Get The App

એહસાન નૂરાનીએ જીંગલ્સથી ફુલલેન્થ ફિલ્મો તરફ લોન્ગ જમ્પ શી રીતે માર્યો?

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
એહસાન નૂરાનીએ જીંગલ્સથી ફુલલેન્થ ફિલ્મો તરફ લોન્ગ જમ્પ શી રીતે માર્યો? 1 - image

- સિને મેજિક- અજિત પોપટ

- દુનિયાભરના ગિટારવાદકો માટે 'મસ્ટ' ગણાય એવી અમેરિકન ઇલેક્ટ્રિક ગિટાર ફેન્ડર બ્રાન્ડની સિગ્નેચર ટયુન એહસાન નૂરાનીએ તૈયાર કરી છે. એહસાને આ સિગ્નેચર ટયુનની આખી સિરીઝ બનાવી છે, જે 'ધી એહસાન નૂરાની ફેન્ડર સ્ક્વાઇઝર સિરીઝ'ના નામે જગવિખ્યાત છે.

ફિલ્મ સંગીતના અમર અકબર એન્થનીનો પરિચય મેળવવાનો આરંભ આપણે કર્યો છે. અમરને તો મળ્યા. આજે અકબરને મળીએ. ફિલ્મ સંગીતનો આ અકબર જન્મે અને ધર્મે મુસ્લિમ છે. વ્યવસાયે સંગીતકાર છે. સૌથી વધુ મહત્ત્વની વાત એ છે કે એક ફિલ્મમાં સંગીત આપવાની ઓફર સૌથી પહેલાં આ અકબર અર્થાત્ એહસાન નૂરાનીને મળેલી. એણે શંકર મહાદેવન ઉપરાંત એન્થની તરીકે જાણીતા લોય મેન્ડોન્સાનો સંપર્ક સાધ્યો. પરિણામે આપણને શંકર-એહસાન-લોય નામની સંગીતકાર ત્રિપુટી મળી. આટલી પ્રસ્તાવના પછી હવે એહસાન નૂરાનીને મળીએ. 

એહસાન નૂરાનીનો જન્મ મુંબઇમાં થયો. એના પરિવારમાં કોઇને સંગીત સાથે કશી લેવાદેવા નહોતી, પરંતુ એહસાન સાવ કૂમળી વયથી સંગીત તરફ આકર્ષાયો હતો. થોડો સમજણો થયા પછી એને એક સરસ ઇસાઇ સંગીતગુરુ મળી ગયા. બિસ્માર્ક રોડ્રિગ્સ નામના આ ગુરુ પાસે એણે ગિટારવાદન શીખવાનું શરૂ કર્યું. આ શોખ એને એવો ગમી ગયો કે કલાકો સુધી ગિટાર વગાડયા કરતો. એને લઇને એને મુંબઇના બે સ્થાનિક બેન્ડમાં ગિટાર વગાવાની તક મળી. એ એવું ગિટાર વગાડતો કે બેન્ડના બીજા બધા સંગીતકારો મુગ્ધ થઇ જતા. હવે જો એના સાથીદારો આટલી હદે મુગ્ધ થઇ જાય તો ઓડિયન્સનો પ્રતિભાવ કેટલો સરસ હોઇ શકે એ સમજી શકાય એવી વાત છે. 

જોકે એહસાનને આટલા માત્રથી સંતોષ નહોતો. એને સંગીતમાં આગળ વઘવું હતું. એ તક એને અમેરિકાની એક આઇટી કંપની દ્વારા મળી. ગોલ્ડન સ્ટાક ટેકનોલોજી (જીએસટી) નામની લોસ એન્જલસ શહેરમાં આવેલી કંપની આમ તો આઇટી સોલ્યુશનનો વ્યવસાય કરે છે. સાથોસાથ સાન્ટા મોનિકા પબ્લિક લાયબ્રેરી માટે બેકગ્રાઉન્ડ મ્યુઝિક ક્ષેત્રે પણ સક્રિય છે. એહસાનને આ કંપનીમાં કામ કરવાની તક મળી એ એહસાને તરત ઝડપી લીધી. થોડાં વરસ અહીં કામ કર્યા પછી એને મુંબઇ યાદ આવ્યું અને એ લોસ એન્જલસથી મુંબઇ પાછો ફર્યો. મુંબઇમાં એને જીંગલ્સ તૈયાર કરવાનું કામ મળતું થયું. શરૂમાં એ બીજા સંગીતકારો સાથે ગિટારવાદક તરીકે જીંગલ્સ તૈયાર કરવામાં નિમિત્ત બનતો. 

એ વનરાજ ભાટિયા, લુઇ બેંક્સ વગેરે ટોચના જીંગલ્સ સંગીતકારો સાથે કામ કરતો રહ્યો. રમિયાન, એડવર્ટાઇઝિંગ વિશ્વમાં એના કામની નોંધ લેવાતી થઇ. મેજિક બોક્સ પ્રોડક્શન્સ કંપનીએ એને સોની સ્પાઇસ બ્રાન્ડ માટે એક જીંગલ સ્વતંત્ર રીતે તૈયાર કરવાની જવાબદારી સોંપી. આ જીંગલ એટલી બધી લોકપ્રિય નીવડી કે એને જીંગલ માટે સતત કામ મળતું થયું. એ જીંગલ્સ બનાવવામાં ખૂંપી ગયો હતો, પરંતુ વિધાતા એને બીજી દિશામાં વાળવા ઇચ્છતી હતી. બોલિવુડના ટોચના ફિલ્મ સર્જક મુકુલ આનંદે એહસાનનો સંપર્ક સાધ્યો. મુકુલે એહસાનને કહ્યું કે હું 'દસ' નામની ફિલ્મ બનાવી રહ્યો છું. તું એનું સંગીત આપીશ? થોડીવાર માટે એહસાન મૂંઝાયો. દસ બાર શબ્દો ધરાવતી દસ પંદર સેકંડની એડ માટે જીંગલ બનાવવામાં ઝાઝી મુશ્કેલી નહોતી. એક અઢી-ત્રણ કલાકની ફિલ્મનું સંગીત આપવાનું કામ થોડું જવાબદારી ભરેલું હતું.

આ તબક્કે એહસાને શંકર અને લોયનો સંપર્ક સાધ્યો અને પોતાની સાથે 'દસ'ના સંગીત સર્જનમાં સહભાગી થવાનું આમંત્રણ આપ્યું. શંકર-એહસાન-લોયના નામથી સંગીત આપવા આ સંગીતકારો તૈયાર થયા. પરંતુ હજુ વાત આગળ વધે ત્યાં મુકુલ આનંદનું અકાળે અવસાન થયું. ફિલ્મ અટકી પડી. સાથોસાથ આ ત્રણેની ઊગતી કારકિર્દીને પણ બ્રેક લાગી ગયો.   

એહસાનનો પરિચય પૂરો કરીએ એ પહેલાં એની એક આંતરરાષ્ટ્રીય સિદ્ધિનો ઉલ્લેખ જરૂરી બને છે. દુનિયાભરના ગિટારવાદકો માટે મસ્ટ ગણાય એવી અમેરિકન ઇલેક્ટ્રિક ગિટાર ફેન્ડર બ્રાન્ડની સિગ્નેચર ટયુન એહસાન નૂરાનીએ તૈયાર કરી છે. લિયો ફેન્ડર નામના સર્જકે બનાવેલી આ ઇલેક્ટ્રિક ગિટાર છેલ્લાં પોણોસો એંસી વર્ષથી સંગીતની સૃષ્ટિમાં ઓથોરિટી ગણાય છે. એહસાને આ સિગ્નેચર ટયુનની આખી સિરીઝ બનાવી છે જે 'ધી એહસાન નૂરાની ફેન્ડર સ્ક્વાઇઝર સિરીઝ'ના નામે જગવિખ્યાત છે.

મુકુલ આનંદના અવસાનને કારણે અટકી પડેલી 'દસ' ફિલ્મ પછી અનુભવ સિંહાએ પૂરી કરી. ફિલ્મમાં સંગીતકાર તરીકે પછી વિશાલ-શેખરે કામ કર્યું હતું. શંકર-એહસાન-લોયને અન્ય ફિલ્મો મળી, ઢગલાબંધ એવોર્ડઝ્ તેમજ લોકપ્રિયતા પણ સાંપડી. આવતા સપ્તાહે.