Get The App

હિના ખાન : લોકો મારી સાથે કામ કરવામાં ખચકાટ અનુભવે છે

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
હિના ખાન : લોકો મારી સાથે કામ કરવામાં ખચકાટ અનુભવે છે 1 - image

- 'મારા સ્વાસ્થ્યને કારણે  મારું  ઘણું કામ પાછળ ધકેલાઈ ગયું છે. મારે ઘણી ઓફરોથી  દૂર રહેવું પડયું હતું. હું, ઇન ફેક્ટ, હજુ પણ સારવાર હેઠળ છું.'

છેલ્લા એક વર્ષથી  પણ વધુ સમયથી   જાહેરમાં  નહીં દેખાયેલી  અભિનેત્રી   હિના ખાન કેન્સરના નિદાન અને સારવાર બાદ હવે  કામ કરવા આતુર  છે, પણ તેને એવું લાગી રહ્યું  છે કે ઈન્ડસ્ટ્રીના લોકો મને નવા પ્રોજેક્ટ્સમાં લેવામાં ખચકાટ  અનુભવે છે. હિનાએ  થોડા સમય પહેલાં જ કહ્યું હતું  કે મારા સ્વાસ્થ્યને  કારણે  મારું  ઘણું કામ પાછળ  ધકેલાઈ   ગયું છે. આનું કારણ  એ પણ છે કે  મારે ઘણી ઓફરોથી  દૂર રહેવું પડયું હતું. હું હજુ પણ સારવાર હેઠળ છું.  

હવે હિના ખાન  રિયાલિટી શો સાથે નાના પડદા  પર પાછા ફરી રહી છે. 'જે કંઈ  બન્યું એ પછીનો આ પ્રથમ  પ્રોજેક્ટ છે.  હું હવે કામ કરવા માગું છું. કોઈએ  મને સીધું કહ્યું નથી કે હું હજુ પણ  સંપૂર્ણપણે  સ્વસ્થ થઈ નથી,  પરંતુ મને લાગે છે કે કદાચ બધા લોકો યોગ્ય કારણસર  જ ખચકાટ  અનુભવી  રહ્યાં છે,' ૩૭ વર્ષની અભિનેત્રી કહે છે. 'પણ હું જરાય નિરાશ નથી થઈ.  આ બધું  તો ઠીક  છે. જો કે હું તેમની જગ્યાએ  હોત તો મેં પણ હજાર વાર વિચાર્યું  હોત. હું ઓડિશન  આપવા પણ તૈયાર છું.   છેલ્લા એક વર્ષથી કોઈએ મને ફોન કર્યાં નથી. નિર્માતાઓ... પ્લીઝ, મને ફોન કરો!' 

'યે  રિશ્તા  ક્યા કહલાતા હૈ' ટીવી શૉથી  જાણીતી  બનેલી આ  અભિનેત્રીએ  પોતાના તાજેતરના રિયાલિટી શો માટે જણાવ્યું હતું  કે આ તો કારકિર્દીનો સીમાચિહ્ન રૂપ શો  છે. 

હિના કહે છે, 'આ શોમાં  જોડાવવું મારા માટે એક મોટું પગલું છે. અત્યાર સુધી  મને ખૂબ  સારું  છે, પણ હું થાકી જાઉં છું, જોકે આ સિવાય, બધુ બરાબર છે. હું કોઈપણ  પ્રકારની  ભૂમિકા  ભજવવા  તૈયાર છું. હું સ્પાય યુનિવર્સમાં ભાગ બનવા  માગું છું. ભલેને તે ઓટીટીની વેબ સીરિઝ હોય કે ફિલ્મ  હોય. જોકે, હું લાંબા ગાળાનું કમિટમેન્ટ આપી શકું તેવી સ્થિતિમાં નથી. પરંતુ જો કોઈ દળદાર ઓફર આવે તો... વેલ, શા માટે  નહીં?' 

ઓલ ધ બેસ્ટ, હિના!