વિવેક અગ્નિહોત્રીની 'ધ વેક્સિન વૉર' માધવનને કેવી લાગી?

આ ર. માધવન એક સારો એક્ટર હોવા ઉપરાંત કાબેલ ડિરેક્ટર પણ છે. માધવને પોતાની ડિરેક્ટર તરીકેની પહેલી જ ફિલ્મ 'રોકેટ્રી ઃ ધ નામ્બિ ઇફેક્ટ' માટે તાજેતરમાં બેસ્ટ ફીચર ફિલ્મ માટેનો નેશનલ એવોર્ડ જીતીને એનો પુરાવો આપી દીધો છે. 'રોકેટ્રી ઃ ધ નામ્બિ ઇફેક્ટ' આપણાં અગ્રીમ હરોળના રોકેટ સાયન્ટિસ્ટ નામ્બિ નારાયણની બાયોપિક છે. ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ માટે એક વિજ્ઞાાનીની જીવનકથા પર પસંદગી ઉતારીને માધવને પોતે ફિલ્મમેકિંગ બાબતમાં કેટલો સીરિયસ છે એનો નિર્દેશ આપી દીધો હતો. આ બધુ જોતા એક્ટર-ડિરેક્ટરના ઓપિનિયનને સૌ કોઈ મહત્ત્વ આપે એ સ્વાભાવિક છે.
હમણાં માધવને 'ધ કાશ્મીર ફાઈલ્સ' ફેમ ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મ 'ધ વેક્સિન વૉર' યુએસમાં યોજાયેલા એક સ્પેશિયલ સ્ક્રિનિંગમાં જોઈ. ફિલ્મ કપરા કોવિડ કાળમાં ભારતીય વિજ્ઞાાનીઓએ કોરોનાની કોવેસ્કિન વિકસાવવા કરેલા આકરા સંઘર્ષની સ્ટોરી છે. આ ફિલ્મ બનાવીને વિવેક અગ્નિહોત્રીએ ભારતના ડૉક્ટરો અને વિજ્ઞાાનીઓએ કોરોના મહાનારી દરમિયાન દાખવેલી અપ્રતિમ નિષ્ઠા અને કર્તવ્યપરાયણતાને ટ્રિબ્યુટ આપી છે. ૧૫ ઓગસ્ટે ફિલ્મનું ટીજર રિલિઝ થયા બાદ લોકોમાં ચર્ચાનો વિષય બન્યું હતું. હવે માધવને ઇન્સ્ટાગ્રામ પર 'ધ વેક્સિન વૉર' વિશે એક લાંબી પોસ્ટ શેયર કરીને બોલીવૂડના અગ્રણીઓમાં ફિલ્મ જોવાની તાલાવેલી વધારી દીધી છે.
માધવન ઇન્સ્ટાગ્રામ પરની પોતાની પોસ્ટમાં લખે છે, 'હમણાં જ 'વેક્સિન વૉર' જોઈ. ફિલ્મમાં ભારતની પહેલી કોવિડ વેક્સિન બનાવવા આપણાં વિજ્ઞાાનીઓએ આપેલા સર્વોચ્ચ બલિદાન અને એમની શિખરને આંબતી અચીવમેન્ટ્સ જોઈને હું તો આભો જ બની ગયો. માસ્ટર સ્ટોરીટેબલ વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મ બનાવીને ઇન્ડિયન સાયન્ટિસ્ટોને સલામ કરી છે. ફિલ્મ જોઈને તમે આનંદ, ઉત્સાહ, ઉન્માદની સાથોસાથ ખેદ અને દુઃખનો પણ અનુભવ કરશો. દર્શકોએ એક પછી એક ઘણી બધી લાગણીમાંથી પસાર થવાનું આવશે.'
'વેક્સિન વૉર'માં નાના પાટેકર, અનુપમ ખેર, રાયમા સેન અને પલ્લવી જોશીની પ્રભાવશાળી સ્ટારકાસ્ટ છે. માધવન તમામ એક્ટરોને બિરદાવતા પોસ્ટમાં આગળ કહે છે, 'સમગ્ર સ્ટારકાસ્ટનું પરફોર્મન્સ આકાશમાં ચળકતા તારા જેવું સુંદર છે. દરેક એક્ટરે સિનેમાના પડદા પર ભારતના સાયન્ટિસ્ટોના બલિદાન અને ધૈર્યનું સુંદર નિરુપણ કર્યું છે. 'ધ વેક્સિન વૉર'ની ટીમને મારી સલામ. ભારતીય વિજ્ઞાાનીઓનો એમના સુપ્રિમ સેક્રિફાઇસ માટે આભાર માનીએ એટલો ઓછો છે. મહામારી સામેની લડતમાં એમના અમૂલ્ય યોગદાનનો આપણે સૌએ ઋણ સ્વીકાર કરવો જ રહ્યો એટલે થિયેટરોમાં જઈને આ ફિલ્મ જોવાનું રાખજો. ફિલ્મમાં સાયન્ટિસ્ટો ઉપરાંત લોકડાઉન દરમિયાન આપણાં માટે જીવાદોરી બની જનાર સુપરવિમેનની પણ વાત છે. લોકડાઉનમાં આપણી જીજીવિષાને બળ પૂરુ પાડનારી ગૃહિણીઓ અને ઘરનોકરાણીઓ આપણાં માટે સુપરવિમેન જ છે.'