા. જેટલું વજન ઘટાડયું છે જેને પગલે તેનો બાંધો એકવડો દેખાતો હતો. અલબત્ત, આટલું વજન ઘટાડવા તેને પુષ્કળ જહેમત લેવી પડી હતી. પરંતુ તેણે ધાર્યું નિશાન પાર પાડયું છે.

અદાકારા કહે છે કે બે પ્રસૂતિ પછી મારું વજન ૧૭ કિ.ગ્રા. જેટલું વધી ગયું હતું. હું જ્યાં જતી ત્યાં લોકો મારી પુષ્ટ કાયાની વાતો કરતાં અને મને વજન ઓછું કરવાની સલાહ આપતા. છેવટે મેં મારું વજન ઘટાડવાનો નિર્ણય કર્યો. અને દોઢ વર્ષમાં મેં ૨૩ કિ.ગ્રા. વજન ઓછું કર્યું. અલબત્ત, આ કામ એટલું સહેલું નહોતું. પરંતુ મેં તેને માટે મહેનત કરવામાં પાછીપાની નહોતી કરી. અને મારી આ યાત્રા હજી પણ જારી છે. મારા શરીરમાં જામેલી ચરબી ઉતારવામાં મને બે ટ્રેનરોએ મદદ કરી. મેં અત્યંત કઠિન વર્કઆઉટ કર્યાં. તેને કારણે મારા અંગેઅંગ જાણે તૂટતાં. પરંતુ મેં હથિયાર હેઠાં ન મૂક્ય. તેના સિવાય મેં રોજિંદા આહારમાંથી ખાંડ અને ગ્લૂટેનની બાદબાકી કરી નાખી. સાથે સાથે લોંગ અવર ફાસ્ટિંગના ભાગરૂપે દરરોજ બે ભોજન વચ્ચે ૧૪ કલાકનું અંતર રાખતી. હું બપોર અને રાતનું ભોજન નિર્ધારિત સમયે લઈ લેતી. તમે ક્યારેય શોર્ટકટમાં વજન ઓછું ન કરી શકો. ૨૩ કિ.ગ્રા. વજન ઘટયા પછી મારો આત્મવિશ્વાસ વધ્યો છે. હું હજી વધુ વજન ઘટાડવાની રાહ પર છું.

જોકે એવું નથી કે નેહાએ અગાઉ પોતાની ફિટનેસ પ્રત્યે ધ્યાન નથી આપ્યું. તે હમેશાંથી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહી છે. પરંતુ બે સંતાનોને જન્મ આપ્યા પછી વધી ગયેલું વજન ઘટાડવું સહેલું નથી હોતું. તમે મક્કમ મનોબળ સાથે વ્યાયામ, યોગ કરો, તમારી જીવનશૈલી, આહાર-વિહારમાં રહેલી ઊણપો દૂર કરીને નિયમિતતા લાવો તો જ ફરીથી એકવડો બાંધો બનાવી શકો. નેહાએ પણ આ માર્ગ જ અપનાવ્યો હતો. તે કહે છે કે મેં મારી તુલના અન્ય કોઈ સાથે નહોતી કરી, બલ્કે મારા અગાઉના બાંધા-વજન સાથે જ કરી હતી. મેં મારી જાતને વ્યાયામ, યોગ, નવી આહારશૈલી માટે તૈયાર કરી. સૌથી પહેલા તો મેં ૧૦૦ મીટરની દોડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને આત્મવિશ્વાસ કેળવ્યો. હું મારા શારીરિક સંકેતોને ઓળખવા લાગી હતી.

નેહા વધુમાં કહે છે કે કેટલીક વખત લોકોને એમ લાગતું કે મારા માટે આ વ્યાયામ અપૂરતો છે. પરંતુ કસરત શરૂ કરવાથી પહેલા અડધા કલાકનું વૉર્મ-અપ સેશન, કોર સ્ટ્રન્થનિંગ એક્સસાઇઝનું ૪૦ મિનિટનું સેશન અને ૨૦ મિનિટનું લેગ સ્ટ્રેચિંગ પણ આ કસરતના ભાગ હોય છે. તદુપરાંત મારો ટ્રેનર મને સ્પ્રિન્ટ કરવાનું કહે ત્યારે હું પૂરેપૂરું જોર લગાવું છું. ત્યાર પછીના બે દિવસ હું આરામ કરું છું. ત્યાર બાદ બે અઠવાડિયા સુધી દરરોજ સાત કિ.મી. દોડું છું. મને વરસતા વરસાદમાં હુડી પહેરીને દોડવાનું પણ ગમે છે. વાસ્તવમાં રનિંગ, સ્ટ્રેન્થનિંગ એક્સસાઇઝ અને યોગ મારા વ્યાયામના ભાગ છે. અને આ ત્રણે હું અઠવાડિયામાં ત્રણ ત્રણ વખત કરું છું. જોકે બે સંતાનોને ઉછેરવા સાથે આટલી એક્સસાઇઝ માટે સમય ફાળવવો અને વ્યાવસાયિ કાર્યો પણ જારી રાખવાને પગલે અભિનેત્રીનું સામાજિક જીવન મોળું પડી ગયું છે. તે કહે છે કે જો હું કોઈ પાર્ટીમાં જાઉં તોય ૧૦ વાગે પાછી નીકળી જાઉં જેથી બીજા દિવસે મારા બાળકો પાછળ પૂરતો સમય આપી શકું. સાથે સાથે મારી આઠ કલાકની ઊંઘ પણ પૂરી કરી શકું. જો તમને સ્વસ્થ રહેવું હોય, વજન ઘટાડયા પછી ઘટેલું વજન જાળવી રાખવું હોય તો કસરત અને યોગ્ય આહારશૈલી ઉપરાંત પૂરતી ઊંઘ પણ એટલી જ જરૂરી છે. 

Tags :