- 'અમને કદી 'ડ્રીમ વેડિંગ'નો વિચાર આવ્યો જ નહોતો. આ પ્રસંગ સ્વાભાવિક રીતે જ એકદમ ખાસ બની ગયો. હીના એવા પ્રોફેશનમાં છે જેમાં એણે 2000 એપિસોડ્સમાંથી 1500 એપિસોડ્સમાં એ દુલ્હન બનવું પડે છે...'
હીહીના ખાન માટે આ વરસનો વેલેન્ટાઈન્સ ડે એકદમ સ્પેશ્યલ બની રહ્યો. એટલા માટે કે ટીવી સીરિયલ્સની ક્વિન ગણાતી એકટ્રેસ બ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર બીમારીમાંથી બેઠી થઈ ગઈ છે. ૨૦૨૪માં હીનાને બ્રેસ્ટ કેન્સર થયું હોવાનું નિદાન થયું હતું. બીજુ, વેલેન્ટાઈન્સ-ડેના દિવસે ૧૪ ફેબુ્રઆરીએ જ હીનાના હસબન્ડ રોકી જયસ્વાલનો બર્થ ડે છે. એટલે પોતાનો ઉજવણીનો પ્લાન શેર કરતા અભિનેત્રી કહે છે, મારી લાઈફના લવ (રોકી) સાથે મારા માટે આ પ્રેમનું ડબલ સેલિબ્રેશન છે. આખુ વરસ રોકીએ મારી એક બાળકની જેમ કાળજી લીધી છે. એટલે હું આ વરસે એના જન્મદિને એ બહુ ખાસ વ્યક્તિ છે એવો અહેસાસ કરાવવાના મિશન પર છું, પરંતુ વરસમાં આ એક દિવસ એવો છે જ્યારે દરેક સ્ત્રી પોતે સ્પેશિયલ હોવાની અનુભૂતિ કરવા ઇચ્છે છે. જોકે રોકી એવો પાકો પ્રબંધ રાખે છે કે મારા વરસના ૩૬૫ દિવસ પ્રેમસસભર બની રહે.
અત્રે નોંધવું ઘટે કે હીના અને રોકી સુપર હિટ સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ના સેટ પર પહેલી વાર મળ્યા હતા. યોગાનુયોગે એ હીનાની ડેબ્યુ સીરિયલ હતી. બંને લગભગ ૧૦ વરસ સુધી ડેટિંગ કર્યા બાદ જુન, ૨૦૨૫માં પરણી ગયા હતા. હીના અને રોકીના મેરેજને હજુ એક વરસ પણ પુરું નથી થયું. મેરેજ પછી શું બદલાવ આવ્યો છે એ વિશે વાત કરતા ૩૮ વરસની એક્ટર કહે છે, મેરેજ પહેલા હું અવારનવાર કહેતી કે મારે મારી પોતાની સ્પેસ (મોકળાશ) જોઈએ છે પણ હવે એ બધુ બદલાઈ ગયું છે. આજે અમે બંને વધુમાં વધુ સમય સાથે ગાળવા ઇચ્છીએ છીએ.
સામી બાજુએ રોકીનો દ્રષ્ટિકોણ જેવો હતો તેવો જ રહ્યો છે. હું તો હંમેશા હીનાની નજીક જ રહેવાનું પસંદ કરતો આવ્યો છું. શરૂમાં વ્યક્તિ એવું વિચારે છે કે જીવન બહુમૂલ્ય છે એટલે તમે લાઈફ પાર્ટનર સાથે વધુ વખત રહેવા માગો છો. પછીથી તમને સમજાય છે કે મારા જીવનને કોણ બહુમૂલ્ય બનાવ્યું મારે એની આસપાસ જ રહેવું છે. મારી લાઈફને હીનાએ જ બહુમૂલ્ય બનાવી છે. એટલે એનો સંગાથ મને ગમે છે, એમ ટીવી સીરિયલોના સુપરવાઈઝિંગ પ્રોડયુસર રોકી જયસ્વાલ કહે છે.
૧૦ વરસ ડેટિંગ કર્યા બાદ અંતે મેરેજ કરવાના નિર્ણય વિશે પૂછાતાં હીના કહે છે, એ મારો નિર્ણય હતો. મેં જ રોકીને કહ્યું કે ચાલ, આપણે પરણી જઈએ. જ્યારે રોકી કહે છે કે હું તો હીનાને ક્યારનો દિલથી પરણી ચુક્યો હતો. અહીં નોંધવું ઘટે કે હીનાને બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયા બાદ એના જીવનમાં આવેલા ઝંઝાવાત અને બીમારી સામેના જંગમાં રોકી પૂરી તાકાતથી એની પડખે ઊભો રહ્યો હતો.
હીનાએ કોઈ શોર બકોર વિના સાદાઈથી લગ્ન કરવાનું વિચાર્યું હતું. એણે મનીષ મલ્હોત્રા પાસે પોતાનો વેડિંગ ડ્રેસ તૈયાર કરાવવા સિવાય બીજુ કોઈ પ્લાનિંગ નહોતું કર્યું. પરંતુ વિધાતાને કદાચ એ મંજૂર નહોતું. મેરેજ ટાણે ફેમિલી અને ફ્રેન્ડ્સ સારી એવી સંખ્યામાં ભેગા થઈ ગયા અને એમના માટે એ યાદગાર પ્રસંગ બની રહ્યો. એ બધી વાતો શેર કરતા રોકી કહે છે, અમારા મગજમાં કદી ડ્રીમ વેડિંગનો ખ્યાલ આવ્યો જ નહોતો. પરંતુ કુદરતી રીતે ખાસ બની ગયો. હીના એવા પ્રોફેશનમાં છે જેમાં ૨૦૦૦ એપિસોડ્સમાંથી ૧૫૦૦ એપિસોડ્સમાં એ દુલ્હન બની હશે. એટલે અમે નિર્ણય લીધો કે આપણાં વેડિંગ એકદમ સિમ્પલ જ રાખીશું.


