નિકોલ કિડમેન બ્લોકબસ્ટર જીવન
ઓસ્ટ્રેલિયામાં જન્મેલી અને હોલિવુડમાં ટોપ સ્ટાર તરીકે કોલ કિડમેનનું નામ હોલિવુડમાં ઉત્કૃષ્ટતા, વર્સેટિલિટી અને સાતત્યનો પર્યાય બની ગયું છે. નિકોલે ૧૯૮૩માં માત્ર સોળ વર્ષની વયે તેણે ઓસ્ટ્રેલિયન ફિલ્મ 'બુશ ક્રિસમસ'માં ડેબ્યુ કર્યું. ૧૯૮૯ સુધી તો તેણે 'ડેડ કામ'માં તેના રોલ દ્વારા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી લીધી હતી. એક વર્ષ પછી તેણે 'ડેઝ ઓફ થન્ડર'માં ટોમ ક્રૂઝ સાથે હોલીવૂડમાં પ્રવેશ કર્યો. ત્યારથી લઈને કિડમને લગભગ સો ફિલ્મો અને ટીવી સીરીઝમાં અભિનય કર્યો. તેને મળેલા એવોર્ડ્ઝ તેના પ્રભાવનો પુરાવો છે. કિડમેન એક ઓસ્કર, પાંચ ઓસ્કર નામાંકન અને એકાધિક એમી એવોર્ડ્સ જીતી ચુકી છે.
૨૦૨૦માં ફોર્બ્સ મેગેઝિને એેને બાવીસ મિલિયન ડોલર સાથે વિશ્વની સૌથી વધુ વળતર મેળવતી અભિનેત્રીઓમાં સાતમા ક્રમાંકે મૂકી હતી. ૨૦૨૪ સુધીમાં તો કિડમેન એક જ વર્ષમાં ૩૧ મિલિયન ડોલરની આવક સાથે ફોર્બ્સની યાદીમાં ટોચના ક્રમાંકે પહોંચી ગઈ. 'બેબીગર્લ' અને 'ધી ફેમિલી અફેર' જેવી ફિલ્મો અને અમુક શોઝ તો હજુ ગણતરીમાં જ લેવાયા નથી. ૨૦૧૦માં કિડમેને એણે બ્લોસમ ફિલ્મ્સ નામની પ્રોડક્શન કંપનીની સ્થાપના કરી જેણે 'બિગ લિટલ લાઈઝ' સહિત અનેક સ્વઅભિનિત હિટ સીરીઝને આકાર આપ્યો. કિડમનનું અંગત જીવન ઘણીવાર તેની વ્યાવસાયિક સફરમાં વણાઈ ગયું છે. ટોમ ક્રુઝ સાથે તેના હાઈ પ્રોફાઈલ લગ્ન (૧૯૯૦થી ૨૦૦૧)એ સમગ્ર વિશ્વમાં રોમાંચ જગાવ્યો હતો. કપલે બે બાળકો દત્તક લીધા, તેમના છૂટાછેડાની આર્થિક વિગતો તો ગુપ્ત રહી પણ કિડમનને લાખો ડોલરની મિલકત મળી. ૨૦૦૬માં કીથ અર્બન સાથે બીજાં લગ્ન પછી તેના જીવનમાં સ્થિરતા આવી. કપલને બે પુત્રી પણ થઈ. જોકે ૨૦૨૫માં કિડમને સમાધાન ન થઈ શકે તેવા મતભેદો ટાંકીને છૂટાછેડા માટે અરજી દાખલ કરી, જેના પરિણામે તેમની વિશાળ મિલકતોના વિભાજન વિશે સવાલો ઊભા થયા છે.
એમિલી બ્લન્ટ નો એઆઈ, પ્લીઝ!
હોલિવુડની સૌથી વધારે વખણાતી અભિનેત્રીઓ પૈકી એક એમિલી બ્લન્ટે તાજેતરમાં 'એઆઈ પ્રતિસ્પર્ધી' વિશે પોતાના વિચારો વ્યકત કર્યા હતા. પોતાની આગામી ફિલ્મ 'ધી સ્મેશિંગ મશીન'ના પ્રમોશન દરમ્યાન તેની સમક્ષ એક ચોંકાવનારા સમાચાર રજૂ કરવામાં આવ્યા. એઆઈ સર્જિત અભિનેત્રી ટીલી નોરવૂડને તાજેતરમાં જ 'લોન્ચ' કરાઈ છે અને મહત્વની ટેલન્ટ એજન્સીઓએ તેનામાં રસ દાખવ્યો છે.
બ્લન્ટનો પ્રતિસાદ સહજ અને બેબાક હતો. આ સમાચાર બાબતે અચરજ દાખવતા તેણે અસ્વસ્થતા વ્યક્ત કરી. બ્લન્ટે જણાવ્યું કે આ સમાચાર હતાશાજનક હોવા કરતાં ખાસ તો ભયાવહ છે. તેને જ્યારે નોરવૂડની તસવીર દેખાડવામાં આવી ત્યારે પણ તેને વિશ્વાસ નહોતો બેસતો કે આવું બની શકે. તેણે એજન્સીઓને આવી રીતે સર્જેલા કલાકારને ટેકો ન આપવાની વિનંતી કરી.
નોરવૂડ નવા શરૂ થયેલા એક એઆઈ ટેલન્ટ સ્ટુડિયોની પ્રથમ ડિજિટલ રચના છે. સ્ટુડિયો અને એજન્સીઓ ચૂપચાપ એઆઈ આધારીત પરફોર્મરો સાથે પ્રયોગો કરી રહ્યા છે. મનોરંજન ઉદ્યોગના સૂત્રો અનુસાર નોરવૂડની રચના અનેક પ્રસિદ્ધ કલાકારોના મિશ્રણમાંથી કરવામાં આવી છે.


