- ''કમીને' મારી કરીઅરનો મહત્ત્વનો ટર્નિંગ પોઇન્ટ છે. હું વિશાલ ભારદ્વાજ પાસેથી ઘણું બધું શીખી છું. રોલ માટે કઈ રીતે રિસર્ચ કરવું, પૂર્વતૈયારી કરવી અને પછી પોતાના પાત્રને કઈ રીતે સરન્ડર થઈ જવું તે હું એમની પાસેથી શીખી છું.'
બોલિવુડના એકટર્સ ભલે ગ્લેમરસ લાઈફ જીવતા હોય, પણ અંગત રીતે તેઓ સંવેદનશીલ વ્યક્તિ હોય છે એટલે જ તેઓ જે કોઈએ એમની પ્રગતિમાં ફાળો આપ્યો હોય એ રાઇટર, ડિરેક્ટર કે ફિલ્મને કદી ભૂલતા નથી. પ્રિયંકા ચોપરા જોનસ એનો તાજો દાખલો છે. વિશાલ ભારદ્વાજની ફિલ્મ 'કમીને'ની રિલીઝને હમણાં ૧૬ વરસ પૂરાં થયાં ત્યારે ગ્લોબલ સ્ટાર બની ચુકેલી પ્રિયંકાએ આ ફિલ્મ સાથે જોડાયેલા પોતાનાં સંસ્મરણો વાગોળી એને પોતાના કરિયરનો ટર્નિંગ પોઇન્ટ ગણાવ્યો. એક્ટરે વિશાલ ભારદ્વાજના ડિરેક્શનના ભરપૂર વખાણ કરી એમનો પોતાને ફિલ્મમાં એક સ્ટ્રોંગ રોલ આપવા બદલ આભાર માન્યો.
તમને યાદ જ હશે કે આ ફિલ્મમાં શાહિદ કપૂરે ડબલ રોલ કર્યો હતો. એણે બે જોડિયા ભાઈઓ ચાર્લી અને ગુડ્ડુના પાત્રો ભજવ્યા હતા, જ્યારે પ્રિયંકા મજબૂત મનોબળ ધરાવતી મરાઠી યુવતી સ્વીટી શેખર ભોપેના રોલમાં હતી. સ્વીટી મુંબઈના અન્ડરવર્લ્ડ ડોન સુનીલ શેખર ભોપેની બહેન છે અને ગલીછાપ ધુતારા ચાર્લીના પ્રેમમાં છે. જ્યારે ચાર્લીનો જોડિયો ભાઈ ગુડ્ડુ એક એનજીઓ વર્કર છે. 'કમીને'ના બેકડ્રોપમાં મુંબઈની અંધારી આલમ છે.
'કમીને'ની રિલીઝની ૧૬મી એનિવર્સરી પર પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મના સંખ્યાબંધ સ્ટીલ્સ મૂકી મૂવી સાથેની પોતાની યાદો તાજી કરતા કહ્યું છે, 'હું માયામીમાં તરુણ મનસુખાની દિગ્દર્શિત ફિલ્મ 'દોસ્તાના'નું અભિષેક બચ્ચન અને જોન અબ્રાહમ સાથે શુટિંગ કરી રહી હતી ત્યારે મને સ્વીટીનો રોલ ઓફર થયો હતો. એક ઠંડી ધુ્રજાવી દેતી સાંજે શુટિંગ પતાવી દીધા બાદ હું મારો સેલફોન ચેક કરતી હતી ત્યારે મેં વિશાલ ભારદ્વાજનો મિસ્ડ કોલ જોયો. મેં તરત એમને ફોન કર્યો, કારણ કે ઘણા સમયથી હું એમની સાથે ફિલ્મ કરવા તલપાપડ હતી. મને મનમાં એવો વિચાર આવતો હતો કે મારી કમર્શિયલ ઇમેજને કારણે તેઓ મને કદી કાસ્ટ નહિ કરે. ફોનમાં વિશાલ સરે કહ્યું કે હું તને મળવા ઇચ્છું છું અને તેઓ મને મળવા છેક માયામી આવ્યા. એમણે મને 'કમીને'ની સ્ટોરી સંભળાવી. સ્ક્રીપ્ટ સાંભળ્યા બાદ મેં એમને કહ્યું કે આખી ફિલ્મમાં મારા કેરેક્ટરના ભાગે ફક્ત ૮ સીન આવે છે. એમણે બહુ શાંતિથી મને સમજાવી કે ટ્રસ્ટ મી, આપણે સાથે મળીને સ્વીટીના પાત્રને ઘણું બધું મહત્વ અપાવી શકીશું અને મેં એમની ઓફર સ્વીકારી લીધી. એટલે ખુશ થઈને વિશાલજીએ મને પ્રોમિસ આપ્યું કે આ રોલ તેં સ્વીકાર્યો છે એટલે એની કદરરૂપે હું તારી સાથે એક અદ્ભુત મૂવી બનાવીશ.'
પોતાની પોસ્ટમાં પ્રિયંકા પ્રામાણિકપણે 'હું તો વિશાલ સર સાથે ફિલ્મ કરવાનાં સપનાં જોતી હતી,' એવું કબુલતા આગળ લખે છે, 'થોડાં વરસ બાદ અમે 'સાત ખૂન માફ'માં ફરી ભેગા થયા. 'કમીને' મારી કરિયરનો મહત્ત્વનો ટર્નિંગ પોઇન્ટ બની રહી છે. હું વિશાલ ભારદ્વાજ પાસેથી ઘણું બધું શીખી છું. રોલ માટે કઈ રીતે રિસર્ચ અને પ્રેપરેશન કરવું અને પછી પોતાના પાત્રને કઈ રીતે સરેન્ડર થવું એ બધું જાણ્યું.'
'કમીને' બાદ પ્રિયંકા અને શાહિદ કપૂરના અફેરની વાતો મીડિયામાં સારી એવી ચગી હતી. પોતાની પોસ્ટમાં શાહિદ વિશે વાત કરતા યુએસમાં સ્થાપી થઈ ગયેલી એકટ્રેસ લખે છે, 'મૂવીના ડબલ રોલમાં શાહિદની એક્ટિંગ સેન્સેશનલ હતી. જ્યારે ડોનના પાત્રમાં અમોલ ગુપ્તેનું કામ પણ પ્રશંસનીય હતું.'
બિલકુલ.


