Get The App

હાઉસફુલની ઠઠ્ઠાબાજીએ સંગીતકાર ત્રિપુટીની ખૂબ કસોટી કરી

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
હાઉસફુલની ઠઠ્ઠાબાજીએ સંગીતકાર ત્રિપુટીની ખૂબ કસોટી કરી 1 - image

- સિનેમેજિક- અજિત પોપટ

- 'હાઉસફુલ'ના સંગીતે શંકર-એહસાન-લોય કોમેડી જોનર માટે પણ આકર્ષક સંગીત પીરસી શકે છે એ પુરવાર કર્યું. એ વાત જુદી છે કે 'હાઉસફુલ'ની પહેલી કડી પછી સાજિદ નડિયાદવાલાએ આ ત્રિપુટીને રિપીટ ન કરી. 

બાવા બન્યા હૈ તો હિન્દી બોલના પડેગા... લોકોક્તિ અનુસાર સંગીતકાર બનો એટલે દરેક જોનરની ફિલ્મ તમારા ખોળામાં આવી પડે. એમાંય હ્યુમરના વિવિધ પ્રકાર તમારી સમક્ષ આવે ત્યારે ભલભલા સર્જકની કસોટી થઇ જાય. ૧૯૫૦ના દાયકામાં બનેલી અને ત્રણે ગાંગુલી ભાઇઓ (અશોકકુમાર, કિશોરકુમાર અને અનુપકુમાર)ને ચમકાવતી 'ચલતી કા નામ ગાડી'થી શરૂ કરીને 'ગોલમાલ', 'હેરાફેરી', શેક્સપિયરની કૃતિ 'કોમેડી આફ એરર્સ' પર આધારિત ગુલઝારની 'અંગુર', 'ચૂપકે ચૂપકે' વગેરે કોમેડી ફિલ્મો જુઓ તો ખ્યાલ આવે કે આ પ્રકારની ફિલ્મોમાં સંગીત શી રીતે તૈયાર થયું હશે. ૨૦૧૦માં સાજિદ નડિયાદવાલા અને સાજિદ ખાને બનાવેલી 'હાઉસફુલ' ફિલ્મ બફૂનરી ટાઇપની કોમેડી ફિલ્મ હતી. એને એટલી સફળતા મળેલી કે એ ફ્રેન્ચાઇઝી બની ગઇ. અત્યાર સુધીમાં એની કુલ પાંચ કડી આવી ગઇ. ૨૦૧૦માં આવેલી 'હાઉસફુલ' આ શ્રેણીની પહેલી કડી. જોકે આ પહેલી કડી મૌલિક નહોતી. સુપરહિટ નીવડેલી તમિળ ફિલ્મ 'કઢાલા કઢાલા'નું આ હિન્દી રૂપાંતર હતું.

અક્ષયકુમાર, રિતેશ દેશમુખ, અર્જુન રામપાલ, ચંકી પાંડે, દીપિકા પાદુકોણ, લારા દત્તા અને જિયા ખાન ઉપરાંત બોમન ઇરાની અને રણધીર કપૂરને ચમકાવતી આ ફિલ્મમાં મલાઇકા અરોરા ખાને કેમિયો કરેલો. ફિલ્મ રજૂ થયાના બે-અઢી વર્ષમાં હોનહાર ગણાયેલી અભિનેત્રી જિયા ખાનનું વિવાવદાસ્પદ સંજોગોમાં મરણ થયેલું. આ ફિલ્મે સંગીતકાર તરીકે શંકર-એહસાન-લોયની સારી એવી કસોટી કરેલી. કથા અને પાત્રો સાથે સંકળાયેલાં પ્રસંગો અને સંજોગો સાથે ગીતો અનાયાસે જોડાઇ ગયેલાં. સમીર અને અમિતાભ ભટ્ટાચાર્યનાં ગીતો છે. મોટા ભાગનાં ગીતો પરદા પર વહેતી કથા અને છબરડા સાથે માણવા જેવા છે. કથાના પ્રસંગો સાથે એ વધુ આસ્વાદ્ય બની રહે છે. આ એક પ્રકારની મર્યાદા બની જાય છે.

દાખલા તરીકે, એક કેસિનોમાં વિજેતાઓને હરાવવા પનોતી તરીકે ઓળખાતા આરુષ નામના યુવાનની વાતથી ફિલ્મ શરૂ થાય એ સાથે 'હી ઇઝ અ લૂઝર' ગીતનો સંદર્ભ જોડાય. પોતે જેને ચાહે છે એ યુવતી એને નકારે છે, એટલું જ નહીં, એ યુવતીનો લશ્કરી ભાઇ મેજર કૃષ્ણા રાવ આરુષને એક મુક્કો ઠોકી દે છે.  વિવિયન પોચા અને અમિતાભ ભટ્ટાચાર્યના કંઠે એક ગીત બે સૂચિતાર્થ સાથે રજૂ થાય છે. પહેલું વર્ઝન આ રહ્યું- 'હાથોં કી રેખાયેં ઇસે રુલાએ, કિસી રબર સે મીટ ન પાયે, લાઇફ કુછ દેતી નહીં હૈ, બદલે મેં લેતી હી રહી હૈ...' મકાઉનો કેસિનો છોડીને આરુષ લંડન પોતાના દોસ્તને ત્યાં રહેવા આવે છે ત્યાં પણ એ પનોતી જેવો બની રહે છે. આ ગીતનું વિધાયક રૂપાંતર 'હી ઇઝ નોટ સચ અ લૂઝર' ગીત છે. આ રમૂજી શબ્દોને વહેવા દેવા માટે સંગીતકારોએ સાવ સરળ રીતે સ્વરાંકનો કર્યાં છે.

સુનિધિ ચૌહાણના કંઠે રજૂ થતું હિંગ્લીશ ગીત 'હે મુઝે નહીં પતા ક્યા કરું, હાય, આય ડોન્ટ નો વ્હોટ ટુ ડુ...' શબ્દોનું પુનરાવર્તન પાત્રની મનોદશાને વ્યક્ત કરે છે. આ ગીત લયપ્રધાન છે. સૂરાવલિને ઝાઝો અવકાશ નથી. પણ સ્ક્રીન પર આ ગીતે જબરી જમાવટ કરેલી. બીજીવાર આ ગીત રિમિક્સ તરીકે પરદા પર માણવા મળે છે.

સૌથી વધુ રમતિયાળ ગીત 'પાપા જગ જાયેગા' છે. ફિલ્મનાં મુખ્ય પાત્રો અને પાપાનો રોલ કરનારો બોમન ઇરાની આ ગીતને જીવંત બનાવવામાં મુખ્ય રહ્યા. એક રોમેન્ટિક ગીતને કેવું જોરદાર રમૂજી બનાવી શકાય એનો આ સરસ  દાખલો છે. સિસકારાથી આરંભ થાય છે - 'શ... ચૂપ રહો ચૂપ રહો, પાપા સો રહે હૈં, શરારતી શરારતી શરારતી રાત આયી, તૂ હૈ, મૈં હૂં ઔર ઢેર સારી તન્હાઇ, ડ્રામા યે ભારી પડ ગયા, લવ મેં કાંટા ગાડ ગયા, જાને કબ તક સતાયેગા...' ત્યાં જ ગીતમાં વળાંક આવે છે, 'શ...શ... વોલ્યુમ કમ કર પાપા જગ જાયેગા...' અહીં સંગીતકારોએ શબ્દોમાં રહેલા ઇશ્કીયા ભાવ અને પાપા જાગી જશે એવા ડરને ખૂબીપૂર્વક સાંકળી લઇને ઊડતી તર્જ બનાવી છે.

આ ફિલ્મમાં નિર્માતા કે નિર્દેશકના ઇશારે એક પ્રયોગ કરવામાં આવ્યો છે. ૧૯૮૧માં રજૂ થયેલી અમિતાભ બચ્ચન, ઝીનત અમાન, રાખી અને અમજદ ખાનને રજૂ કરતી ફિલ્મ 'લાવારિસ'ના એક ગીત 'અપની તો જૈસે તૈસે, થોડી ઐસે યા વૈસે...' (સંગીત કલ્યાણજી-આણંદજી)ની રિમેક 'આપ કા ક્યા હોગા...' ગીતમાં રજૂ કરાઇ છે. મૂળ સંગીતકારોને પણ ક્રેડિટ અપાઇ છે. ગીતનો ઉપાડ 'જમીં પર બૈઠે લોગ, ઔર લે લો, જમીં પર બૈઠે લોગ ઇસે લે જાઓ, હો ધન્નો હો ધન્નો હો ધન્નો...' શબ્દોથી થાય છે. એ પછી ધન્નો તરીકે સંબોધાયેલી ડાન્સર પોતાનો પરિચય આપે છે. ત્યાર બાદ 'લાવારિસ'ના ગીતના શબ્દો રિપીટ થાય છે. મૂળ ગીતનાં તર્જલયને જરાય હાનિ ન પહોંચે એ રીતે અહીં શંકર-એહસાન-લોયે ગીતનું રિમિક્સ તૈયાર કર્યું છે. પરદા પર એક આકર્ષક ડાન્સ સોંગ તરીકે રજૂ કરાયું અને મૂળ ગીત જેવું જ હિટ નીવડયું.  

'હાઉસફુલ'ના સંગીતે શંકર-એહસાન-લોય કોમેડી જોનર માટે પણ આકર્ષક સંગીત પીરસી શકે છે એ પુરવાર કર્યું. એ વાત જુદી છે કે 'હાઉસફુલ'ની પહેલી કડી પછી સાજિદ નડિયાદવાલાએ આ ત્રિપુટીને રિપીટ ન કરી. બીજી કડીમાં સાજિદ વાજિદ, ત્રીજીમાં શરીબ તોસી, ચોથીમાં સોહૈલ સેન અને પાંચમીમાં તનિષ્ક બાગચી તથા યો યો હની સિંઘને સંગીતની જવાબદારી સોંપી. બોલિવુડમાં આવું અગાઉ ઘણીવાર બન્યું છે. પહેલી ફિલ્મ સુપરહિટ જાય પછી ફિલ્મ સર્જક અને કલાકારો પોતાની માર્કેટ પ્રાઇઝ વધારી દે. ગીતકાર-સંગીતકારને વધુ મહેનતાણું આપવું ન પડે માટે પડતા મૂકે. યહ તો આગુ સે ચલી આતી હૈ... બહુત પુરાના દસ્તૂર હૈ જી!